Connect Gujarat

કબજિયાત કે ગેસની સમસ્યાથી બચાવાનો સરળ ઉપાય, કરો આ યોગાસન

કબજિયાત કે ગેસની સમસ્યાથી બચાવાનો સરળ ઉપાય, કરો આ યોગાસન
X

વજ્રાસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને બોડીમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે

ઘણી વખત લોકોને અપચો, અમ્લપિત્ત, ગેસ, કબજિયાતની સમસ્યા ખૂબ સતાવતી હોય છે. જોકે તેના માટે તબીબ પાસે જવાની કોઈ જરૂર નથી રહેતી. માત્ર યોગાસન પણ આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે. કહેવાય છે કે, જેનું પેટ સાફ, તેને રોગો કરે માફ. આ કહેવત પ્રમાણે જે વ્યક્તિએ જે કંઈ ખાધું હોય તે યોગ્ય રીતે પચી જાય અને સવારે પેટ સાફ આવે તો તેના શરીરમાં રોગો ક્યારેય પ્રવેશતા નથી. મોટાભાગની બીમારીઓથી બચી શકાય છે. હવે પેટને સાફ રાખવા માટે શું કરવું? જાણો અહીં....

ભરપેટ ભોજન પચાવવા તથા પાચનતંત્રને મજબૂત રાખવા માટે સૌથી સરળ અને અસરકારક આસન એટલે વજ્રાસન. વજ્રાસન એક એવું આસન છે જે જમ્યા બાદ પણ કરી શકાય છે. આ આસનનો સૌથી મોટો લાભ એ થાય છે કે ભોજન પછી પણ કરી શકાય છે. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે અપચો, ગેસ, કબજિયાત, આફરો વગેરે જેવી તકલીફો થતી નથી.

વજ્રાસન કરવાના લાભ

વજ્રાસન કરવાથી સૌથી પહેલાં પાચનતંત્ર મજબૂત બને છે. પેટના તમામ વિકારોથી છુટકારો મળે છે. નિયમિત રૂપે વજ્રાસન કરવાથી વ્યક્તિનું સંપૂર્ણ સ્વાસ્થ્ય ટકી રહે છે. આ સિવાય લોહીના પરિભ્રમણ સંબંધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. આ સિવાય પણ નિયમિત ભોજન કર્યા બાદ 10 મિનિટ વજ્રાસન કરવાના અઢળક લાભ છે.

વજ્રાસન કરવાની રીત

સૌથી પહેલા બંને પગને આગળ સીધા લંબાવીને બેસો. હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે મૂકો. પછી ડાબા હાથ થી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે. એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ. હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને નજર સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો. આમ આસન પૂરું થયું. દૈનિક અભ્યાસમાં આને એકથી 13 મિનિટ સુધી કરી શકાય.

વજ્રાસન કરવાથી થતા લાભો

આ આસન કરવાથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે. શ્વાસોચ્છશ્વાસ નિયમિત ચાલે છે. મહત્વનું છે કે, આ આસન કરવાથી અપચો, અમ્લપિત્ત, ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. જમ્યા પછી 5થી 13 મિનિટ સુધી કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે. શરીરને કષ્ટ આપ્યા વગર સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે. આનાથી મન શાંત રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી પેટનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે. આ આસન ધ્યાન માટે અત્યંત ઉપયોગી છે. જેઓને પદ્માસન કરવામાં તકલીફ પડતી હોય કે તેમાં લાંબો સમય બેસવામાં મુશ્કેલી પડતી હોય તેઓ આ આસનમાં લાંબો સમય બેસી શકે છે.

Next Story