Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં વીજ બિલ માફી યોજના બની ગરીબ માટે શ્રાપ અને અમીર માટે આશીર્વાદ સમાન.!

ગુજરાતમાં વીજ બિલ માફી યોજના બની ગરીબ માટે શ્રાપ અને અમીર માટે આશીર્વાદ સમાન.!
X

ગુજરાતમાં રાજય સરકાર તરફથી વર્ષ ૨૦૧૭ થી વીજ બિલ માફી યોજના શરૂ કરવામાં આવી છે અને હાલમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવી છે. આ યોજના અમીર લોકો માટે ખુબ જ ફાયદમંદ અને ગરીબ લોકો માટે સરકારી લૂંટ સમાન યોજના સાબિત થઈ છે.

આમ પણ સરકાર કોઈ પણ યોજના શરૂ કરે છે તેનો સીધો લાભ અમીર લોકોને જ થાય છે.જ્યારે ગરીબ પરિવારોને કોઈ લાભ થતો નથી, પરંતુ તેઓને ફક્ત નુકસાન જ વેઠવું પડે છે અને ગરીબ લોકોને વધુ ગરીબ બનાવવામાં આવે છે. આ વાતથી તમે સહમત થશો નહીં પરંતુ આ રિપોર્ટને જોઈને અંદાજો લગાવી શકશો કે જે સરકારી યોજના ચાલી રહી છે તેમાં કોને લાભ મળે છે.

ગુજરાત રાજયના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ પાડેદી રામપુર ગામનું આ નાનું ફળિયું મઢ ફડી વિસ્તાર, અહીં ગરીબ કુટુંબો રહે છે જેઓ ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન કરતા હોય છે. આ વિસ્તારમાં રહેતા ગરીબ ખેડૂત પરિવારોમાં પહેલા વીજ કનેક્શન હતાં પરંતુ રૂપિયાની તંગીને કારણે વીજ બિલના નાણાં ભરી શકતા ન હતા જેને કારણે આ વિસ્તારમાં આવેલ અમુક મકાનોના વિજ જોડાણો કાપી નાખવામાં આવ્યા.અને આ વિસ્તારના ગરીબ ખેડૂતોએ વીજળી વગર પોતાનું જીવન પસાર કરવાનું શરૂ કર્યું. એવામાં ગુજરાત સરકાર તરફથી જે લોકો વીજ ચોરી માં પકડાયા હોય કે વીજ બિલના નાણાં બાકી હોય તેના માટે વીજ બિલ માફી યોજના શરૂ કરવામાં આવી અને આ યોજના હેઠળ વીજ કંપનીમાં ₹.૫૦૦/- ભરીને તેમનું તમામ વીજ બિલ માફ કરી દેવામાં આવશે તેવું આ ગરીબ પરિવારોને ગામના સરપંચે માહિતી આપી હતી.

આ વિજ બીલ માફી યોજના વિશે માહિતી મળતા ગરીબ પરિવારના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી.પરંતુ આ ખુશી માત્ર થોડા દિવસો માટે જ હતી. આ ગરીબ પરિવારોને ખબર પડી કે તેમને વીજ બિલ માફી માટે ₹ ૫૦૦/- જમા કરાવશે ત્યાર પછી જ તેમને વીજ કનેક્શન મળશે. જયારે આ ગરીબ પરિવારોમાં કોઈનું ₹ ૧૦૦/- થી ₹ ૪૦૦/- સુધી વીજ બિલ બાકી હતું છતાં આ ગરીબ પરિવારોએ વીજ કનેક્શન માટે વીજ કંપનીમાં ₹ ૫૦૦/- જમા કરાવી દીધા. આ ગરીબ પરિવારો માટે ₹ ૫૦૦/- કોઈ નાની રકમ ન હતી છતાં આ ગરીબ પરિવારોએ ₹ ૫૦૦/- વીજ કનેક્શન માટે વીજ કંપનીમાં જમા કરાવ્યા અને આ લોકોને ₹ ૫૦૦/- ની પહોંચ પણ આપવામાં આવી, પરંતુ અત્યાર સુધી આ પરિવારોને વીજ કનેક્શન મળ્યા નથી.

