Connect Gujarat
ગુજરાત

જીવાદોરી સમા નર્મદા ડેમમાં સિંચાઇ માટે ૨% જ પાણી : જળ સંકટ ઘેરું બનશે !

જીવાદોરી સમા નર્મદા ડેમમાં સિંચાઇ માટે ૨% જ પાણી : જળ સંકટ ઘેરું બનશે !
X

નર્મદા નદીની કુલ ૨૮ MAF ક્ષમતા સામે માત્ર ૫.૫ MAF પાણી

જો નજીકના દિવસોમાં વરસાદ નહીં પડે તો ગંભીર સ્થિતિ: સિંચાઈનું પાણી પણ આપોઆપ બંધ થશે

ગુજરાતમાં આ વર્ષે પ્રથમ રાઉન્ડમાં પણ સંતોષજનક વરસાદ નહી થતા અને બીજા રાઉન્ડમાં મેઘરાજા અદ્રશ્ય થઈ જતાં ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાંહવે તળિયું દેખાવા માંડયું છે. ડેમની પાણીની જે ક્ષમતા છે તેની સામે હાલમાં માત્ર ૨% જીવંત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જો આગામી દિવસોમાં હજુ વરસાદ નહી આવે તો રાજ્યમાં ખૂબ જ ગંભીર સ્થિતિ ઉભી થશે તેમજ ખેડૂતોને હાલમાં અપાઈ રહેલું સિંચાઈનું પાણી આપોઆપ જ બંધ થઈ જશે. જો કે, સરકારે બાંહેધરી આપી છે કે ગમે તેવી સ્થિતિમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ તકલીફ પડવા દેવાશે નહીં.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશથી નર્મદા નદી શરૂ થાય છે જે લગભગ ૧૨૦૦ કિલોમીટર લાંબી છે જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર ડેમો બંધાયેલા છે. ભૂતકાળમાં ૧૦૦ વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા ૨૮ મિલિયન એકર ફૂટ નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશનો ૧૮ એમએએફ જ્યારે ગુજરાતના હિસ્સામાં ૯ એમએએફ જેવું પાણી આવે છે.

અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના હિસ્સામાં ખૂબ ઓછું પાણી આવે છે. આ સીઝનમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ- રાજસ્થાનમાં પણ પ્રમાણમાં ઓછો વરસાદ પડયો છે. જો ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં એ રાજ્યોમાં વધુ વરસાદ પડતો હોય છે. આગામી અઠવાડિયામાં પણ સાર્વત્રિક વરસાદ પડશે તો કોઈ ચિંતા રહેશે નહી પરંતુ નર્મદાની સપાટી ૧૧૦.૬૪ મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી આપોઆપ બંધ થઈ જશે.

જો નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો પણ સિંચાઈનું પાણી આપોઆપ ચાલુ રહેશે. સરકાર સિંચાઈનું પાણી બંધ કરતી નથી. વરસાદ નહી પડવાની ગમે તેવી પરિસ્થિતિનો સરકાર સામનો કરશે. તેમજ આગામી ૧૨ મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઉભી થવા દેવાશે નહીં હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી ૧૧૧.૦૨ મીટર છે જ્યારે રોજની ૩૪૩૬ ક્યુસેક પાણીની આવક સામે ૫૦૦૦ ક્યુસેક પાણીની જાવક છે.

નર્મદા કેચમેન્ટમાં આ મહિના દરમ્યાન ભારે વરસાદની શક્યતા નથી હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે, સેટેલાઇટથી લીધેલી તસ્વીરો અને અન્ય માહિતીના આધારે એવું તારણ કાઢી શકાય છે કે ૧૨૦૦ કીલોમીટરમાં નર્મદાના સમગ્ર કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ આ મહિનામાં નહિવત્ છે.

જો કુદરત ચમત્કાર કરે અને ધોધમાર વરસાદ તૂટી પડે તો ગુજરાતને માથે તોળાતું જળસંકટ દૂર થઈ જશે. વરસાદ ખેંચાઈ જતા અને સરદાર સરોવર સહિતના મહત્ત્વના મોટા ડેમોમાં પાણીના તળિયા દેખાઈ જતા સરકાર પણ ટેન્શનમાં મુકાઈ ગઈ છે. જો વરસાદ નહિ જ પડે તો આગામી દિવસો સરકાર માટે પણ ખૂબ જ કપરા બનશે એ નિશ્ચિત છે. નર્મદા નદી પર કેટલા ડેમોમાં કેટલું પાણી છે ?

Next Story