Connect Gujarat
દેશ

જાલનાથી સુરત આવતી બસ નદીમાં તણાઇ, માંડ બચ્યા મુસાફરો

જાલનાથી સુરત આવતી બસ નદીમાં તણાઇ, માંડ બચ્યા મુસાફરો
X

જાલનાથી સુરત આવી રહેલી એસ.ટી.બસ ગુજરાતના બોર્ડર પર આવેલ નવાપુરની રંગાવતી નદીમાં ફસાઇ ગઇ હતી. બસમાં 17 મુસાફરો સવાર હતા. ડ્રાઇવરને પાણીનો અંદાજ ન આવતા બ્રિજ પર ચાલી રહેલી બસ તણાવા લાગી હતી.

ગુજરાતના બોર્ડર પર આવેલ નવાપુર ગામની રંગાવતી નદીમાં મુસાફરોથી ભરેલી બસ તણાવા લાગી હતી. સવારે પાંચ વાગ્યાનો સમય હોવાથી ડ્રાઇવરને પાણીનો અંદાજ આવ્યો નહોતો.

મહારાષ્ટ્રના જાલનાથી સુરત આવી રહેલી બસ રાજ્યના બોર્ડર પર આવેલ નવાપુર ગામની રંગાવતી નદી પરના પુલ પર બસ ફસાઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે નવાપુરની રંગાવતી નદીમાં બંને કાંઠે પાણી વહેતું હતું. નદી પર બાંધવામાં આવેલ પુલ પરથી પણ પાણી વહેવા લાગ્યું હતું. વહેલી સવારે થોડું અંધારું હોવાથી ડ્રાઇવરને પુલ પરના પાણીનો અંદાજ આવ્યો નહોતો અને તેણે બસને પુલ પરથી લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાણીનું વહેણ વધારે હોવાથી બસ તણાવા લાગી હતી. બસ તણાવા લાગતા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે, સદનસીબે બસ પુલના આડશ પર ફસાઇ ગઇ હતી અને નીચે ખાબકી નહોતી. દોઢ કલાક સુધી બસ ત્યાં ફસાયેલી રહી હતી.

બસમાં સવાર એક પોલીસ કોન્સ્ટેબલે મદદ માટે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બસ નદીમાં ફસાઇ હોવાના સમાચાર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી માત્રામાં ગામલોકો એકઠાં થઇ ગયા હતા. જેમાંથી કેટલાક લોકો બચાવકાર્યમાં પણ જોડાયા હતા.

પોલીસને જાણ કરી હોવાથી બસને બહાર કાઢવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 17 મુસાફરોને સહિસલામત બચાવી લેવામાં આવ્યા હતા.

Next Story