Connect Gujarat
ગુજરાત

કરજણ : ભાજપાના ઉપાધ્યક્ષે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યાના કરવાના મામલે બે આરોપીઓની અટકાયત

કરજણ : ભાજપાના ઉપાધ્યક્ષે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યાના કરવાના મામલે બે આરોપીઓની અટકાયત
X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંથારીયા ગામના વતની અને કરજણ તાલુકા પંચાયતના ભાજપાના ઉપાધ્યક્ષ પીનકીન પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગત તારીખ પાંચમી ઓકટોબરના ૨૦૧૭ ના રોજ આત્મહત્યા કરી લેતા કરજણ નગર સહિત સમગ્ર તાલુકામાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. જે સંદર્ભે પીનાકીનના પિતાએ પોતાના પુત્રએ કરેલી આત્મહત્યા સંદર્ભે શંકા જતા કરજણ પોલીસ મથકમાં જાણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકા પંચાયત ભાજપાના ઉપાધ્યક્ષ પિનાકીન પટેલે ભાજપાના પૂર્વ જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ ચંન્દ્રસિંહ અટાલીયા તથા કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ચાવડા કે જે વ્યાજે નાણા ધિરધારનો ધંધો કરતા હોવાનું કહેવાય છે. જે પૈકી પ્રવિણસિંહ અટાલીયા પાસેથી રૂપિયા ૧૭ લાખ તથા ભરતસિંહ ચાવડા પાસેથી ૧૯ લાખ મળી કુલ ૩૬ લાખ રૂપિયા પીનાકીન પટેલે ઉક્ત બંને પાસેથી વ્યાજે લીધા હતા. ફરિયાદી રસીકભાઇ મહિજીભાઇ પટેલના જણાવ્યા મુજબ તેઓના પુત્ર પીનાકીન પટેલે વ્યાજખોરો પાસેથી લીધેલા ૩૬ લાખના નાણા સામે પાંચ ગણી રકમ ચુકવી હોવા છતાં કથિત આરોપીઓ બળજબરી પૂર્વક ધાકધમકી આપી વધુ નાણા કઢાવવાનો આક્ષેપ પણ પીનાકીન પટેલના પિતાએ ફરિયાદમાં કર્યો હતો.

આખરે વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને પીનાકીન પટેલે ગત તારીખ પ ઓકટોબરના ૨૦૧૭ ના રોજ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. આત્મહત્યા કરતા પહેલા પીનાકીન પટેલે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પીનાકીન પટેલની આત્મહત્યાનો સમગ્ર મામલો વડોદરા ગ્રામ્ય એલ સી બી પાસે જતા વડોદરા ગ્રામ્ય એલ સી બી એ તપાસ ઝડપી બનાવી આત્મહત્યા માટે પીનાકીન પટેલને દુષ્પ્રેરિત કરનાર કથિત આરોપીઓ ભાજપાના પૂર્વ જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ અટાલીયા તથા કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ચાવડાની વડોદરા ગ્રામ્ય એલ સી બી ના ઇન્ચાર્જ પો.ઇ.ની ફરિયાદના આધારે કરજણ પોલીસે અટકાયત કરી બંને કથિત આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પીનાકીન પટેલે ગત વર્ષે ૫ ઓક્ટોબરના રોજ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હતી. ઘટનાના જે તે સમયે પીનાકીન પટેલના પિતાએ પોલીસમાં જાણ કરી હતી.પીનાકીન પટેલને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરનાર કથિત આરોપીઓની પોલીસે અટકાયત કરતા સમગ્ર કરજણ પંથકમાં પીનાકીન પટેલની આત્મહત્યાનો મામલો ભારે લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ફરિયાદીની તપાસમાં હજુ કેટલાક અન્ય નામો બહાર આવવાની પણ શક્યતાઓ જોવાઇ રહી છે. પીનાકીન પટેલને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા માટે હજુ અન્ય કેટલા નામો ખુલશે ? તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.

Next Story