આ ગામના સરપંચ ભાવનાબેન પટેલના પતિ પરેશ ભાઈ પટેલનું કહેવું એમ છે કે આ જયેશભાઈ ડામોર અને જ્યંતી ભાઈ ડામોરના પરિવાર, આ પરિવારના ઘરોમાં વીજ કનેક્શન વીજ બિલ બાકી હોય તેને લીધે કાપી ગયા હતા. આ પરિવારોએ વીજ કંપનીની લોક અદાલતમાં વીજળી માટે અવાજ પણ ઉઠાવ્યો આ વીજ કંપનીએ ગરીબ પરિવારને ₹ ૩૪૦૦/- જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.આ ગરીબ પરિવારે વીજ કનેક્શન મેળવવાની આશાએ વીજ કંપનીમાં ₹ ૩૪૦૦/- જમા કરાવ્યા પરંતુ હજુ સુધી વીજ કનેકશન નસીબ ના થયું. સરકારની વીજ બીલ માફી યોજનાનો ગુજરાત સરકારે પુરા ગુજરાત રાજયમાં જોર શોરથી પ્રારંભ કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે જે કોઈનું વીજ બીલ બાકી હોય કે પ્રથમ વખત વીજ ચોરીમાં પકડાયા હોય તેમને આ યોજનામાં ₹ ૫૦૦/- ભરીને લાભ મેળવી શકશે. આ યોજનામાં પાડેદી રામપુરના આ ગરીબ પરિવારોએ ₹ ૫૦૦/- જમા કરાવી દીધા પરંતુ હજુ સુધી વીજ કનેક્શન ના ઠેકાણા નથી.

આ પરિવારના બાળકોની હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આપી રહયા છે ત્યારે આ બાળકો સવારે સૂર્ય પ્રકાશના અજવાળે અને રાત્રીના સમયે દિવાના અજવાળે પરીક્ષાની તૈયારીઓ કરવામાં મજબૂર બન્યા છે. કેમકે વીજ કંપનીમાં રૂપિયા જમા કરાવવા છતાં હજુ સુધી આ ગરીબ પરિવારોના ઘરોમાં વીજ કનેક્શન લગાડવામાં નથી આવ્યા

બીજી બાજુ ગામના આગેવાનો કહે છે કે સરકાર શ્રેષ્ઠ યોજના બનાવી રહી છે પરંતુ આ યોજનાઓ લાભ ખાલી અમીર લોકોને જ મળી રહયો છે.કેમ કે આ વીજ બીલ માફી યોજનામાં જેનું વીજ બીલ ₹ ૧૦૦/- થી ઓછું છે.એવા લોકોને પણ ₹ ૫૦૦/- જમા કરાવવા પડે છે. અને જેમનુ વીજ બીલ હજારો અને લાખો રૂપિયા બાકી છે તેમને પણ ₹ ૫૦૦/- જમા કરાવવાથી વીજ બીલ માફ કરી દેવામાં આવે છે.આવામાં ગરીબ લોકોને વીજ દેવામાં નુકસાન અને અમીર લોકોને વીજ દેવામાં ફાયદો થાય છે.

વીજ બીલ માફી યોજના હેઠળ ₹ ૫૦૦/- જમા કર્યા પછી પણ આ ગરીબ પરિવારોને હજુ સુધી વીજળી મળી નથી.જ્યારે અમારી ટીમે વીજ કંપનીના અધિકારી સાથે વાત કરી ત્યારે વીજ કંપનીના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા અને અમને કહ્યું કે તમારા દ્વારા આ વાત અમને જાણવા મળી તેમ જણાવી વીજ કંપનીના અધિકારી એ વીજ કંપનીની ભૂલ સ્વીકારવામાં આવી હતી. અને અમાઈ ટીમે આ અધિકારીને સવાલ કર્યો કે આ ગરીબ પરિવારોને વીજ કનેક્શન ક્યારે મળશે ત્યારે અધિકારીએ જવાબમાં જણાવ્યું હતું કે આ ગરીબ પરિવારોને વીજ કનેક્શન નહિ મળે.

કનેકશન લેવા માટે વીજ કંપનીમાં નવેસરથી અરજી કર્યા બાદ વીજ કંપની જે એસ્ટીમેટ આપે તેની રકમ જમા કરાવ્યા બાદ આ લોકને વીજ કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને નવાઈ લાગશે કે આ લોકોને ઓછામાં ઓછા ₹ ૪૫૦૦/- જમા કરાવ્યા બાદ નવીન વીજ જોડાણ મેળવશે.

આપણા દેશના વડા પ્રધાન ગામે ગામ અને ઘરે ઘરે મફત વીજળી પોંહચાડવાની વાતો કરી રહયા છે ત્યારે બીજી બાજુ આવા ગરીબ પરિવારોને વીજ બીલ માફી યોજનામાં અને લોક અદાલતમાં રૂપિયા જમાં કરાવ્યા પછી પણ આજ દિન સુધી વીજ કનેક્શન નથી મળ્યું અને એ લોકો રાહ જોઈ રહયા છે કે અમારા ઘરોમાં વીજ કનેકન લાગે અને અજવાળું થાય અને અમારા લોકોના સારા દીવસો આવે!!!

Next Story