Connect Gujarat
દેશ

કર્ણાટકમાં નાણાં સહિતના ૧૧ ખાતા પર કુમારસ્વામીનો અડીંગો, કોંગ્રેસમાં રોષ

કર્ણાટકમાં નાણાં સહિતના ૧૧ ખાતા પર કુમારસ્વામીનો અડીંગો, કોંગ્રેસમાં રોષ
X

  • કર્ણાટકમાં ૨૫ ઉમેદવારને ખાતા ફાળવાતા જ આંતરિક ખેંચતાણ શરૂ

  • પાટિલે રોષ વ્યક્ત કરીને તેમના બળવાખોર સ્વભાવનો પરિચય કરાવ્યો

  • પાટિલનો દાવો : ૧૫થી ૨૦ ધારાસભ્યો છે,જેડી-એસ સાથે લડી લેવાના મૂડમાં

કર્ણાટકમાં લાંબી ખેંચતાણ પછી મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ માત્ર ૨૫ ઉમેદવારને ખાતાઓની ફાળવણી કરી દીધી છે. કુમારાસ્વામીએ મહત્ત્વનું નાણાં ખાતું પોતાની પાસે રાખ્યું છે, જ્યારે ગૃહ ખાતું કોંગ્રેસના નેતા અને નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરને ફાળવ્યું છે.

જોકે, આ ફાળવણી થતાં જ જેડી-એસનો આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ અસંતુષ્ઠ ઉમેદવારોને મળ્યા હતા, પરંતુ હજુ સુધી આ વિવાદનો ઉકેલ આવ્યો નથી. આ સિવાય કુમાર સ્વામીએ ઊર્જા સહિતના વિવિધ ૧૧ ખાતા પોતાની પાસે રાખ્યા છે, જેમાં ઊર્જા, માળખાગત વિકાસ, માહિતી અને જનસંપર્ક તેમજ ઈન્ટેલિજન્સ વિંગ સહિતના અનેક મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.

ખાતાની ફાળવણી થતાં જ જેડી-એસ અને કોંગ્રેસની સત્તાની વહેંચણીને ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વધુ ઉગ્ર સ્વરૂપ પકડી શકે છે. કોંગ્રેસ અને જેડી-એસની ટિકિટ પર ચૂંટણી જીતેલા અનેક ઉમેદવારો ખાતું નહીં ફાળવાતા નારાજ છે. કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી એમ. બી. પાટિલને એક પણ ખાતું ફાળવાયું નથી.

આ મુદ્દે પાટિલે રોષ વ્યક્ત કરીને તેમના બળવાખોર સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. પાટિલ સાથે રામાલિંગા રેડ્ડી જેવા અનેક કોંગ્રેસ ઉમેદવાર મંત્રીપદ માંગી રહ્યા છે. રેડ્ડીએ તો તેમના સમર્થકો સાથે બેંગાલુરુના ટાઉન હૉલ બહાર તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

આ દરમિયાન પાટિલે પરમેશ્વર, દિનેશ ગુંડુ રાવ, કે.સી. વેણુગોપાલ અને ગુલાબ નબી આઝાદ જેવા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પાટિલે દાવો કર્યો હતો કે, તેમની સાથે અન્ય ૧૫થી ૨૦ ધારાસભ્યો છે, જે જેડી-એસ સાથે લડી લેવાના મૂડમાં છે.

કર્ણાટક કોંગ્રેસના સચિવ સતીશ જારકિહોલીએ કહ્યું હતું કે, હું સચિવપદેથી રાજીનામું આપવાનું વિચારી રહ્યો છું કારણ કે, આ પદે હોવા છતાં મને મંત્રી પદ નથી અપાયું. કોંગ્રેસના તમામ સભ્યો ખાતા ફાળવણીથી નારાજ છે. અમે ૧૧મી જૂને બેઠક યોજીને આ મુદ્દે નિર્ણય લઇશું.

Next Story