Connect Gujarat
ગુજરાત

દાહોદ : કઠલા ગામે નદીમાંથી જીવના જોખમે અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ

દાહોદ : કઠલા ગામે નદીમાંથી જીવના જોખમે અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ
X

દાહોદ જીલ્લો આજે પણ વિકાસની દોડમાં ખુબજ પાછળ રહી ગયો છે. જીલ્લાના કઠલા ગામના વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જીવના જોખમે વહેતી નદીનો પ્રવાહ પસાર કરે છે. અનેક રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા આ નદી પર કોઈ પુલ કે નાળુ બનાવવામાં નહીં આવતા હજારો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દાહોદ તાલુકાના જ કઠલા ગામના લોકો આજે પણ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહ્યા છે. આ ગામમાં આવેલ પરમાર ફળિયામાં 3 હજાર ઉપરાંતની વસ્તી છે. પરંતુ વરસાદની ઋતુમાં આ તમામ લોકોના જીવ પડીકે બંધાઈ જાય છે. કારણ કે આ ફળીયામાંથી ગામમાં કે શાળાએ જવા માટે અહીંયાના લોકોને કાળી નદીનો ધસમસતો પ્રવાહ પાર કરવો પડે છે અને ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની હાલત તો ખુબ જ કફોડી બને છે. વાલીઓ વિદ્યાર્થીઓ ને ખભે બેસાડી ને કે દોરડા ને બીજા છેડે બાંધી ને આ નદીનો પ્રવાહ પાર કરાવે છે. વિદ્યાર્થીઓ પોતાના દફ્તરો માથા પર મૂકી ને ગળાડૂબ પાણીમાંથી નીકળીને નદી પાર કરે છે અને શાળાએ પહોંચે છે. જો કોઈ આ વિસ્તાર માં બીમાર હોય તો તેના માટે 108 પણ આ વિસ્તારમાં આવી શકતી નથી. પરમાર ફળીયા વિસ્તારના રહીશો તેમજ અગ્રણીઓ દ્વારા તંત્ર ને આ વિસ્તારમાં બ્રિજ કે ગરનાળુ બનાવવા માટે અનેકવાર રજુઆતો લેખિત તેમજ મૌખિક કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી આ લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

Next Story