Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : બોડેલી નજીક મેરીયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે ભટકાતા એકનું મોત

છોટાઉદેપુર : બોડેલી નજીક મેરીયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે ભટકાતા એકનું મોત
X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેના મેરીયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે ભટકાતા શ્રમજીવીનું કરૂણ મોત નીપજ્યું હતું બનાવ ની જાણ પોલીસ ને થતા સ્ટાફ સાથે તુરત જ ઘટના સ્થળ પર પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી છોટાઉદેપુર પર નજીકના બ્રિજ પર આજે સવારે એક ટ્રક ઝાડ સાથે ભટકાતા ટ્રકમાં બેઠેલા શ્રમજીવીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજયુ હતુ. અકસ્માતના બનેલા ઉપરોક્ત બનાવ અંગે નજીકના જબુગામ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભુતડીઝાંપા, હાથીખાના વિસ્તારમાં રહેતા અને વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે ઇંટો બનાવવાનો ભઠ્ઠો ચલાવતા કલ્લુખાન સાદિકખાન પઠાણની એક ટ્રક નંબર GJ-16/ T- 7789માં આજે સવારે ઇંટો ભરીને ટ્રકનો ચાલક પંકજભાઈ ભીખાભાઈ પઢિયાર ગંભીરપુરાથી નીકળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ એગ્રીકલ્ચર કોલેજમાં હોસ્ટેલનું કામકાજ ચાલતું હોય ત્યાં ઇંટો ખાલી કરવાની હોય ત્યાં જવા નીકળ્યો હતો.

ત્યારે બોડેલી થી જબુગામ તરફ જતા નજીકમાં આવતા મેરીયા બ્રિજ થી આગળ જતાં તેની આગળ ચાલતી ટ્રકના ચાલકે આકસ્મિક બ્રેક કરતાં પંકજભાઈ પઢીયારે પણ તેમની ટ્રકને બ્રેક મારી હતી. જેને લઇ તેઓએ તેમની ટ્રકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક રોડની ખાલી સાઇડમાં ઉતરી જઇ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમની સાથે મજુરી કામ અર્થે આવેલ શ્રમજીવી સંજયભાઈ ભગવાનદાસ જાટવ ટ્રક અને ઝાડની વચ્ચે ફસાઈ જતા ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું કરૂણ મોત નિપજયુ હતુ.

અકસ્માતનો આ બનાવ બનતાં સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. અને બનાવની જાણ થતાની સાથે જ જબુગામ ઓપીના હે.કો. અશોકભાઈ રાણા પોલીસ સ્ટાફ સાથે તુરત જ ઘટના સ્થળ પર પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર રેતી ભરવા આવતા અને રેતી ભરીને જતી ટ્રકો તેમજ મોટા હાઇવા ટ્રક ના ચાલકો બેફામ પણે ગાડીઓ હંકારતા ટ્રક ચાલકો પર પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે અંકુશ લાવવામાં આવે તેવી લાગણી પ્રબળ બની છે.

Next Story