Connect Gujarat
ગુજરાત

જાણો શું છે મા મહાગૌરીની પુજાનું માહાત્મ્ય

જાણો શું છે મા મહાગૌરીની પુજાનું માહાત્મ્ય
X

આદિશક્તિનાં આરાધનાનાં પર્વનો આજે આઠમો દિવસ છે. ત્યારે આસો નવરાત્રીનાં આઠમાં નોરતે મા નવદુર્ગાનાં આઠમાં સ્વરૂપ એવા મહાગૌરીનું પુજન તેમજ આરાધના કરવામાં આવે છે. ત્યારે મહાગૌરીને સાધક કઈ રીતે પ્રસન્ન કરી શકે. તેમજ મા મહાગૌરીની પુજા કેવુ ફળ આપનારૂ છે તે અંગે શાસ્ત્રી અસિતભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે મા મહાગૌરી દેવીની શક્તિ અમોધ અને સદાય શુભ ફળને આપવાવાળી છે. દેવી પુજનથી ભક્તોનાં બધાજ પાપોનો નાશ થાય છે. ભવિષ્યમાં પણ પાપ સંતાપ દુ:ખ ભય તેમની પાસે ક્યારેય પણ આવતા નથી. અને ભક્ત બધા જ પ્રકારના પવિત્ર અને અક્ષય પુણ્યના અધિકાર પ્રાપ્ત કરે છે.

કેવુ છે મા મહાગૌરીનું સ્વરૂપ :

મા મહાગૌરીનું સ્વરૂપ સંપુર્ણ સફેદ છે. માનુ વર્ણ શંખ ચંદ્ર અને કુંદના ફુલની જેમ ઉજ્જવળ છે. મહાગૌરીનું સ્વરૂપ આઠ વર્ષનુ માનવામાં આ છે." अष्टवर्षा मवेद गौरी " બધાજ વસ્ત્રો, અલંકારો બધુ જ શ્વેત છે. મહાગૌરીની ચાર ભુજાઓ છે. એક હાથમાં અભયમુદ્રા, બિજા હાથમાં ત્રિશુલ તો ત્રીજા હાથમાં ડમરૂ જ્યારે ચોથો હાથ વરમુદ્રામાં રાખવામાં આવ્યો છે. મહાગૌરી વૃષભ પર આરુઢ થયા છે. દેવી મહાગૌરી માતા પાર્વતી રૂપમાં ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે તપ કર્યુ હતુ. એક વાર ભગવાન શિવજીએ પાર્વતી માતાને જોઈને થોડા વાક્યો કહે છે. જેનાથી દેવીનુ મન વ્યાકુળ થઈ જાય છે. તે પછી દેવી પાર્વતી તપમાં લીન થઈ જાય છે. આવી રીતે પાર્વતીજી ઘણા વર્ષો સુધી તપ કરે છે. ત્યારે શિવજી ત્યા પહોંચે છે. શિવજી મા પાર્વતીનાં રૂપને જોય નવાય પામે છે. મા પાર્વતીનું સ્વરૂપ સફેદ તેમના વસ્ત્રો અલંકારો પણ શ્વેત ચાંદી જેવુ તેજ જોવા મળે છે. આથી પ્રસન્ન થઈ શિવજી પાર્વતીને મહાગૌરી રૂપનુ વરદાન આપે છે.

કઈ રીતે કરવી જોઈએ મા મહાગૌરીની પુજા :

મહાગૌરી રૂપમાં માતાજી ભક્ત માટે કલ્યાણ સ્વરૂપા, સ્નેહ સ્વરૂપા, શાંત, કોમળ જાણવા મળેલ છે. તે સ્વરૂપની પ્રાર્થના કરતા ઋષિગણ કહે છે. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके | शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते. માતાજીનુ ધ્યાન, સ્મરણ પુજન આરાધના ભક્તો માટે હંમેશા કલ્યાણકારી છે. દરેક ભક્તોને સદાયને માટે ભગવતીની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે. પોતાના મનને અન્ય ભાવથી એક ચિત્ત કરી મનુષ્યને સદાય માટે પોતાના મનથી ભગવતીના ચરણોની આરાધના કરવી જોઈએ. જે મનુષ્ય મહાગૌરીની પુજામાં બ્રાહ્મણને આમંત્રણ આપી ચંડિપાઠ કરાવે છે. તેને સમસ્ત સુખોની પ્રાપ્તી થાય છે. ભગવતીનાં આઠમા નોરતે સુહાગન સ્ત્રીએ પોતાના પતિના દિર્ઘ આયુષ્ય માટે ભગવતીને ચુંદડીની ભેટ અર્પણ કરવી જોઈએ. આ ગૌરીપુજાનું વિધાન છે. મહાગૌરીનું પુજન કરવાથી ભક્તોના બધા જ કષ્ટ અવશ્ય દુર થાય છે. દેવીની ઉપાસના શાસ્ત્રો માર્કેન્ડેય પુરાણમાં અને દેવી ભાગવતમાં અનેક મહત્ત્વ બતાવેલા છે. જે મહત્વની વૃતિઓને સત્ય તરફ પ્રેરણા આપનારૂ છે અને અસ્તયનો નાશ કરનારૂ છે. નીચે બતાવેલ મંત્રની ભક્તોએ નવ માળા કરવી જોઈએ.

या देवी सर्वभूतेषु गौरीरूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः

સર્વત્ર બિરાજમાન અને મા ગૌરીના રૂપમાં પ્રસિધ્ધ અંબા સ્વરૂપે મહાગૌરી તમારા ચરણોમાં વારંવાર વંદન કરૂ છુ. બધાજ મનુુષ્યને આપ સુખ, સમૃધ્ધિ પ્રદાન કરો. જે ભક્ત નવરાત્રીના આઠમા દિવસે મહાગૌરીની પુજામા નારિયેળનો ભોગ લગાવી તેનો પ્રસાદ ગ્રહણ કરે છે તે ભક્તની સંતાન સંબંધી બધી જ મુશ્કેલીઓ દુર થાય છે. તેમજ મહાગૌરીની પુજાથી સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે સંતાન પ્રાપ્તીનાં યોગ બને છે.

श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः।

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।

Next Story