Connect Gujarat
દેશ

ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ : રૂપિયો ૭૦.૮૨ના ઐતિહાસિક તળિયે...!!!

ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ : રૂપિયો ૭૦.૮૨ના ઐતિહાસિક તળિયે...!!!
X

ડોલર સામે વધુ ૨૩ પૈસા ગગડીને ૭૦.૮૨ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો

ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું છે. ગુરૂવારે ફોરેક્સ માર્કેટમાં શરૂઆતના કામકાજમાં રૂપિયો ડોલર સામે વધુ ૨૩ પૈસા ગગડીને ૭૦.૮૨ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષે એનપીએમાં વૃદ્ધિ થવાની આગાહી કરી હોવાથી તેની પ્રતિકૂળ અસરો પાછળ રૂપિયામાં રકાસ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત યુએસ ફેડરલ રિઝર્વ ચાલુ વર્ષે ધીમી ગતિએ ફેડ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી જેને પગલે વૈશ્વિક બજારોમાં ઉથલમાથલ જોવા મળી રહી છે. ઉભરતા બજારોમાંથી રોકાણ પરત ખેંચાઈ રહ્યું છે અને વિકાસશીલ દેશો તરફ રોકાણકારોએ મિટ માંડી છે. રૂપિયામાં ધોવાણને પગલે દેશની ચાલુ ખાતાની ખાધ વધવાના ભણકારા વાગી રહ્યા છે. ગઈ કાલે રૂપિયો ૭૦.૫૭ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ હતો.

રૂપિયામાં નરમાઈને પગલે ભારતીય શેરબજારમાં પણ તેજીને બ્રેક લાગી હતી. બુધવારે બીએસઈ સેન્સેક્સ ૧૭૪ પોઈન્ટ નરમ બંધ રહ્યો હતો. જ્યારે આજે ગેપ ડાઉન શરૂઆત રહી હતી અને ૩૦ પોઈન્ટ નીચે ૩૮,૬૯૩ની સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

રૂપિયાની નરમાઈથી આયાતકારો મુશ્કેલીમાં મુકાયા છે. ૬૪-૬૫ ડોલર આસપાસ વેપાર સોદા કર્યા હોય અને હવે રૂપિયો ઐતિહાસિક ૭૦ની સપાટીએ ગગડતા ડીફરન્સ ચુકવવા માટે તેમને ભારે મુશ્કેલી સહન કરવી પડે તેમ છે. જો કે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નિકાસકારો માટે લાભકારક છે.

બજાર નિષ્ણાતોના મતે રૂપિયામાં ઐતિહાસિક નીચી સપાટી છતાં આરબીઆઈ દ્વારા મધ્યસ્થી નહીં કરાતા રૂપિયાનું મૂલ્ય વધુ નીચે જવાનું જોખમ રહેલું છે.

Next Story