Connect Gujarat
સમાચાર

ડાંગ : આહવા સ્વરાજ આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ, બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી

ડાંગ : આહવા સ્વરાજ આશ્રમ ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ, બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી
X

ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમ (ટીમ્બર હોલ) ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ આહવા બ્લોક કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઇ હતી. સમગ્ર શિક્ષાના વિવિધ ઉદ્દેશોની આપૂર્તિ માટે શાળા પુસ્તકાલય અને તેના અસરકારક ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વિઘાર્થીઓના સર્વાંગી વિકાસમાં વાચનનું મહત્વ ખૂબ જ છે. NAS (નેશનલ એચીવમેન્ટ સર્વે) ૨૦૧૭ના તારણ મુજબ જે વિઘાર્થીઓ શાળા પુસ્તકાલયના પુસ્તકોનો વાચન મહાવરો ધરાવે છે. તે વિઘાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચ્ચ છે. પાઠય સામગ્રીના વાચન મહાવરા સાથે શરૂઆતથી જ વિઘાર્થીઓ પુસ્તકાલયના પુસ્તકો, સંદર્ભ સાહિત્ય, વર્તમાનપત્ર, સામયિકો અને સાહિત્ય સમજપૂર્વક વાંચે તે મહત્વનું છે. વિઘાર્થીઓમાં અર્થ ગ્રહણયુક્ત વાંચન કૌશલ્ય કેળવાય તો જ તમામ વિષયોનું પ્રત્યાયન સંભવ બને તે માટે ઈતર વાંચન ખૂબ જરૂરી છે.

ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે સમગ્ર શિક્ષા-ગાંધીનગર તેમજ ડાંગ પ્રેરિત અને બી.આર.સી. ભવન, આહવા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આહવાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહવા તાલુકાના ૧૬ ક્લસ્ટરના પ્રથમ નંબરે આવેલા ધોરણ ૬,૭,૮,૯, અને ૧૧ના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આહવા બ્લોકના ૧૬ ક્લસ્ટરના ૬૭ બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. પુસ્તક વાચક સ્પર્ધામાં વિવિધ પ્રકારના પુસ્તકોની ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધારદાર રીતે સમીક્ષા પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો દ્વારા કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા ખૂબ જ તટસ્થ રીતે ભૂમિકા ભજવવામાં આવી હતી. વિજેતા તમામ બાળકોને રૂ. ૩૦૦નું બુકફેર કુપન તેમજ સ્પર્ધકોને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર બ્લોક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story