Connect Gujarat
ગુજરાત

કન્યા છાત્રાલય માટે ૩ માળના નવનિર્મિત છાત્રાલય બનતા કન્યાઓના ઉત્સાહમાં વધારો થશે - સંસદસભ્ય મનસુખભાઇ વસાવા

કન્યા છાત્રાલય માટે ૩ માળના નવનિર્મિત છાત્રાલય બનતા કન્યાઓના ઉત્સાહમાં વધારો થશે - સંસદસભ્ય મનસુખભાઇ વસાવા
X

૭.૪૪ કરોડના ખર્ચે તૈયાર થનાર કન્યા છાત્રાલયનું ખાતમુહુર્ત રાજપીપલા ખાતે સરકારી કન્યા છાત્રાલયના મકાનનું ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા ખાતે સરકારી કન્યા છાત્રાલયના રૂા.૭.૪૪ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર ૩ માળના મકાનના બાંધકામનું સંસદસભ્ય મનસુખ વસાવા, પૂર્વ મંત્રીશબ્દશરણ તડવી, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાશાબેન ભટ્ટ, જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયા, અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, ઘનશ્યામભાઇ પટેલ, ભારતીબેન તડવી વગેરેની ઉપસ્થિતિમાં આજરોજ તા. ૨૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૯ ને બુધવારના રોજ સવારમાં ૧૦-૩૦ કલાકે ભૂમિપૂજન કરી ખાતમુહુર્ત કર્યું હતું અને તકતી ખુલ્લી મુકી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="85086,85087,85088,85089,85090,85091,85092,85093"]

આ ખાતમુહુર્તના સમારંભને સંસદસભ્ય વસાવા સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષપદેથી પ્રાસંગિક પ્રવચન કરતાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપલામાં ૧૯૮૧ થી ભાડાના મકાનમાં કન્યા છાત્રાલય હતું તે હવે ૩ માળના અદ્યતન સુવિધા સાથેનું સરકારી મકાન તૈયાર થશે. સરકારે કન્યા કેળવણી ક્ષેત્રે અથાગ પ્રયાસો કર્યાં છે. પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ ઘરઆંગણે જ મળી રહે તે માટે સરકારે શાળા-માધ્યમિક શાળા અને કોલેજ શરૂ કરવા માટે મંજૂરીઓ આપી છે.

જિલ્લામાં દેડીયાપાડા અને રાજપીપલા ખાતે નવી એકલવ્ય મોડેલ સ્કુલોને મંજૂરી મળી છે, જે કાર્યરત થતા આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. બાળક ગર્ભમાં હોગ ત્યાંથી મોટુ થાય ત્યાં સુધી સરકાર કાળજી લે છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવી માટે સૌએ સજાગ થઇ આગળ આવવું પડશે. સરકારે કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કર્યાં છે. તેમાં તાલીમ લઇને પણ રોજગારી મેળવી શકાય છે. વિદ્યાર્થીઓએ સામાન્ય જ્ઞાનમાં વધારો કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સખત મહેનત કરવા વસાવાએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચાલતી છાત્રાલય હવે નવા અદ્યતન મકાનનું બાંધકામ થવાનું છે. જેથી કન્યાઓનો અભ્યાસમાં ઉત્સાહ વધશે. બીરસામુંડા યુનિવર્સીટી માટે પણ ૩૦૦ કરોડની માતબર રકમથી યુનિવર્સીટીનું ભવન પણ બનાવવાનું છે. હવે રાજપીપલા આદિવાસીઓનું શૈક્ષણિક ધામ બનવા જઇ રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં કોઇ શિક્ષણથી વંચિત રહેશે નહિ. સમાજમાં દુષણો દુર કરવા તડવીએ હિમાયત કરી હતી.

સમારંભની શરૂઆતમાં બિરસા મુંડા યુનિવર્સીટીના રજીસ્ટ્રાર વાળાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યાં હતાં. જ્યારે અંતમાં મદદનીશ આદિજાતિ કમિશનર સુરેશ ગરાસીયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપા પટેલ, અગ્રણી કમલેશ પટેલ, ગવાનદાસભાઇ પટેલ, શહેરીજનો તગા શાળાની વિદ્યાર્થી ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story