Connect Gujarat
બ્લોગ

"જસ્ટ ટુ મિનિટ, પ્લીઝ...."

જસ્ટ ટુ મિનિટ, પ્લીઝ....
X

યુરોપમાં બસો વર્ષોમાં થયેલી શોધોએ જીવન બદલ્યું છે, આપણે આ જ અનુસરવું પડશે : સયાજીરાવ

"આપણા બધાને તાજી હવા, લીલોતરી અને સુંદર પુષ્પો ગમે છે.મોટા શહેરોમાં વસતાં લોકો ગીચતામાં રહે છે. મોટાભાગના લોકોના ઘર એવા છે કે જેમાં ઘરની આગળ બગીચો બનાવી શકે નહીં. કમાટીબાગ જેવો બગીચો ગમે તેટલો પૈસાદાર પણ બનવી શકે નહીં. આ કારણે જ શહેરના બધા જ માણસો પરિવાર અને બાળકો સાથે અહીં આવીને આનંદ સાથે સમય ગાળી શક્શે."

- સર સયાજીરાવ ગાયકવાડ ( કમાટીબાગ ના લોકાર્પણ સમયનું વક્તવ્ય)

આજે ભારતના મહાન વ્યક્તિત્વ કહી શકાય તેવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ. સમાજ સુધારણા, જમીન સુધારણા, રેલવે વિકાસ, શિક્ષણ, આધુનિક ક્લબો, મ્યુઝિયમ, કળા, એન્જિનિયરિંગ.... લગભગ કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જ્યાં સયાજીરાવ ગાયકવાડ નો સુધારાવાદી અભિગમ ન હોય...આંબેડકર, મુન્શી, અરવિંદ ઘોષ, ટી કે ગજ્જર, રાજા રવિવર્મા.....પાના ભરાય તેટલી લાંબી સૂચી છે. ૧૮૮૬મા વડોદરાના યુવાનો ટેકનોલોજી ના જાણકાર થાય, રોજગાર મેળવે આ માટે અલગ સંસ્થાનો વિચાર આવ્યો, કમિટિ બની અને વડોદરા કોલેજના જ ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર ( MA, B.Sc)ને અભ્યાસક્રમ બનાવવાની જવાબદારી સોંપીને ૨૫ માર્ચ, ૧૮૯૦થી કલાભુવન (હાલની MSUની ટેકનોલોજી ફેકલ્ટી)નો પ્રારંભ કરી દીધો. પ્રારંભમાં ડ્રોઈંગ, રંગકામ, સુથારીકામ, કાપડ ટેકનોલોજી થી શરૂ કરી ટી કે ગજ્જર ને મન ફાવે તેટલો ખર્ચ કરવાની છૂટ...પહેલાં વર્ષે ૨૪૨ વિધ્યાર્થી સાથે પ્રારંભ થયેલી સંસ્થા સ્કલ્પ્ચર , સિવિલ, મિકેનિકલ, વેપારી શિક્ષણ, કેમિકલ એન્જિનિયરિંગ સુધી પહોંચી ગઇ.મૂળે ગાયકવાડો એટલે મત્રેથી ઓળખાતાં, આ રાજવંશના મૂળ એવા નંદાજીએ એક ગાયને વાઘના હુમલામાંથી બચાવી હતી. ગાયને ઘરના કમાડમાં બંધ કરી, મરાઠીમાં કમાડ એટલે કવાડ....ગાય અને કવાડ ભેગું થતાં પૂના પાસે ભરે ગામનું પરિવાર ગાયકવાડ તરીકે જાણીતું બન્યું. છત્રપતિ શિવાજીના સમયથી સત્તાનું વિશ્વાસુ બનેલા ગાયકવાડ સમયની થપાટો અને થપાટોને તકોમાં ફેરવતા છેક વડોદરા પહોંચી ગયાં.

" સત્તાધીશો અને પ્રજા એક જ વસ્તુના બે અંગ છે. બંને અલગ થઇ શકે તેમ નથી. લોકોએ ઉડતી વાતો સાંભળવી ન જોઈએ, પોતાના તથ્યો સમજવા જાતે શાશનનો અભ્યાસ કરવો જોઈએ. આપણે હિન્દીઓ નવી સંસ્થાઓ કે તેમના નામો આપવામાં ભારે શૂરા છીએ. આપણે નિશ્ચયવાળી પ્રજા નથી. આપણા દેશમાં વાતો ઘણી થાય છે, પણ કામ થતાં નથી. ઉપદેશ કરતાં અમલ થાય તે વધુ જરૂરી છે. " ૧૯૦૩માં લાહોરના આર્યસમાજ સમક્ષ બોલેલા શબ્દો આજે ૧૧૫ વર્ષ પછી પણ એટલા જ પ્રસ્તુત છે. દાદાભાઈ નવરોજી અને મોહનદાસ ગાંધી પછી આ સવાયા ગુજરાતી ને કોઈ ભૂલી શક્શે નહીં, પ્રખર સાહિત્યકાર અને કવિ નાનાલાલની વાત આજે ૧૦૦% સાચી છે. મ્રૃત્યુ ના વર્ષ અગાઉ બ્રિટિશ શાશનને પણ સાદો પણ અદભૂત સવાલ પૂછવાની હિંમત સયાજીરાવ જ કરી શકે, ૧૯૩૮માં ઇંડિયા એન્ડ ધ ફાર ઈસ્ટર્ન ક્રાઇસિસ પર બોલતાં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે, બ્રિટિશ શાશન ભારતમાં રાજ્ય કરવા છતાં તેને કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવું કેમ ન બનાવી શક્યું? એનો અર્થ એવો થાય કે ભારતને વિના વિલંબ સ્વતંત્રતા મળવી જોઈએ.

સયાજીરાવ ગાયકવાડ સોનાના પલંગ પર સુવે છે, અઢળક સોનું પહેરે છે. પેલેસને ગરમ અને ઠંડો કરી શકે છે, ઇંગ્લેન્ડના રાજા ખૂશ રાખવા મોંઘી ભેટ આપતાં રહે છે, સોનાના રથમાં મુસાફરી કરે છે....સયાજીરાવ જ્યારે યુરોપમાં હોય ત્યારે છપાતું, પ્રારંભમાં સ્પષ્ટતા કરતાં પણ સમય જતાં સમજતા ગયાં કે આ તો ચાલવાનું જ છે. હદ તો થઈ કે પુત્ર જયસિંહ રાવના નિધન પર રોઇટરની ભૂલે સયાજીરાવનું નિધન લખાયું, દેશ દુનિયામાં અનેક છાપામાં શ્રધ્ધાંજલી છપાતી ગઇ. સયાજીરાવ ના કાર્યોના વખાણ સાથે ટીકાત્મક લેખો પણ લખાતા ગયા, સ્વજનનુ મ્રૃત્યુ અને પોતા પર લખાણો...પણ આ લેખો પર દ્વેષ રાખવાને બદલે વોર્નિંગ સમજી કામ કરવાની ઝડપ વધારી...મહારાજા અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સર સયાજીરાવ ગાયકવાડને શત શત પ્રણામ....

સયાજીરાવ ગાયકવાડ

(11 March 1863 – 6 February 1939)

Deval Shastri

Blog By Deval Shastri

Next Story