Connect Gujarat
બ્લોગ

ચુસકી

ચુસકી
X

આજથી દોઢ દાયકા પહેલા ભરૂચથી બાયરોડ વડોદરા જાવ તો પોર પર ગરમાગરમ ભજીયા, ફાફડા અને ચ્હા માટે રોકાતા. આજે સુરત જાવ તો કામરેજ ચોકડી પર લોચો, પેટીશ, ઈદડા ખાધા વગર સુરતમાં પ્રવેશ કરવાનું શક્ય ન બને !

જે લોકો રતનગઢ (રાજસ્થાન) ગયા છે એમણે સર્કલ પર આવેલી ચ્હાની લારી પર અચૂક ચ્હાની ચુસકી મારી હશે. અમે કોલેજમાં હતા ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પરથી ૧૦ પૈસાની ટિકિટમાં જમાદારની બસમાં હાજીખાના ઉતારતા. અંબુની ચ્હાની દુકાન. કોલસાની સગડી પર બનાવેલી ચ્હા, અંબુ એમાં એલચીને લોખંડના દસ્તા વડે છૂંદીને નાંખે, આદુને સાણસીથી દબાવે અને છુંદો કરીને ઉકળતી ચ્હાની તપેલીમાં નાખે. એકાદ મિત્ર જોષી ફરસાણની દુકાનમાંથી પાપડી લાવે, એની સાથેના મરચાંનો સ્વાદ હજુ એ દાઢમાં સળવળે. ક્યારેક મરચા વધે તો ફરી પાપડી લેવા કોક દોડે. રતનગઢ જતાં સર્કલની ચ્હાની લારી પર અમે ફોરવ્હીલર રોકી ચ્હાનો ઓર્ડર આપી રેકડીની ઝુંપડીમાં ગોઠવાયા. માટીના માટલામાંથી જગ લઇ એક બે જણે આંખ અને વાળને ભીના કરી ફ્રેશ થયા.

એક ટેણીયો ઓર્ડર પ્રમાણે કાચના ગ્લાસમાં ચ્હા આપી ગયો. કપ રકાબીમાં ચ્હા પીરસવાનો આ લારી પર રિવાજ નહિ. ફૂંક મારી મારીને બધા ચ્હાની ચૂસકી મારતા ગયા.

ટેણિયાને પૂછ્યું કેટલા પૈસા આપવાના ? એણે જે કીધા એ આપતા મારાથી બોલાય ગયું, " આજે દર વખતના જેવી ચ્હા પીવામાં મઝાના આવી." ટેણિયા એ જે જવાબ આપ્યોને એ સાંભળી મને લાગ્યુ કે આ મોટો થઈને બહુ મોટો આધ્યાત્મિક ગુરુ બનશે.

ટેણીયાનો જવાબ હતો: સાહેબ, મઝા કોઈની ગુલામ નથી, એને તો જાતે જ માણવી પડે.

(ભરૂચ જે.સી.આઈ. દ્રારા પ્રેસીંડેન્શીયલ એકેડમીમાં પધારેલા પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ જેસી. સેનેટર સંજય છાજરે ઝોન ૫,૭, અને ૮ ના લોમ પ્રેસિડેન્ટને કહેલી વાત, મારા શબ્દોમાં.)

Next Story