Connect Gujarat
ગુજરાત

કચ્છ : લોકડાઉનમાં લોકોની મદદે સરકાર તો આવી, પરંતુ પશુઓની વ્હારે કોઈ ન આવ્યું..!

કચ્છ : લોકડાઉનમાં લોકોની મદદે સરકાર તો આવી, પરંતુ પશુઓની વ્હારે કોઈ ન આવ્યું..!
X

ક્ચ્છ જિલ્લામાં માનવવસ્તી કરતા પશુધન મોટા પ્રમાણમાં છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનો કચ્છના બન્નીમાં છે, છતાં બન્નીમાં આજે પશુઓને ખાણદાણમાં તકલીફ પડી રહી છે. લાખો પશુઓ પાણી અને ભોજન વિના હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

કચ્છના બન્નીમાં અંદાજે 40 હજાર જેટલી લોકોની વસ્તી છે, પરંતુ અહીં 1.50 લાખ જેટલી ગાય, ભેંસ અને બકરીઓની છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે અહીના લોકોની મદદે સરકાર આવી છે, પરંતુ પશુઓની વ્હારે કોઈ નથી આવ્યું. દર વર્ષે ઉનાળામાં કચ્છમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. આ સમયગાળામાં માલધારીઓ બન્નીથી પશુઓ સાથે હિજરત કરી કચ્છના અન્ય વાડી વિસ્તારો કે, સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. હાલની સ્થિતિમાં ક્યાંય નીકળવું શક્ય નથી તેવામાં પશુઓનો મુખ્ય આહાર ખોળ અને ભૂસો હોવાથી તેના પણ ભાવ બમણા થઈ ગયા છે.

હાલમાં બન્ની તેમજ તેની આસપાસના માલધારીઓની હાલત કફોડી બની છે. પશુઓના ખોળ અને ભૂંસાની મોટી તકલીફ છે. જો આવી સ્થિતિ પખવાડિયા સુધી ચાલશે તો પશુઓના મોત થવાની પણ શક્યતા છે. ઉપરાંત અહી પાણીની પણ ઘણી તંગી હોવાથી ઢોરોને પીવાનું પાણી મળતું નથી. ગત વર્ષે પાણી ન મળવાના કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા હતા. માલધારીઓ પશુઓના જીવ બચાવવા બહાર નીકળવા માંગે છે, પરંતુ લોકડાઉનના કારણે જઇ શકતા નથી, ત્યારે હવે સરકાર ડેરિઓ મારફતે પશુઓના ખોળ અને ભૂસાની વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.

Next Story