Connect Gujarat
ગુજરાત

ગોધરા ખાતે યોજાનાર ગણેશ વિસર્જન શોભાયાત્રાનું સૂક્ષ્મ આયોજન કરતા જિલ્લા કલેક્ટર અમિત અરોરા

ગોધરા ખાતે યોજાનાર ગણેશ વિસર્જન શોભાયાત્રાનું સૂક્ષ્મ આયોજન કરતા જિલ્લા કલેક્ટર અમિત અરોરા
X

રસ્તાના ખાડા, લટકતા વાયરો દુરસ્ત કરવા સાથે વિસર્જનની શોભાયાત્રા નિર્વિધ્ને પાર પાડવા સંબંધિતોને સૂચના

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરા ખાતે આગામી તા. ૦૭/૦૬/૨૦૧૯ના રોજ યોજાનારી ગણેશ વિસર્જનની શોભાયાત્રાનું સૂક્ષ્મ આયોજન કર્યુ છે, જે મુજબ વિસર્જનની શોભાયાત્રા નિર્વિધ્ને પાર પડે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ મુશ્કેલીનો ઝડપથી નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરી હતી.

બેઠકમાં તેમણે નગરપાલિકાના અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓના અધિકારી કર્મચારીઓને રસ્તાના ખાડાઓ યોગ્ય રીતે દુરસ્ત કરવા, લટકતા વીજ વાયરો અને વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે લેવાનારા સાવચેતીના પગલા અંગે જરૂરી સૂચનો સાથે સૂચના આપી હતી. આ ઉપરાંત શહેરના રામસાગર તળાવમાં વિસર્જનની તૈયારીઓ, વ્યવસ્થાઓ અંગે પણ સૂચનો કર્યા હતા. ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી ૩.૨૫ કિલોમીટરનો રૂટ ધરાવતી આ શોભાયાત્રાના દરેક પાસાઓની ઝીણવટપૂર્વકની ચર્ચા યોજી હતી.

જિલ્લાપોલિસવડા ડો. લીના પાટિલે શોભાયાત્રા દરમિયાન પૂરતા પોલિસ બંદોબસ્ત સાથે કાયદો અને સલામતી બાબતે ચર્ચા કરી હતી. તેમણે શોભાયાત્રા દરમિયાન થનારી વિડીયોગ્રાફીની વિગતો પણ આપી હતી.

ગણેશ વિસર્જનના દિને શોભાયાત્રાના નિશ્ચિત પોઈંટ પર તબીબી ટીમની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૭૦ તરવૈયાઓ અને ૪ જેટલી ક્રેન તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી વ્યવસ્થાઓ અને અધિકારી/ કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં પરંપરા મુજબ ૧૨.૩૯ કલાકથી પૂજાવિધી બાદ વિશ્વકર્મા ચોકથી વિસર્જન શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવશે. શહેરમાં આશરે ૫૦૦ જેટલા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને ૧૦૦ જેટલા ગણેશ મંડળો વિસર્જન શોભાયાત્રામાં જોડાનાર છે.

આ ઉપરાંત બેઠકમાં વેજલપુર, હાલોલ, શહેરા જેવા સ્થળોએ યોજાનાર વિસર્જન શોભાયાત્રાના આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story