Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં શિક્ષણના આ હાલ! વલભીપુરની કોલેજના વિદ્યાર્થીઓ અહીં ભણવા મજબુર

ગુજરાતમાં શિક્ષણના આ હાલ! વલભીપુરની કોલેજના વિદ્યાર્થીઓ અહીં ભણવા મજબુર
X

આ નજારો વલભીપુર તાલુકાની સરકારી વિનીયન કોલેજનો

તમે અવાર નવાર શાળાના વિદ્યાર્થીઓ ઝાડ નીચે કે પતરાના શેડ નીચે બેસીને ખુલ્લામાં ભણતા જોયા હશે પરંતુ ભાવનગર જીલ્લાના વલભીપુરમાં તો કોલેજના વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા મજબુર બન્યા છે. શિક્ષણના ખસ્તા હાલનો આ નજારો વલભીપુર તાલુકાની સરકારી વિનીયન કોલેજનો છે.

આ કોલેજ શરૂ થયાને આશરે ૮ વર્ષ થવા આવશે. કોલેજના બે લોટ તો સ્નાતકની ડીગ્રી લઇને બહાર આવી ગયા છે. છતાં આજની તારીખે પણ સરકારી વિનીયન કોલેજનાં વિદ્યાર્થીઓ ગંભિરસિંહજી હાઈસ્કુલના પરીસરમાં એક જગ્યાએ મેદાનમાં પતરાનાં ઉભા કરેલ કામચલાઉ શેડમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

હવે ચોમાસાનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે આ રીતે છત માત્ર પતરાની અને બાકીનો ભાગ ખુલ્લો હોય વરસાદમાં શું હાલત થશે. વલ્લભીપુર શહેર ખાતે તાલુકા તેમજ શહેરનાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં જવું ન પડે તે માટે આજથી ૭ વર્ષ અગાઉ વલ્લભીપુરમાં સરકારી વીનીયન કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કોલેજ જયારે શરૂ થઇ ત્યારે સ્વભાવીક રીતે તેનું પોતાનું બિલ્ડીંગ ન હોય તેથી વૈકલ્પીક વ્યવસ્થા સાથે અત્રેના ગંભિરસિંહજી હાઈસ્કુલનાં મકાનમાં બેસાડીને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો.

તે સમયે લાગતું હતું કે કોલેજનું બિલ્ડીંગ આજે નહીં કાલે ઉભું કરી દેવામાં આવશે પરંતુ, સાત સાત વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હોવા છતાં કોલેજનાં બિલ્ડીંગ માટે એક ડગલુ આગળ ચાલતું નથી. આજથી અઢી વર્ષ પૂર્વે કોલેજનાં મકાન માટે સરકારમાંથી રૂ.૧૨ કરોડ જેટલી રકમ અને સીડસ ફાર્મ અને હેલીપેડ તરીકે ઓળખાતી વિશાળ જગ્યા પણ ફાળવવામાં આવી છે. પરંતુ કોલેજ અને વલભી વિદ્યાપીઠની સ્થાપના કરવા માટે સ્થાનીક રાજકીય ગજગ્રાહનાં કારણે વલભી વિદ્યાપીઠનું કામ ઘોંચમાં પડી ગયું છે. સ્થાનીક રાજકારણને કોરાણે મુકી હાલમાં સત્તાધીશ પક્ષનાં અગ્રણીઓ દ્વારા કોલેજ બિલ્ડીંગને અગ્રતા આપી તાકીદે મકાનનું કામ શરુ થાય તેવા પ્રયત્ન કરવા જોઇએ.

જો કે સરકારમાંથી કોલેજનું બિલ્ડીંગ બનાવવા રૂ.૧૨ કરોડની રકમ પણ ફાળવાઇ છે પણ મુહૂર્ત મળતુ નથી. કોલેજ માટે જે નવી જગ્યા ફાળવવા આવેલ છે. તે જગ્યાનો કબજો માર્ગ-મકાન વિભાગને સોપી આપવામાં આવેલ છે. અને ટુંકા સમયમાં બિલ્ડીંગનો પ્લાન મંજુર થઇ જતાં બાંધકામનું કામ શરૂ થઇ જશે. તેમ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મેહુલભાઇ ભટ્ટ જણાવ્યું હતું.

Next Story