Connect Gujarat
સમાચાર

ક્રેડિટ કાર્ડ ક્લોન કરી લાખોની છેતરપીંડી આચરતી આંતરરાષ્ટ્રિય અને આંતર રાજ્ય ગેંગનો એક સભ્ય ઝડપાયો

ક્રેડિટ કાર્ડ ક્લોન કરી લાખોની છેતરપીંડી આચરતી આંતરરાષ્ટ્રિય અને આંતર રાજ્ય ગેંગનો એક સભ્ય ઝડપાયો
X

ક્રેકિડ કાર્ડ ક્લોન કરી ડુપ્લીકેટ કેવાયસી ઉભા કરી છેતરપીંડી આચરતી આંતરરાષ્ટ્રિય અને આંતર રાજ્ય ગેંગના એક સભ્યને પોલીસે ઝડપી લીધો છે. આ શખ્શની માયાજાળ દેશ ઉપરાંત વિદેશમાં પણ ફેલાયેલી છે. તાજેતરમાં કલોલના એક બેંક ગ્રાહકના ક્રેડિટ કાર્ડ મારફત પૈસા ઉપાડવાનો તેણે પ્રયાસ કરતા મામલો ગાંધીનગર સાયબર સેલ સુધી પહોંચ્યો હતો. પોલીસે જે પીઓએસમાંથી ક્રેડિટ કાર્ડ ક્લોન થયુ હતું. તેના આઘારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. આ શખ્શ સાથે દેશ અને વિદેશના અન્ય શખ્શો પણ સંડોવાયેલા હોવાનું પોલીસ માની રહી છે. શખ્શના કબજામાંથી પોલીસે ત્રણ પીઓએસ જપ્ત કર્યા છે. જેના ડેટાના આઘારે હજુ પણ અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

પ્રાપ્ત વિગત અનુસર કલોલના અનિલભાઇ શૈલેષભાઇ રાયચુરા મહિન્દ્રા બેંકનું એટીએમ કાર્ડ ધરાવે છે. તાજેતરમાં તેમના ક્રેડિટ કાર્ડ મારફત ૨.૦૭ લાખનું ટ્રાન્જેક્શન કરવાનો પ્રયાસ થયો હતો. લિમીટ નહી હોવાના કારણે બેંકે આ ટ્રાન્જેક્શન અટકાવ્યુ હતું. ત્યારબાદ અનિલભાઇને આ મામલે બેંકે જાણ કરી હતી. ૨.૦૭ લાખનું ટ્રાન્જેક્શન તેઓનું નહી હોવાનું જણાયા બાદ તેઓએ આ મામલે ગાંધીનગર સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઇન્સપેક્ટર તરૃણ ભટ્ટની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.ડી.રહેવર સહિતના સ્ટાફે તપાસ આદરી હતી.

પ્રથમ પોલીસે જે પીઓએસ મશીન મારફત ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં આવ્યુ હતું તેની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર્ડ ઇન્ટરનેશનલ પીઓએસ સ્વાઇપ મશીન હેલી ઇન્ટરનેશનલનું હોવાનું જણાયુ હતું. આથી તેના ખરીદનાર સુધી પોલીસે પહોંચવા પ્રયાસ કર્યો હતો જેમાં તેને સફળતા પણ મળી હતી. તપાસ દરમિયાન પીઓએસ પારેખ ઇન્ટરનેશનલના પ્રોપરાઇટર વાપરતા હોવાનું જણાયુ હતું. તપાસ કરતા તેમાં સંજય પોપટલાલ પારેખ (રહે. ૫-૫૮, ગાયત્રી ફ્લેટ, ઘાટલોડિયા, પોલીસ સ્ટેશનની સામે, અમદાવાદ)નું નામ બહાર આવ્યુ હતું. સંજય પોપટલાલ પારેખ મુળ ખેરાલુના મહેસાણાનો વતની છે. પોલીસે તેને પુછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં સાયબર સેલની ટીમે તેની ઝીણવટભરી પુછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે લાલ આંખ કરતા તેણે પોપટની મારફત ગુનો કબુલી લીધો હતો. પુછપરછમાં જે બાબત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ મામલે સાયબર સેલના પોલીસ ઇન્સપેક્ટર તરૃણ ભટ્ટે જણાવ્યુકે, તેણે ક્રેડિટ કાર્ડના ખોટા દસ્તાવેજ ઉભા કરી બેંકને ગેરમાર્ગે દોરી પૈસાની છેતરપીંડી કરતો હતો. આ માટે તે ક્રેડિટ કાર્ડના ક્યાંકથી ડેટા મેળવી લેતો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં છેતરપીંડી કરવા માટે તે ક્રેડિટ કાર્ડ ક્લોન કરતો હતો. ત્યારબાદ ખોટા કેવાયસી ઉભા કરીને તે બેંકમાં સબમીટ કરી ખાતામાં પૈસા મેળવી લેતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ જે મોડસ ઓપરેન્ડીથી સમગ્ર ગુનાને અંજામ આપવામાં આવતો હતો તેમાં સંજયની સાથે તેના અન્ય સાગરીતો પણ હોવાની પોલીસને શંકા છે. તેણે માત્ર કલોલ જ નહી પરંતુ કર્ણાટક અને વિવિધ ચાર દેશોના નાગરિકોને પણ ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી જ જાળમાં ફસાવ્યા છે. આ મામલે પોલીસે તેને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને તેના કબજામાંથી એસબીઆઇ, ઓન ગો, પાઇન લેબના મળી કુલ ત્રણ પીઓએસ મશીન તથા રબરસ્ટેમ્પ તેમજ પારેખ ઇન્ટરનેશનલના લેટરપેડ પણ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ શખ્શ ટ્રાવેલીંગના ધંધા સાથે સંકળાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે.

Next Story