Connect Gujarat
બ્લોગ

"થોડા હસ ભી લિજીયે, યે વિમેન્સ ડે હૈ....."

થોડા હસ ભી લિજીયે, યે વિમેન્સ ડે હૈ.....
X

એક નાનું ગામ, દરેક પાસે પેઢી દર પેઢી વ્યવસાય. વર્ષો થી પશુપાલન કરતાં ચંદુલાલ ને થયું કે મરઘા ઉછેર કરવા જેવું. મરઘા ઇંડા આપે, બચ્ચાં આપે, છેલ્લે વેચી પણ શકાય. ચંદુલાલ પચાસ મરઘા લઇ આવ્યાં. બે ચાર દિવસમાં પાંચ સાત મરઘા મરી ગયાં. ગામના બુદ્ધિશાળી આગેવાનની સલાહ લેવા ગયો. બુદ્ધિશાળી પ્રશ્ન પૂછ્યો, મરઘા ખૂલ્લામાં રખાતા હશે? ચંદુલાલ દીવાલ કરી. ફરી આઠ દશ મરઘાં મરી ગયાં. ફરી પેલા બુદ્ધિશાળી ની સલાહ લીધી. મરઘા રાખવાની જગા પર તળીયું ચોખ્ખું રહે એ માટે ચણતર કર. ચંદુલાલ આટલું કર્યા બાદ પાછા આઠ દશ મરઘા મરી ગયાં. બુદ્ધિશાળીએ છત બનાવવા કહ્યું, ચંદુલાલ બનાવી છતાં મરઘા મર્યા. ચંદુલાલ બુદ્ધિશાળીની સલાહ લેવા ગયા, બુદ્ધિશાળી વિદ્વાને સાદો સવાલ કર્યો, ચંદુલાલ અમારી પાસે સલાહનો તો ઢગલો છે, પણ તારી પાસે મરઘાં બચ્યાં છે ખરાં???

આ જ છે, વિમેન્સ ડે હોય કે એન્વાયર ડે, અમારી પાસે સલાહ ક્યારેય ખૂટશે નહીં. તમે થાકી જશો પણ સલાહ, સૂચન અને માર્ગદર્શન અવિરત આપતાં રહીશું.

દુનિયામાં ૮૦% લોકો સ્ટ્રેસ માં જીવે છે. નોકરી, લગ્ન, કરિયર, ખર્ચા, બિમારી, બાળકોનું એજ્યુકેશન, ના કલ્પેલી સમસ્યાઓ છે. ત્રીજા ભાગની દુનિયા ટકી રહેવા સ્ટ્રગલ કરે છે. આપણે સલાહ ફેમિલી અને કરિયર બેલેન્સ રાખવાની સલાહ આપી હોશિયારીના ભ્રમમાં જીવી લઇએ છીએ. જ્યાં માણસ દિવસમાં પાંચ વાર મલકી શક્તો નથી, ત્યાં રોજ ૪૫ હા, પૂરી ૪૫ મિનિટ હસતાં રહેવાથી સ્ટ્રેસ દૂર કરવાની સલાહ આપવાની કચાશ રાખતાં નથી.

એ વાત પણ સાચી છે કે વધુ પડતા સ્ટ્રેસ માં ય રહેવાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ સર્ટિફિકેટ આપવાનું નથી. હસવા માટે વાતાવરણ તો બનવું જોઈએ. આનંદ જીવનમાં ઘણી ક્રિએટિવિટી કરાવે છે. એક જૂની જોક છે. એક માણસ મરી રહ્યો હતો...પત્ની કીચનમાં ચોકલેટ બનાવતી હતી. મરતાં મરતાં વૃદ્ધ પતિને સુગંધ આવતાં કીચનમાં ગયો. પત્ની પાસે ચોકલેટ માંગી. પત્ની સ્પષ્ટ જવાબ આપ્યો, તમારા મર્યા બાદ થોડા દિવસ પૌત્રો અહીં રહેશે, આ તેમના માટે છે....વિમેન્સ ડે એટલે બસ ગંભીર ચર્ચા જ કરવાનો કે માત્ર સલાહ આપતા રહેવાનો દિવસ નથી, પણ સર્જનાત્મકતા કેળવવાનો દિવસ છે. ક્રિએટિવ બનવા આનંદ જરૂરી છે. માત્ર મહિલા આનંદિત રહે તે જરૂરી નથી. પરિવાર આનંદ કરશે તો જ વિમેન્સ ડેની મજા છે. નરસિંહ મહેતા કે પ્રેમાનંદ આનંદ માણતાં સાહિત્ય રચ્યું હતું, ફૂડની મજા કે ફેશનની પળો પરિવારની સાથે છે.

બી પોઝિટિવના નારાઓ વચ્ચે કિચનથી કરિયર વચ્ચે અટવાતી મહિલા ઓ માટે થોડું બી નેગેટિવ પણ હોવું જોઈએ. જીંદગી બોલિવૂડ નથી કે દરેક વાતનો સુખદ અંત હોય. રોજ આવતો મોટિવેશનલ સ્પિકર આઉટ ઓફ બોક્સ વિચારવાની સલાહ તો આપી દે છે, પણ આઉટ ઓફ બોક્સ જીંદગી નથી, પોતે બનાવેલા બોક્સની અંદર ઘણું કરવાનું બાકી છે. થીંક પોઝિટિવ, થીંક નેગેટિવ વચ્ચે બેલેન્સ રાખીને જીવવું પડે છે. આઉટ ઓફ બોક્સ અને બનાવેલા માળા જેવા બોક્સની ઈનસાઇડ પણ જીંદગી જીવવાની છે.

Deval Shastri

Blog by Deval Shastri

Next Story