Connect Gujarat
દેશ

કાવેરી જળ મુદ્દે તમિલનાડુ અને કર્ણાટકમાં વધ્યો વિવાદ, આગજની અને તોડફોડના બનાવ

કાવેરી જળ મુદ્દે તમિલનાડુ અને કર્ણાટકમાં વધ્યો વિવાદ, આગજની અને તોડફોડના બનાવ
X

કાવેરીના જળ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કર્ણાટક અને તમિલનાડુમાં તણાવ વધી ગયો છે. તમિલનાડુમાં પાણી આપવાના વિરુદ્ધમાં કર્ણાટકમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે.

બેંગલુરૂમાં સોમવારે પ્રદર્શનકારીઓએ વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. કેટલાક વાહનોમાં આગ પણ લગાવી દીધી હતી. પરિસ્થિતી વણસતા બેંગલુરૂમાં અર્ધસૈન્ય બળ તૈનાત કરવાની ફરજ પડી હતી. તે સાથે મેટ્રોની સર્વિસ પણ રોકી દેવામાં આવી હતી.

જ્યારે તમિલનાડુ પણ આ હિંસામાંથી બાકાત નથી. તમિલનાડુમાં વસવાટ કરતા કર્ણાટકના લોકોની સંપત્તિને નિશાન બનાવવામાં આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.

સતત વધી રહેલી હિંસા વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ સલામતીના ભાગરૂપે ચેન્નઇમાં આવેલી કન્નડ સ્કુલોમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સોમવારે 20 સપ્ટેમ્બર સુધી કાવેરી નદીનું 12 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને આપવાનો આદેશ કર્યો છે. જોકે, આ અગાઉના આદેશમાં સુપ્રીમ કોર્ટે કર્ણાટકને 15 હજાર ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. કાવેરી પાણીના ભાગલાના વિવાદને પગલે કર્ણાટકમાં સોમવારે સવારથી જ હિંસા શરૂ થઇ ગઇ હતી.

Next Story