Connect Gujarat
બ્લોગ

એસ.ઈ.એક્ષ

એસ.ઈ.એક્ષ
X

બે પુરુષ એકબીજા સાથે વાત કરી શકે ?

બે સ્ત્રીઓ એકબીજા સાથે વાત કરી શકે ?

એવી એક પુરુષ અને એક સ્ત્રી, પુરૂષ-પુરૂષ વચ્ચે થતી વાતો, સ્ત્રી-સ્ત્રી વચ્ચે થતી વાતો કરી શકે ?

મેં એવો પુરૂષ અને સ્ત્રી જોઇ છે, જે પૃથ્વી નામના ગ્રહ પર થઇ શકે તેવા કોઇપણ વિષય પર નિખાલસપણે, બિન્દાસ વાત કરી શકે. એમની વચ્ચે વાત કરવાના વિષયો અપરંપાર છે. આડી અવળી વાતો તેઓ કરતા નથી. એકબીજાની ખામી ખૂબીઓની એમને કોઇ ફરિયાદ નથી. બંનેની ઉંમરમાં ઝાઝો તફાવત પણ નથી. બંને પુખ્ત વયના છે. બંનેના બધા જ અંગો કાર્યરત છે. શારિરીક અને માનસિક રીતે હજુ કોઇ મોટી વ્યાધિના શિકાર બન્યા નથી. એવી તો કઇ વાતો એ લોકો કરે છે? એ તો કહો,

મેં કહ્યુ ને પૃથ્વી નામના ગ્રહ પર થઇ શકે એવા કોઇપણ વિષય પર નિખાલસ, બિન્દાસ વાત કરી શકે.

પણ કઇ વાત ? તમને કઇ વાતો એ લોકો કરે છે ? એ જણાવવામાં રસ હોય તો મગનું નામ મરી પાડો!

એસ.ઇ.એક્ષ. પર વાત કરી શકે છે ? આવી ગયાને મુદ્દાના સવાલ પર. એકદમ નિખાલસપણે.

એકાદ ઉદાહરણ આપીને સમજાવોને ‘આ માણસની જાત છે ને’ એને કોઇપણ ઉંમરે એસ.ઇ.એક્ષ.ની વાતમાં રસ પડેને પડે જ.

અંગ્રેજી આલ્ફાબેટના આ ત્રણેય અક્ષરો અદભૂત છે. પહેલો અક્ષર સત્તરમો આવે એસ, બીજો પાંચમા ક્રમે અને છેલ્લે એક્ષ આવે ચોવીસમા ક્રમે.

“ભાઇ ! મને ક્રમમાં રસ નથી, વાત શું એ કહો”

“ઉતાવળા ન થાવ. આ વિષય બહુ ગહન છે. “

“એમ કહી કહીને જ લોકોને ગેરમાર્ગે દોર્યા છે.”

“એમાં ગહન શું છે?”

“ઉંડે ઉતરવાનું છે. ડીપ સુધી જવાનું છે. “

“ભાઇ આ કંઇ પાતાળ, કૂવો છે દોરડે લટકીને કે નિસરણી ઉતરીને જવાનું છે ?”

“તમારા પ્રતિપ્રશ્નો એવા છે કે તમને સારો એવો અનુભવ છે. “

“છે. અનુભવ છે. પણ તમારા જેટલો નથી. “

“ઇર્ષા આવે છે. મારી. “

“તે આવે જ ને”

“તમે વાત જ એવી છેડી છે, ને પાછું પેટ છુટી વાત કરતા નથી”

“અરે યાર તમારાથી મારે શું છુપાવવાનું ?”

“બોલો તમારે શું જાણવું છે ?"

“એ જ કે એસ.ઇ.એક્ષ. પર એ બંને જણા જેઓ એક પુરૂષ અને એક સ્ત્રી છે, જેમનો સીધો કોઇ સંબંધ નથી, એ શી વાતો કરે છે ?”

તમે સ્ત્રી સાથે શું વાત કરો છો ? તમે તો મને પ્રશ્ન પૂછો છો ? કારણ કે તમે મને પ્રશ્ન પૂછ્યો કે એ બંને જણા જેમાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે. જેમનો સીધો કોઇ સંબંધ નથી, એ શી વાતો કરે છે ?

“આપણે બંને વકીલ છીએ ?”

“ના, હું વકીલ છું અને આપ શ્રોતા છો. તો પછી મૂળ વાત પર આવોને !”

“મૂળ વાત, કઇ વાત ?”

“એસ.ઇ.એક્ષ.ની”

“મને લાગે છે તમે અતૃપ્ત ઝંખનાઓનો શિકાર બનેલા છો.”

“કોઇ અતૃપ્ત બતૃપ્ત ઝંખનાનો હું શિકાર નથી બન્યો. “

“તમે જ મને નાહકનો ઉશ્કેર્યો અને હવે શિખામણના ભારેખમ સાહિત્યિક વાક્યો વાપરીને ડરાવવાની કોશિશ કરી રહ્યા છો.“

“તમે ડરપોક છો ?”

“ના, હું નથી. “

“તો પછી આટલા ઉશ્કેરાઇ કેમ જાઓ છો ?”

“તમે મુદ્દાની વાત કરતા નથી ને ગાડીને આડે પાટે લઇ જાવ છો. “

“મારી સાથે તમારો સમય પણ બગડી રહ્યો છે. “

“સમય”

“સમય એટલે શું ?”

“ભાઇ સાહેબ માફ કરો, મારી ભૂલ થઇ ગઇ. મારે આપની કોઇ ફિલોસોફી સમય બાબતે જાણવી કે સમજવી નથી.“

આપની પાસે એસ.ઇ.એક્ષ. પર એક સ્ત્રી અને એક પુરૂષ શી વાત કરે છે એ જાણવાની ઉત્સુકતા છે પણ સમય જેવા મહાન અતિગહન વિષયના ઉંડાણમાં જવાની તાલાવેલી નથી, એ જાણી મારું હ્રદય ભગ્ન થઇ ગયું. સાચુ કહેજો, રોજ આવી આડી અવળી, અવળચંડી વાતો કરીને કેટલાના હ્રદય ભંગ કરો છો ? મહાશય, હ્રદય ભંગ ના કહેવાય, તમે હજુ જુવાન છો, તમારા બધા જ અંગો કાર્યરત છે તેની કસોટીમાંથી તમે પાસ થયા. ઘરે જાવ અને તમારા જીવનસાથી જોડે પ્રેમસભર વાતો કરો, સ્વર્ગનો પરમાનંદ લૂંટો.

હવે મને સમજાઇ ગયુ એ લોકો કયા વિષય પર વાતો કરતા હતા.

Next Story