Connect Gujarat
સમાચાર

જિમ્નાસ્ટીક વર્લ્ડ કપમાં અરુણા રેડ્ડી પ્રથમ મેડલ જીતનારી ભારતીય બની

જિમ્નાસ્ટીક વર્લ્ડ કપમાં અરુણા રેડ્ડી પ્રથમ મેડલ જીતનારી ભારતીય બની
X

ભારતની મહિલા જિમ્નાસ્ટ અરૃણા રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં યોજાયેલા જિમ્નાસ્ટીક વર્લ્ડ કપની વોલ્ટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે તે જિમ્નાસ્ટીકની વર્લ્ડ કપ ઈવેન્ટમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.

ફાઈનલમાં અરૃણા રેડ્ડીએ ૧૩.૬૪૯ પોઈન્ટ્સ નોંધાવતા ઈવેન્ટમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતુ. ઈજાના કારણે ભારતની સુપરસ્ટાર ખેલાડી દીપા કરમાકરે આ ઈવેન્ટમાં ભાગ લીધો નહતો. જોકે તેની ગેરહાજરીમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો અને ચાર ખેલાડીઓ ફાઈનલ સુધીની સફર ખેડવામાં સફળ રહ્યા હતા.

સ્લોવેનિયાની જેસા કીસ્લેફે શાનદાર દેખાવ કરતાં ૧૩.૮૦૦ પોઈન્ટ્સની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે એમીલિ વ્હાઈટહેડે ૧૩.૬૯૯ પોઈન્ટ્સની સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય ખેલાડી અરૃણા અને ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી વચ્ચે માત્ર ૦.૧૫૧ પોઈન્ટનું અંતર હતુ. જ્યારે ફાઈનલમાં ક્વોલિફાય થયેલી ભારતની અન્ય જિમ્નાસ્ટ પ્રણતી નાયકે ૧૩.૪૧૬ના સ્કોર સાથે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો.

Next Story