Connect Gujarat
ગુજરાત

ક્રિસમસમાં વૈશ્વિક બજાર મંદ પડતા ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયાની ગતિ થંભી

ક્રિસમસમાં વૈશ્વિક બજાર મંદ પડતા ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયાની ગતિ થંભી
X

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ભરૂચ, ઝઘડીયા, દહેજ ઔદ્યોગિક વસાહતમાં નાતાલનાં પર્વની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારો બંધ રહેતા સ્થાનિક ઉદ્યોગો માંથી વિદેશોમાં કરાતી આયાત અને નિકાસ અટકી જતા કરોડ રૂપિયાનાં વેપાર પર તેની અસર જોવા મળી રહી છે.

24 કલાક ઉપ્તાદન પ્રક્રિયા થી ધમધમતા અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, સહિત જિલ્લાનાં ઉદ્યોગોએ પોતાની ઉત્પાદન ક્ષમતા પર બ્રેક લગાવવી પડી છે. અહિંયાનાં કેમિકલ, ફાર્મા,ડાઇઝ એન્ડ પિગમેન્ટસ, હેર ડાઇઝ સહિત અન્ય પ્રકારનાં કેમિકલ્સ અંકલેશ્વર અને પાનોલીનાં ઉદ્યોગો માંથી જાપાન, USA ,જર્મની જેવા દેશોમાં એક્સપોર્ટ થાય છે, પરંતુ હાલમાં ક્રિસમસની રજાઓનાં કારણે અહીંયાનાં ઉદ્યોગો નતો રો - મટીરિયલ્સ ઈમ્પોર્ટ કરી શકે છે નતો એક્સપોર્ટ જેના પરિણામે ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયાને ધીમી અથવા તો બંધ કરવાની ફરજ પડી છે.

ક્રિસમસ વેકેશનનાં કારણે 16 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી વિદેશનાં બજારો બંધ રહેતા મલ્ટીનેશનલ લેવલનો ઉદ્યોગોનો વેપાર અટકી પડયો છે.

નાતાલ પર્વને કારણે ઉદ્યોગોને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગો કરોડ રૂપિયાનાં માલસામાનની આયાત અને નિકાસ કરતા હોય છે. ત્યારે ક્રિસમસ વેકેશનનાં કારણે અંદાજિત 15 થી 20 ટકાનો ધટાડો તેમાં નોંધાયો છે.વધુમાં અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગને પાણીનો પુરવઠો પૂરું પાડતી ઉકાઈ નહેર પણ બંધ રહેતા ઉદ્યોગોએ બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ક્રિસમસ, દિવાળી જેવા મોટા તહેવારોમાં ઉદ્યોગે પોતાની ઉત્પાદન ક્ષમતાને ઘટાડવી પડે છે, અથવા તો બંધ કરવી પડે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેની અસર જોવા મળે છે. તેથી ઉદ્યોગને વૈશ્વિક સ્તર પર બિઝનેસ કરવામાં મુશ્કેલી સર્જાતી રહે છે,અને આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે ખેતી આધારિત ઉદ્યોગોને પ્રાધાન્ય આપીને કોટન બિઝનેસ સહિત અન્ય વિકલ્પોને ડેવલોપ કરવા અંગેનું મંતવ્ય પણ તેઓએ જણાવ્યુ હતુ.

Next Story