Connect Gujarat
ગુજરાત

કુવૈતથી આવતી ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટ : ૧૪૪ મુસાફરોનો બચાવ

કુવૈતથી આવતી ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટ : ૧૪૪ મુસાફરોનો બચાવ
X

- છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટની બીજી ઘટના

- વહેલી સવારે અમદાવાદ એરપોર્ટમાં લેન્ડિંગ કરતી વખતે પક્ષી વિમાન સાથે ટકરાયું, મોટી હોનારત ટળી

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કુવૈતથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ વખતે બર્ડ હિટ થયું હતું અને તેમાં ૧૪૪ મુસાફર-૬ ક્રુ મેમ્બરનો આબાદ બચાવ થયો હતો. ફ્લાઇટ જે પક્ષી સાથે અથડાયું તે નાનું હોવાથી મોટું નુકસાન ટળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-982 રાત્રે ૧૨.૦૫કલાકે રવાના થઇ હતી અને આ ફ્લાઇટ સવારે ૬:૧૫ના અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થઇ રહી હતી ત્યારે તેની સાથે કંઇક ટકરાયું હોવાનો અવાજ આવ્યો હતો. જેમાં તપાસ કરતા બર્ડ હિટ થયાનું માલૂમ પડયું હતું. પાયલોટે વિમાન સાથે બર્ડ હિટ થયાની અમદાવાદના એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરને જાણ કરી હતી.

આ પછી તેણે સલામત રીતે ફ્લાઇટનું લેન્ડિંગ કરાવ્યું હતું. બર્ડ હિટ થયાનું પાયલોટે એનાઉન્સ કરતાં મુસાફરોમાં ફફટાડ પેસી ગયો હતો. ફ્લાઇટને સલામત રીતે 'બે' માં પાર્ક કરાયા બાદ ટેક્નિશિયન ટીમ દ્વારા તેની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં સામે આવ્યું કે વિમાનના જે ભાગમાં પક્ષી ટકરાયું ત્યાં લોહીના નિશાન પડી ગયા હતા. આ ફ્લાઇટ અમદાવાદથી તેના નિર્ધારિત સમય સવારે ૬.૫૦ને સ્થાને સવારે૭.૩૨ના ચેન્નાઇ જવા માટે રવાના થઇ હતી.

ચોમાસામાં બર્ડ હિટની ઘટના વધે છે ચોમાસા દરમિયાન રન-વેની આસપાસ ઘાસનું પ્રમાણ વધી જતું હોય છે. આ ઘાસમાંથી નાના કિટકો જમીનમાંથી બહાર આવે છે, જેને આરોગવા માટે પક્ષીઓ રન-વેની આસપાસ ચક્કર લગાવતા હોય છે. આમ, તેના કારણે ચોમાસામાં બર્ડ હિટની સમસ્યા વધી જાય છે. સામાન્ય રીતે ચોમાસું આવે ત્યારે ઓથોરિટી રન-વેની આસપાસનું ઘાસ શક્ય તેટલું ઓછું કરી નાખે છે.

અમદાવાદ એરપોર્ટ : પ્રાણીઓ માટે અભયારણ્ય?

અમદાવાદ એરપોર્ટ ખાતે છેલ્લા ૧૪ મહિનામાં પ્રાણીઓ ઘુસવાની કે બર્ડ હિટ થવાની ઘટના બનતી જ રહે છે. જે પૈકીની કેટલીક આ મુજબ છે.

૨૯ એપ્રિલ ૨૦૧૭ : વાંદરાનું ટોળું રન-વે પર ઘુસી આવતા ચાર જેટલી ફ્લાઇટના ટેક્ ઓફ-લેન્ડિંગમાં સમસ્યા નડી હતી.

૧૧જાન્યુઆરી૨૦૧૮: અમદાવાદ એરપોર્ટના રન-વે સુધી મોટી ગાય ઘુસી આવી હતી.સદ્નસિબે મોટી હોનારત ટળી હતી.

૧૮ફેબ્રુઆરી ૨૦૧૮ : અમદાવાદ-દિલ્હીની ગો-એરની ફ્લાઇટમાં બર્ડ હિટ થયું હતું.

Next Story