Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં મહિલાઓ માટે થતા કામોથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ થઈ પ્રભાવિત

ગુજરાતમાં મહિલાઓ માટે થતા કામોથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ થઈ પ્રભાવિત
X

વન ડે ક્રિકેટ માટે વડોદરાની મહેમાન બનેલી મહિલા ક્રિકેટ ટીમે કરી મહિલા પોલીસ મથકની મુલાકાત

વડોદરામાં હાલ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ વનડે ચાલી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ વડોદરાની મહેમાન બની છે. ગઈ કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન ડે બાદ આજે વિરામ હોવાથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ આજે વડોદરાની સફર માટે નીકળી હતી. મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા બાદ ગુજરાત સરકાર દ્વારા ચાલતી મહિલાઓ માટેની 181 હેલ્પલાઈનની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. ઓક્સપામ ઇન્ડિયા નામની સામાજિક સંસ્થાએ ઓસ્ટ્રેલિયન ટીમની પોલીસ સ્ટેશન મુલાકાત ગોઠવી હતી.

ગુજરાત સરકાર હસ્તકની અભયમ તથા નારી સંરક્ષણ ગૃહનું કામ કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની સમજ ઓસ્ટ્રેલિયન ટીમને આપવામાં આવી હતી. જે માટે આ કાર્ય સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ઘરેલું હિંસાના બનાવોમાં અભયમ(181), પી.બી.એસ.સી., તેમજ મહિલા પોલીસ કેવી રીતે કામ કરે છે. તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર ડો. લતા બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, ઓક્સપામ ઇન્ડિયા નામની સંસ્થા ઓસ્ટ્રેલિયાની એન.જી.ઓ. સાથે મળીને મહિલાઓ માટે કામ કરે છે. આજે ઓક્સપામ ઇન્ડિયા સંસ્થાના નેતૃત્વમાં વડોદરાની મહેમાન બનેલી ઓસ્ટ્રેલીયન ટીમને મહિલા પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી હતી.

વડોદરાના ભૂતડીઝાંપા વિસ્તારમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે એક કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. ગુજરાત સરકારની મહિલા માટે કામ કરતી સંસ્થાઓના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર સાથે ચર્ચા કરનાર મહિલા સભ્યોનું કહેવું છે કે, ગુજરાત સરકાર મહિલાઓ માટે જે કામગીરી કરી રહી છે. તેનાથી ઓસ્ટ્રેલિયન ટીમની ખેલાડીઓ પ્રભાવિત થઇ હતી.

Next Story