Connect Gujarat
દેશ

જાણો અતિ પ્રાચીન એવી વૈદિક સંસ્કૃતિ અને તેના વેદ વિશે 

જાણો અતિ પ્રાચીન એવી વૈદિક સંસ્કૃતિ અને તેના વેદ વિશે 
X

ભારતીય સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ એટલે વેદો દ્વારા અને વેદોના કાળથી ચાલતી આવતી સંસ્કૃતિ. ભારતની સૌથી શ્રેષ્ઠ ધરોહર એ આપણા વેદો છે.જીવનના આરંભથી માંડીને અંત સુધીનું બધુ જ જ્ઞાન વેદોમાં છે.વેદોની રચના એ બહુ જ પુરાણી છે જેના નિર્માણનો સચોટ સમય આજસુધી કોઈ દર્શાવી શક્યુ નથી બસ અનુમાન જ કરી શકાયુ છે.

images

વેદ એ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે અને હિન્દુ સંસ્કૃતિના સર્વોપરી ગ્રંથો હોવાની સાથે સાથે તેના આધાર સ્તંભો પણ છે.વેદ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે "જ્ઞાન". પ્રાચીન ઋષિમુનિઓએ મંત્રોના અતિગુઢ રહસ્યોને જાણીને ,સમજીને, મનન કરીને અને અનુભુતિ કરીને એ જ્ઞાનને સરળ રીતે ગ્રંથ સ્વરૂપે સંસારના કલ્યાણ માટે પ્રસ્તુત કરવામાં આવ્યુ એ "વેદ" કહેવાયા. આ જગત , જીવન અને પરમેશ્વર વિશેનું વાસ્તવિક જ્ઞાન એટલે વેદ.એક માન્યતા મુજબ આ જ્ઞાન પરમપિતા પરમેશ્વરે ઋષિઓને અપ્રત્યક્ષ રૂપે આપ્યુ હતુ. વેદોમાં જ્યોતિષ , ગણિત , ધર્મ , ખગોળ , ઔષધિ , પ્રકૃતિ જેવા લગભગ બધા વિષયોનું જ્ઞાન અપાયુ છે.

1217775786_4_vedas

ચાર વેદ ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ જે ભારતના પ્રાચીન ગ્રંથો અનુસાર પહેલા વેદોનો એક ભાગમાં હતા પરંતુ મહાન ઋષિ વેદવ્યાસે તેને લોકોની સુગમતા માટે ચાર અલગ અલગ ભાગોમાં વિભાજીત કર્યા જેના કારણે તેમને વેદવ્યાસ પણ કહેવામાં આવે છે.

(1) ઋગ્વેદ :

ઋગ્વેદ એ ચારવેદોમાં સૌથી જૂનો અને પહેલો છે.જેમાં મુખ્યત્વે મંત્રોનો જ સમાવેશ છે.તેમાં દેવતાઓના આવાહન ,પ્રાર્થના અને સ્તુતીઓનું વર્ણન કરવામાં આવ્યુ છે. ઋગ્વેદ સંપૂર્ણ રીતે પદ્યાત્મક રીતે લખાયેલ છે. જેમાં 1028 સૂક્તો છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર જે સૂર્ય સાથે સંકળાયેલ છે તે ઋગ્વેદ માંથી લેવાયેલ છે.

' असतो मा सद्गमय ' વાક્ય પણ ઋગ્વેદનું જ છે.

(2) યજુર્વેદ :

યજુ નો અર્થ થાય છે "યજ્ઞ". યજુર્વેદમાં વિધિઓનું વર્ણન કરવામાં આવ્યુ છે. સાથે સાથે ધાર્મિક અનુસ્થાનોનું વિધિવત રીતે કરવાની સમજ અને રીતો બતાવવામાં આવી છે. યજુર્વેદ માં 40 અધ્યાય છે યજુર્વેદની ભાષા પદ્ય અને ગદ્ય બંને છે. આ વેદની મુખ્ય બે શાખા છે (1) કૃષ્ણ યજુર્વેદ (2) શુક્લ યજુર્વેદ. આ સિવાય રાજસૂય અને વાજપેય જેવા મહાન યજ્ઞોનું વિવરણ પણ છે. યજ્ઞો અને વિધિઓ સિવાય આ વેદમાં તત્વજ્ઞાન નું પણ વર્ણન કરવામાં આવ્યુ છે.

vedas11

(3) સામવેદ :

સંસ્કૃતમાં "સામ" નો અર્થ થાય છે સંગીત , રૂપાંતરણ. સામવેદની રચના મુખ્યત્વે ઋગ્વેદમાં આપેલ મંત્રોનું યોગ્ય રીતે ગાન થાય તે હેતુથી કરવામાં આવી હતી. સામવેદને સંગીતનો પહેલો ગ્રંથ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. જેમાં કુલ 1810 છંદ છે. આ વેદના મૂળમાં સંગીતની ઉપાસના અને સૌમ્યતા છે.

સામવેદની મુખ્ય 3 શાખાઓ છે (1) કૌથુમ (2) રાણાયનીય અને (3) જૈમનીય.

(4) અથર્વવેદ :

અથર્વવેદ એ છેલ્લો વેદ છે જેમાં પ્રાગ ઐતિહાસિક યુગની પ્રણાલીઓ, માન્યતાઓ અને પરંપરાઓનું વિવરણ છે.આ વેદમાં વિવિધ રોગ અને તેના નિવારણ અંગેની જાણકારી પણ આપવામાં આવી છે.

આ સિવાય અન્ય રહસ્યમય વિદ્યાઓના મંત્રો અને તાંત્રિક વિધિઓનું જ્ઞાન આપવામાં આવ્યુ છે. આયુર્વેદ વિશેની માહિતી આ વેદમાંથી જ મળી આવે છે.

Next Story