Connect Gujarat
ગુજરાત

ગુજરાત યુનિવર્સીટીમાં એક જ પ્રવેશના એક જ રાઉન્ડને કારણે વિદ્યાર્થીઓને થશે અન્યાય

ગુજરાત યુનિવર્સીટીમાં એક જ પ્રવેશના એક જ રાઉન્ડને કારણે વિદ્યાર્થીઓને થશે અન્યાય
X

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતના જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં કાર્યવાહી શરૂ થવાની છે. ચાલુ વર્ષે યુનિ. સત્તાધીશોએ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો માત્ર એક જ રાઉન્ડ કરવાની જાહેરાત કરી છે. ઓનલાઇન પ્રવેશના એક જ રાઉન્ડના કારણે મેરિટમાં આવતાં હજારો વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેમ છે. આ સ્થિતિમાં એક રાઉન્ડના બદલે પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડ કરવામાં આવે તેવી માગ જુદા જુદા સ્તરે ઊઠ‌વા પામી છે.

યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનીષ દોશીએ રાજ્યપાલને કરેલી રજૂઆતમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, દર વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પર સતત અખતરા કરવામાં આવતાં હોય છે. ચાલુ વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામા માત્ર એક જ રાઉન્ડ કર્યા બાદ ખાલી પડેલી બેઠક કોલેજોને ભરવા માટે સોંપી દેવાની વિચિત્ર જાહેરાત કરાઈ છે. સામાન્ય રીતે ઓનલાઇન પ્રક્રિયામાં પહેલો રાઉન્ડ ઓનલાઇન કર્યા બાદ બીજો રિશફલિંગ રાઉન્ડ કરવામાં આવે છે.

જેના કારણે અગાઉ જે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળ્યો હોય તેને રિશફલિંગમાં બીજી તક મળતી હોય છે. યુનિવર્સિટીએ ચાલુ વર્ષે એક જ રાઉન્ડ ઓનલાઇન કરવાની જાહેરાત કરીને વિદ્યાર્થીઓના રિશફલિંગના હક્ક પર સીધી તરાપ મારી દીધી છે. આ પ્રકારના નિર્ણયના કારણે મેરિટમાં આવતાં વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય તેમ છે. મહત્વની વાત એ કે આ વાત પ્રવેશ સમિતિના સભ્યોની લઇને તમામ કોલેજના પ્રિન્સિપાલ પણ જાણે છે પરંતુ ‘સત્તા આગળ શાણપણ’ નકામું તેમ માનીને મૌન સેવી લીધું છે. આ સ્થિતિમાં તાજેતરમાં કોંગ્રેસના પ્રવક્તા અને યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.મનીષ દોશીએ યુનિવર્સિટીના કુલપતિ અને રાજ્યપાલને પત્ર લખીને યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલો નિર્ણય વિદ્યાર્થીઓના હક્ક પર તરાપ સમાન હોવાની રજૂઆત કરી છે.

તેમણે કરેલી રજૂઆતમાં એવો ઉલ્લેખ કરાયો છે અગાઉના વર્ષમાં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિના પ્રથમ રાઉન્ડમાં માત્ર ૩૦ ટકા બેઠક જ ભરાઇ હતી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને મેરિટ આધારિત પ્રવેશની તક મળે તે માટે ગતવર્ષની જેમ જ ઓનલાઇન પ્રવેશના ત્રણ રાઉન્ડ પૂરા કરવા જરૂરી છે. ત્રણ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડનારી બેઠક ઓફલાઇન મેરિટના આધારે જ ભરવી જોઇએ. જો આમ, ન થાય તો 7હજાર વિદ્યાર્થીઓની કારર્કિદી પર સીધી અસર થાય તેમ છે એટલું જ નહીં મેરિટમા હોવા છતાં સારી કોલેજમાં પ્રવેશનો હક્ક છીનવાઇ જાય તેમ છે. આ મુદ્દે યોગ્ય કરવાની માગણી પણ કરવામાં આવી છે.

Next Story