Connect Gujarat
બ્લોગ

એકની એક દીકરી આર્મી ઓફિસર બનશે એજ ખ્વાઈશ

એકની એક દીકરી આર્મી ઓફિસર બનશે એજ ખ્વાઈશ
X

અષાઢી બીજની રાતે નવ કલાકે મને સર, કહે ગુરુ કહે, વાંકા વળીને વંદન કરે અને હું એણે ભેટી પડું એવો અમારો દોઢ દાયકાનો નાતો.

મેં એને સહજતાથી પૂછ્યું, “દીકરી કેમ છે ?” મને ખબર કે આ એની દુખતી નસ. એ કહે, “એકદમ ફાઈન. નાઈન્થમાં આવી.

મેં પુછયું “બેટા, ઘર યાદ આવતું નથી ?” એ અમને શાંતવના આપતા વળતો જવાબ આપે, “પપ્પા દીવાળી વેકેશનમાં આવવાનું પાક્કું .” સર, એ બે વરસની હતી ત્યારે એને કાલીઘેલી ભાષામાં બોલતા આવડી ગયેલું. કોઈ એને પૂછે તું મોટી થઈને શું બનવાની છે? એ કહે, આર્મી દાકતર. એ સાતમામાં આવી. ટકા ઓછા આવ્યાં. એ વખતે મેં પૂછ્યું બેટા શો વિચાર છે ? એજ શબ્દો એણે કંઠસ્થ. આર્મીમાં દાકતર. મેં એને સમજાવ્યું આર્મીમાં ડોક્ટર એમ નહિ બોલવાનું. આર્મીમાં જઈશ એટલું જ કહેવાનું. મેં ગુગલ પર સર્ચ કર્યું. બે જ જગ્યાએ ગર્લ્સ મીલટરીની સ્કૂલ. દહેરાદુન અને નાસિક. એની ઈચ્છા પૂરી કરવા મમ્મીને મનાવી અને દોઢ લાખનો ડ્રાફ્ટ કઢાવી એડમિશન માટે ફોર વ્હીલર લઈને નીકળ્યા નાસિક જવા. ગોલ્ડન બ્રિજમાં ગાડી આવી એટલે મેં ફરી પૂછ્યું, “બેટા તારે નાસિક મીલેટરી સ્કૂલમાં એકલા રહેવું પડશે, તારો નિર્ણય પાક્કો છે ને, એણે ‘હા’ પાડી. અંકલેશ્વર આવ્યું. નેશનલ હાઈવે તરફ ગાડી ટર્ન થઇ મેં ફરી પૂછ્યું “હજુ પણ અવઢવમાં હોય તો કહી દે, ગાડી ભરૂચ પાછી વાળી દઈએ. એણે કહ્યું,” પપ્પા વારંવાર ના પૂછો. એકવાર કહ્યું ને કે હું મીલેટરીમાં જઈશ એટલે જઈશ જ. વાપી આવ્યું. ફરી પૂછ્યું, “હવે એ ગુસ્સે થઈ. મને ખબર છે તમને બન્નેને મારા વગર સુનુસુનુ લાગશે એટલે મારા મોઢે નથી જવું એવું બોલાવવા માટે મને વારંવાર પૂછ્યા કરો છો? હું ચુપ, એની મમ્મી ચુપ. નાસિક સ્કૂલે પહોંચ્યા. પ્રવેશવિધિ પૂરી કરી. ભરૂચ પરત આવવા નીકળ્યા. ગુડબાય કરતી વખતે સર, મારી સગ્ગી દીકરીની આંખમાં આંખ મેળવી શક્યો ન હતો.

ભોંસલે મીલીટરી સ્કૂલમાં નિયમ સપ્તાહમાં એકવાર ૧૦ મિનિટ પેરેન્ટ્સ એમના સંતાન સાથે વાત કરી શકે. ત્રીજે દિવસે અમારી વાત થઇ. એ રડમસ અવાજે કહે, પપ્પા પગ બહુ દુખે છે. મેં પૂછ્યું, કેમ? સવારે પાંચ વાગે ઉઠવાનું, હોસ્ટેલ ગ્રાઉન્ડ જેટલા ત્રણ ગ્રાઉન્ડ ભેગા કરો એટલા મોટા મેદાનના બે ચક્કર મારવાના. મેં કહ્યું, “દીકરા આ જ મીલેટરીની ટ્રેનિંગ કહેવાય. મેં નાસિક જતા પહેલા ‘પ્રહાર’ ફિલ્મ બતાવેલીને, નાના પાટેકર કેવી તાલીમ આપતા’તા. પપ્પા એ તો બધા તમારા જેટલા હતા હું તો આઠમાં ધોરણમાં આ વર્ષે આવી છું. મેં કહ્યું બોડી ગમે તેવી પરિસ્થિતીમાં એલર્ટ રહે એ મીલેટરીની તાલીમનું પહેલું પગથિયું છે. તારે ભરૂચ પાછા આવવું છે ? એણે નન્નો ભણ્યો.

