Connect Gujarat
બ્લોગ

"જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ...."

જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ....
X

નૈના કી મત માનીયો રે,

નૈના કી મત સુનિયો રે,

નૈના ઠગ લેંગે,

નૈનો કી મત માનિયો રે....

પ્રેમ તો વસંતનો વાયરો છે. ખાલી નજરો મળે અને દિલની ઝાંઝર ખણકે એટલે પ્રેમનું પહેલું પગથિયું તો પાર થઈ ગયું. પહેલા પછી તો બધા પગથિયા આસાન છે. પ્રેમમાં સૌથી મુશ્કેલ કોઈ પગથિયું હોય તો એ પરસ્પરનો વિશ્વાસ છે. ભલભલા ઉદારતાપૂર્વક માફ કરનારા પણ વિશ્વાસના પગથિયા પર ગુલાંટ મારી દે છે. ભગવાન કૃષ્ણને પણ જ્યારે જ્યારે વરદાન માંગવાનો મોકો મળ્યો ત્યારે અર્જુન સાથે આજીવન મિત્રતા જ માંગી હતી. બહુ નાજુક તાંતણે રિલેશન બંધાતા હોય છે રિલેશન કોઈ પ્રોફેશનલ વ્યાખ્યા કે અભિવ્યક્તિમાં નથી આવતુ. સંબંધો તો આજીવન કાચમાં રાખેલા નવજાત શીશુ જેવા હોય છે. હૂંફની કેર અને લાગણીના ફૂડથી ટકાવવાની કળા એટલે રિલેશનશિપ. વાત ખાલી પ્રેમ કે રિલેશનશિપની નથી.રિલેશન બની તો જાય પણ ટકાવવા વિશ્વાસનો શ્વાસ સૌથી અઘરો છે. શ્વાસ વગરના રિલેશનશિપ તો માંડ માંડ સમજાવટનો ઓક્સિજન આપીને આઇસીયુમાં ટકાવેલો સંબંધ છે.

રિલેશનશિપનાં મૂળિયાંમાં જ પરસ્પર ડેડિકેટેડ ભરોસો લખેલો છે. કોઇની સાંભળેલી તો ઠીક, પણ જો રિલેશનશિપમાં ભરોસો ન પણ આવતો હોય છતાં નજરે જોઇને ય અંતિમ તથ્ય પર પહોંચતા સો વાર વિચારવું જોઈએ. મૂળ સેક્સપિયરની કૃતિ ઓથેલો હોય કે વિશાલ ભરદ્વાજની ઓમકારા હોય.આંખે જોયેલાનો પણ ભરોસો નહીં કરવો. જીવનના દરેક પ્રકરણના અંત ભરતમુનિના સુખાંતના સિદ્ધાંત મુજબ નથી હોતો. કોમેડી કે હેપ્પી એન્ડ સિવાય લાઇફમાં બહુ બધી વાર ટ્રેજેડીનો પણ એન્ડ લખેલો હોય છે. નજરે જોઇને મુર્ખામી ભરેલા પગલા એ ઓમકારાને દુખાંત તરફ લઇ જાય છે. જે સ્ત્રી સન્માનની જીંદગી છોડી પ્રેમ પર ભરોસો મૂકતી હોય તો પ્રેમની પણ ફરજો આવે છે. વસંતના વાયરાની જેમ તાજગી આપતાં પ્રેમને કલરફૂલ રાખવાનો છે. દરેક બાબતને માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ નજરે તોલવાની જરૂર નથી.

આપણા વેદોમાં વિશ્વાસની સમજ કેળવાય તેવી વાત લખવામાં આવી છે. જરૂરી નથી કે સમાજની બધી બુરાઈ ખાલી આ જ યુગમાં છે. ગોમતી નદીના કિનારા પર નાના ભાઇ અને અત્યંત સુંદર પત્ની સાથે રહેતા કણ્વ રૂષિના જીવનમાં પણ વિશ્વાસનુ જહાજ ડૂબી ચુક્યું હતું. નાના ભાઇ અને પત્ની વચ્ચે સંબંધ હોઇ શકે તેવી શંકા રૂષિના મનમાં આગની જેમ રમ્યા કરતી. કોઈ કામે બહાર જવું પણ પડે તો કણ્વના મનમાં ભાઇ પ્રગાથ અને પત્નીના અનૈતિક સંબંધો હોવાનો ભાર ઉતરતો જ નહીં. કણ્વ રોજ પ્રયત્નો કરે પણ શંકા વધતી જતી હતી. શંકાનો ભાર ઉતારવો આસાન નથી. કણ્વના પ્રયત્નો નિષ્ફળ જતા હોય તો આપણે તો પામર છીએ. એકવાર કણ્વને બહાર જવાનું થયું. ભાઇ જંગલમાં ચારો અને લાકડા લેવા ગયો. કણ્વ આખા રસ્તામાં શંકા કરતા જ રહ્યા અને માર્ગ પણ ભૂલા પડ્યા. શંકા શાંતિ આપતી નથી. જીવવા પણ દેતી નથી અને ઝંપવા પણ દેતી નથી. દર્દ વગરનો વંઠી ગયેલો રોગ છે. રસ્તામાં મૂડ ખરાબ થતા માર્ગ પણ ભૂલી ગયા. વેદોએ સરળતાથી કહી દીધું કે અવિશ્વાસ અને શંકાશીલ માનસ હમેશા ભૂલું પડતુ જ હોય છે. કોઇ સજ્જનની મદદથી કણ્વ પરત તો આવ્યા. લાકડા અને ઘાસ લઇ આવેલા પ્રગાથને થાકેલો જોઈ પૂત્રવત પ્રેમથી ભાભીએ ખોળામાં સૂવડાવ્યો. કણ્વનુ અચાનક પાછું આવવું અને ભાઇને સૂતેલો જોઇ શંકા પાક્કી કરી નાખી. કોઈ પ્રશ્ન નહીં, જવાબ નહીં કે સંવાદ નહીં. માની લીધેલા આક્ષેપો સાચા. જો કે કણ્વને ભૂલ સમજાતા માફી માંગી. માફી માંગવામાં પણ મોડું થયું. બંને ભાઇ છૂટા પડ્યા. વેદો પણ કહે છે કે નજરનો પણ ભરોસો કરવો નહીં.

