Connect Gujarat
ગુજરાત

કોણ પહેરાવે છે ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા ?

કોણ પહેરાવે છે ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા ?
X

સભ્ય સચિવ કહે છે : અમે ઉદ્યોગો સામે કાર્યવાહી કરીએ છે એટલે થાય છે વિરોધ

અંકલેશ્વરના રીજીયોનલ ઓફિસર સારી કામગીરી કરે છે તેવું કહે છે સભ્ય સચિવ

વિવાદીત અધિકારી માનીતા ઉદ્યોગોની સાથે ઉપરીઓની ખુશામતખોરીમાં પણ માહેર

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી)ની અંકલેશ્વર કચેરી હાલ વિવાદના વંટોળમાં સપડાયેલી છે. સ્થાનિક અધિકારીનું કેટલાક ઉદ્યોગો પ્રત્યેનું કુણુ અને કેટલાક ઉદ્યોગો પ્રત્યેનું કડક વલણ ઉદ્યોગકારોને અકળાવી રહયું છે. પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે અનુકરણીય કાર્યવાહી કરવામાં નિષ્ફળ જીપીસીબીના સ્થાનિક અધિકારી હવે નાના ઉદ્યોગો પર કોરડો વિંઝીં રહયાં છે. આ અધિકારીના વલણની ફરિયાદો છેક ગાંધીનગર સુધી પહોંચી છે. બીજી તરફ જીપીસીબીના નવ નિયુકત સભ્ય સચિવ નરેશ તાભાણી તેમના અધિકારીઓ સારી કામગીરી કરતાં હોવાનો રાગ આલાપી રહયાં છે.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીને ક્રિટીકલ ઝોનમાંથી મુકિત આપવામાં આવ્યાં બાદ ઉદ્યોગો માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું હતું. ક્રિટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યાં બાદ ઉદ્યોગકારોની કેટલીક સમસ્યાઓ અને માંગણીઓ બાબતે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગત રસ દાખવીને કેટલીક છુટછાટ આપી હતી. જીપીસીબીના સ્થાનિક અધિકારી મુખ્યમંત્રીને પણ ગાંઠતા ન હોય તેવી છબી ઉપસી રહી છે. હવા, પાણી તથા જમીનના પ્રદુષણનો સેપી આંક નિયત કરતાં વધારે આવતાં અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફરીથી હાઇલી પોલ્યુટેડની યાદીમાં સમાવેશ કર્યો છે. જીપીસીબીના અંકલેશ્વર ખાતેના એક અધિકારી તેમની ફરજ પ્રત્યે બેદરકાર પણ કેટલાક ઉદ્યોગોની ખુશામતખોરી કરતાં નજર આવી રહયાં છે. પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે માત્ર નામ પુરતી કાર્યવાહી અને નાના ઉદ્યોગો સામે ઉદ્યોગોને તાળા વાગી તેવી કડક કાર્યવાહી કરવાનું મનસ્વી વલણ ધરાવતાં આ અધિકારી સામે ઠેર ઠેરથી વિરોધ થઇ રહયો છે.

રાજય સરકારે તાજેતરમાં જીપીસીબીના સભ્ય સચિવ તરીકે નરેશ તાભાણીની નિમણુંક કરી છે. અંકલેશ્વરના સ્થાનિક અધિકારીઓની બેધારી નિતિ વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહયું કે, અંકલેશ્વરના રીજીયોનલ ઓફીસર આર.બી.ત્રિવેદી સહિત તમામ આરઓ સારી કામગીરી કરી રહયાં હોવાનું જણાવી તેમનો બચાવ કર્યો હતો. અંકલેશ્વરમાં જે કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેવી કંપનીના સંચાલકો જ વિરોધ કરી રહયાં છે. ઉદ્યોગપતિઓ ઇચ્છે છે કે, સાચુ રીપોર્ટિંગ ન થાય પણ અમારા આરઓ આર.બી.ત્રિવેદી સાચુ રીપોર્ટિંગ કરી રહયાં છે. કેટલાક ઉદ્યોગો હકીકતોને દબાવી દેવા માંગતા હોય છે પણ અમારા અધિકારીઓની કામગીરીના કારણે સાચી હકીકતો જીપીસીબીની વડી કચેરી સુધી આવી રહી હોવાથી વિરોધનો સુર ઉઠયો છે.

Next Story