Connect Gujarat
ટેકનોલોજી

ચંદ્રયાન-૨' દ્વારાચંદ્રની સપાટી પર પરમાણુ ઊર્જા આપતા 'હિલિયમ-૩'ની શોધ કરાશે

ચંદ્રયાન-૨ દ્વારાચંદ્રની સપાટી પર પરમાણુ ઊર્જા આપતા હિલિયમ-૩ની શોધ કરાશે
X

પૃથ્વીની ૩૦૦ વર્ષ સુધી ઊર્જા જરૂરિયાત પુરી કરી શકે એટલો હિલિયમ-૩નો જથ્થો ચંદ્ર પર છે: હિલિયમ-૩માં રેડિયો એક્ટિવક કિરણો નિકળતા નથી

'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)'ના મહાત્વાકાંક્ષી મિશન 'ચંદ્રયાન-૨' દ્વારા ચંદ્ર પર 'હિલિયમ-૩'નો જથ્થો પણ શોધવાનો છે. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા પેદા કરવા માટે અત્યંત મહત્ત્વનું બળતણ છે. વિએના ખાતે એક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ઈસરોના ચેરમેન કે.સિવાને ત્યાં પરદેશી પત્રકારો સમક્ષ આ માહિતી આપી હતી.

હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા મેળવવા માટેનું સર્વોત્તમ બળતણ છે અને તેમાં કોઈ જાતના રેડિયો એક્ટિવ કિરણો નીકળતા નથી. માટે તેનાથી પ્રદૂષણનો કે પરમાણુ અકસ્માતનો ભય રહેતો નથી.

સંશોધકોના અંદાજ પ્રમાણે ચંદ્ર પર એટલો હિલિયમનો જથ્થો છે જે પૃથ્વીની ઊર્જા જરૂરિયાત ૩૦૦થી ૫૦૦ વર્ષ સુધી પૂરી કરી શકે છે. રફ ગણતરી પ્રમાણે હિલિયમ-૩નો જથ્થો ૧૦ લાખ ટન કરતા પણ વધુ છે. એક ટન જથ્થો મળે તો પણ તેની કિંમત ૫ અબજ ડૉલર જેટલી થઈ શકે.

ભારતનું ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ ચંદ્રમિશન ચંદ્રયાન-૨ ઑક્ટોબરમાં લૉન્ચ થવાની શક્યતા છે. રોવર ચંદ્રની સપાટી પર બે સપ્તાહ સુધી આમ-તેમ ફરશે અને એ દરમિયાન જ હિલિયમ-૩ના જથ્થા અંગે પણ તપાસ કરશે. અગાઉ પણ સંશોધકો વારંવાર ચંદ્ર પરથી હિલિયમ-૩નો જથ્થો પૃથ્વી પર લઈ આવવાનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે.

ચંદ્ર પરથી હિલિયમનો જથ્થો પૃથ્વી પર લાવવો અઘરો છે, પરંતુ સાવ અશક્ય નથી. અગાઉ અમેરિકાએ સમાનવ-પ્રવાસ યોજ્યા હતા એવા કોઈ પ્રવાસ દ્વારા હિલિયમની આયાત કરી શકાય એમ છે.

અમેરિકાએ ઘણા વર્ષો સુધી ચંદ્ર-મિશન બંધ રાખ્યા પછી હવે ફરીથી તૈયારી આરંભી છે. ૨૦૨૦ના દાયકામાં અમેરિકા ચંદ્ર પ્રવાસ યોજે એ માટે પ્રમુખ ટ્રમ્પે નાસાને સૂચના આપી દીધી છે અને નાસાનું ૧૯ અબજ ડૉલરનું બજેટ પણ મંજૂર કરી દીધું છે. ચીન ૨૦૧૩માં ચંદ્રની સપાટી પર ચેંગ-૩ નામનું લેન્ડર મિશન ઉતારી ચૂક્યુ છે. એ પછી હવે ઈસરોનું મિશન ચંદ્ર પર પહોંચનાર છે.

Next Story