અમે દર મહિને એણે મળવા નાસિક જઈએ છીએ. એક આખો દિવસ સવારે ૯ થી સાંજે પાંચ સુધી ત્યાં રહેતા. વિદ્યાર્થીઓ મા-બાપ સાથે કેમ્પસની બહાર જઈ શકે. સર, હું નાસિકનો અને આસપાસના વિસ્તારનો ભોમિયો બની ગયો છું. જૂનમાં ગયાને’તો વરસાદ કે મારું કામ. અમારી ગાડી પાછા ફરતા સાપુતારા યુ ટર્ન પર ગાડી ગોળ ફરી ગઈ. જીવતદાન મળ્યું.

ધોરણ ૫ પછી સ્થાનિક છોકરીઓને અને ધોરણ ૭ પછી ભારતની અને બહારના દેશોની છોકરીઓને ભોંસલે સ્કૂલમાં આર્મીની તાલીમ આપવામાં આવે છે. ૭૦ છોકરીઓ આ વર્ષ રહેમ રાહે ભણાવવામાં આવે છે. બોયઝ મીલટરી સ્કૂલ તો ૧૯૩૫ થી ચાલતી હતી. આર્મીમાં મહિલાઓને પ્રવેશ અપાતો ગયો એમ મેનેજમેન્ટે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ સ્કૂલ શરુ કરી. ૨૩૫ હેક્ટરમાં આ કેમ્પસ વ્યાપેલું છે. તાલીમ આપનારા નિવૃત્ત લશ્કરી અધિકારીઓ છે. મિનિટે મિનિટનું ટાઈમટેબલ પેરન્ટ્સને આપવામાં આવે છે. પત્રકારમિત્રએ કહ્યું, સર મારી એકની એક દીકરીને આર્મી સ્કૂલમાં મૂકતાં જીવ ન ચાલ્યો પણ ૬ મહિનામાં એનામાં જે ડ્રાસ્ટીક ચેન્જ આવ્યો તેનાથી તાજ્જુબ થઇ ગયો. રજાઓમાં ભરૂચ આવી તો સવારે પાંચ વાગે ઉઠાડીને કહે, ડેડી ચાલો, મેં પૂછ્યું ક્યાં, મને કહે હોસ્ટેલ પર મેં પૂછ્યું કેમ તો કહે રનીંગ કરવા. મારાતો મોતિયાં મરી ગયાં. મેં કહ્યું તું હોલીડે મનાવવા આવી છે’ ને છાનીમાની સુઈ જા. તો એ કહે નો ડેડી, પ્રેક્ટીસ મેક્સ એ મેન પરફેક્ટ એન્ડ ઇફ વુમન પ્રેક્ટીસ હોલ ફેમિલી બીક્મ્સ પરફેક્ટ. ડિસીપ્લીન, સેલ્ફ ડિફેન્સ, જો રાઈટ એઈજ પર છોકરીઓને શીખવા મળે તો એની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે. હિમંત, શૌર્ય અને દેશભક્તિનું મુગ્ધાવસ્થાની ઉંમરે સિંચન થાય તો સો ટકા શુધ્ધ નાગરિક બને જ. અને આ માટે ૮ થી ૧૬ વર્ષની ઉંમર યથાયોગ્ય છે. એટલે જ અમે વ્હાલસોયી દીકરીને ભોંસલે મિલિટરી ગલ્સ સ્કૂલમાં મૂકી છે.

આ વર્ષે કેનેડા અને બીજા રાજ્યોમાંથી પણ છોકરીઓ આવી છે. કોસ્મોપોલિટન કલ્ચર છે પણ મારી છોકરી મક્કમ છે. ગુજરાતમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છોકરીઓ ભોંસલે મિલિટરી સ્કૂલમાં જાય છે. મારી સાથે એકવાર આપ નાસિક સ્કૂલમાં આવો ! આપણે સ્પેશ્યલ રિપોર્ટ બનાવીયે. જેથી ગુજરાતભરના મા-બાપ રિપોર્ટ જુએ અને પોતાની દીકરીને મિલિટરીમાં મોકલે. મેં કહ્યું આવતા મહિને પાક્કું. જયહિંદ.

છોકરીનું નામ : ખુશી

પિતા : ભરત ચુડાસમા માતા : તારીકા

રીપોર્ટર : દુરદર્શન અને ઝી-ગુજરાતી ૨૪ કલાક

www.bhonsalaschool.com

Next Story