નજર તો પ્રેમમાં પડવા કે પાગલ થવા માટે છે. વોન ગોગ નામનો કદરૂપો વ્યક્તિ કે જેણે જીવનની નિરાશાથી થાકીને આત્મહત્યા કરવા સુધી પ્રયત્નો કરી લીધા. પેઇન્ટિગ શોપમાં કામ કરતા વોન ગોગ સામે એક સુંદર ગ્રાહક મહિલાએ સ્માઇલ આપ્યુ. એક સ્માઇલ વિશ્વને મોડર્ન આર્ટનો શ્રેષ્ઠ કલાકાર આપ્યો. એક નાનકડા સ્મિતે મરતા સુધી વોન ગોગ સર્જન કરતા કરી દીધો. પ્રેમના સ્માઇલમાં જોરદાર દમ (અસ્થમા નહીં!!!) હોય છે. આજકાલ સોશિયલ મિડીયામાં વેલેન્ટાઇન ક્લિપ કેરાલિયન હિરોઇન પ્રિયા પ્રકાશમાં શું છે? ખાલી પ્રેમનું સ્માઇલ. પ્રિયાની આંખોએ દેશના કરોડો લોકોને પ્રેમની નજરો આપી. પ્રેમની નજરને શંકાના વમળમાં નાખ્યા સિવાય સુખના સાગરમાં હિલોળા લેવા માટે છોડવાની જરૂર છે. સુખના આસમાનમાં બહુ ઓછા પંખીઓ ઉડતા હોય છે. સુખનું આખું આકાશ ખાલી પડ્યું છે. પ્રેમ કરવા માટે બહુ નાની જીંદગી છે. જીંદગી પછીની જીંદગી વિશે કશું ખબર નથી. ખાલી સાંભળ્યું છે કે આત્મા છે. કદાચ આત્માનું અસ્તિત્વ જ ન હોય તો શંકા ના વમળોમાં જીંદગી હોમી દેવાની જરૂર નથી.

ઉપકાર, અપકાર, મારી પહેલ, તારી પહેલ જેવા વિશેષણો સંબંધોમાં ભારમાં તણાવાને બદલે માફ કરોની ભાવના સુખના શમણા લાવે છે.રિલેશનશિપમાં કોઈ ભાર ન હોવો જોઈએ. જો ભાર લાગે તો રિલેશનશિપમાં ક્યાંક પંચર પડી રહ્યું છે. સુખ શોધવા માટે કેટલા પંચર ભરતા રહેવા? બહેતર છે કે ટાયર બદલી નાખવું. સંબંધો ભારરૂપ લાગે તો જીવનમાં બહુ રસ્તા છે, અનેક મોડ, ગલીઓ અને હાઇવે પરથી જીંદગી પસાર થાય છે. જો હાઇવે પર મજા ન આવે તો કેડીઓ પર જતા રહેવું. માર્ગ બદલવાથી પણ નવી જીંદગીની દિશા મળે. નવા માર્ગોમાં જીવનની મજા કે મસ્તી શીખવાનો મોકો અને આનંદ મળે.

એકવારની જીંદગીના રાજા આપણે છીએ.ભારયુક્ત સંબંધો તો રગશિયા ગાડા જેવા હોય છે. ભાર સાથેના સંબંધ રાખવા કરતા મુક્તતા વધુ મજેદાર છે. મનભરીને જીંદગી માણતા રહીએ. મસ્તી, મજાક, પેટભરીને હસતા રહીએ. જે સંબંધ હસાવી ન શકે, ખભો ન આપી શકે કે પીઠ થાબડીને જીંદગી જીવવા તાજગી ન આપી શકે એવા ભાર કાઢી હળવા થવામાં મજા છે.

સા વિદ્યા યા વિમુક્તયે...જે મુક્તતાનો અહેસાસ કરાવે તે સંબંધ...તે જીંદગી.....પ્રેમ તમારો અકબંધ રહે.....સતત ચાલતો રહે, દોડતો રહે,લડતો રહે....ટાઇટેનિકની જેમ શહીદી માટે તૈયાર રહે. સુખ આપતા આપતા સુખ ભોગવતા રહીએ. મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો પ્રેમની ગેમ હંમેશા વિન-વિન જ રહેવી જોઈએ.

Be valentine.....

Blog By : Deval Shastri

Next Story