Connect Gujarat
ગુજરાત

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી
X

ગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નર્સીંગ કોલેજ હોલ, સીવીલ હોસ્પીટલ કેમ્પસ - ભરૂચ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ક્ષીપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્ર્મના અધ્યક્ષસ્થાનેથી ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. તેમણે મહિલા સશક્તિકરણ શા માટે આવશ્યક? તેની વિગતો આપતાં રાજ્ય સરકારે મહિલા ઉત્થાન માટે લીધેલા પગલાંઓની જાણકારી આપી હતી. મહિલા ઉત્કર્ષ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦% અનામત, પોલીસ ભરતીમાં પણ ૩૩% અનામત આપી મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106289,106290,106291,106292,106293,106294,106295"]

મહિલાઓને સન્માન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલા લીધા હોવાનું જણાવી મંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓને પૂરતો ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ૩૮ જેટલી ફેમેલી કોર્ટ બનાવેલ છે. ૩૮ જેટલા મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. નારી તુ નારાયણી, જ્યાં નારીની પૂંજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે તેમ જણાવી કહ્યું હતું કે, સમાજમાં સ્ત્રી સશક્તિકરણના લક્ષને સાધવા માટે મહિલાઓને સમાન ભાગીદારી જરૂરી છે. તેમણે બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે સમાજમાં દિકરીઓને આગળ આવવા હાકલ કારી હતી. તેમણે દિકરા-દિકરીઓમાં ભેદ ન રાખતા દિકરો-દિકરી એક સમાન ગણીને દિકરીઓને પણ સમાન હકક મળે તે માટે ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. આજના આરોગ્ય દિવસની ઉજવણીના માધ્યમથી મહિલાઓ સાચા અર્થમાં સશક્તિકરણ પામે, સમાજમાં પુરૂષ સમોવડી બને, મહિલાઓ કોઈની ઓશિયાળી ન બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા અમલી મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી.

નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાએ મહિલાઓએ પોતાના હક્કો પ્રત્યે જાગૃતી બની સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં એસએચ આરબીએસકેના લાભાર્થીએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ વેળાએ ગૃહ રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર - ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન - ભરૂચ દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ જુવેનાઈલ હોમ ફોર બોઈઝ કુકરવાડા- ભરૂચ માટે સ્કુલ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીના હસ્તે આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આગેવાન યોગેશભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલ, અન્ય આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીની બહેનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. અંતમાં આભારવિધિ દહેજ પ્રતિબંધક અધિકારી જીંજાલાએ કરી હતી.

Next Story