Connect Gujarat
દેશ

દુબઇ ખાતે વિશ્વ કરાટે સ્પર્ધામાં વાગરાનો ઇમરાન ભટ્ટી ચેમ્પિયન

દુબઇ ખાતે વિશ્વ કરાટે સ્પર્ધામાં વાગરાનો ઇમરાન ભટ્ટી ચેમ્પિયન
X

વાગરા તાલુકાના નાનકડા એવા વસ્તીખંડાલી ગામનો યુવક બોક્સિંગ તેમજ કરાટે માં કાઠું કાઢી રહ્યો છે.રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ સતત ઝળકયા બાદ વિશ્વ કક્ષાએ ચેમ્પિયન બની ઇમરાને વસ્તીખંડાલી ગામ તથા ભરૂચ જિલ્લાનું નામ ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.તેની અથાગ મેહનત અને લગનને જોતા તેના ગામના મિત્રોએ કરેલ ભવિષ્યવાણીને ઇમરાને હાલમાં દુબઇ ખાતે યોજાયેલ વિશ્વ કરાટે સ્પર્ધામાં ચેમ્પિયનશીપનો તાજ પોતાના નામે અંકિત કરી હકીકતમાં તબદીલ કરતા તેના મિત્ર મંડળમાં સૌથી વધુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નાની ઉંમરે પિતાની છત્ર છાયા ગુમાવનાર ઇમરાનના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે.તેમ છતાંયે હિમ્મત હાર્યા વિના ઇમરાને મન મક્કમ બનાવી જીવનમાં કંઈક કરવાની નેમ લઈ પોતાની મંજિલ તરફ ડગ માંડ્યા હતા.પહેલેથીજ સ્પોર્ટ પ્રત્યેના લગાવને કારણે કરાટે અને બોક્સિંગમાં તેને ઘણી રૂચી હતી.સાથે સાથે તેને ફૂટબોલનું પણ અનેરું ઘેલું છે.ઇમરાન કરાટે અને બોક્સિંગમાં રાત દિવસ મેહનત કરી સિદ્ધિના સોપાન સર કરી રહ્યો છે.હાલમાં દુબઇ ખાતે યોજાએલ વર્લ્ડ કરાટે ચેમ્પિનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઇમરાન ભટ્ટીએ વિશ્વના અનેક દેશોના સ્પર્ધકોને પરાસ્ત કરી અંતિમ રાઉન્ડના અંતે વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. હાલ ઇમરાન ભટ્ટી દુબઇ ખાતે હોવાથી સોસીયલ મીડિયાના માધ્યમથી તેના શુભચિંતકો ,ચાહકો તેમજ સગા-સંબંધીઓ શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહયા છે. ઇમરાન વિશ્વકક્ષાએ ચેમ્પિયન બનતા તેના વતન વસ્તી ખંડાલી ગામમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

અત્રે નોંધનીય છે કે છ વાર રાજ્ય કક્ષાએ અને સતત ત્રણ વર્ષ રાષ્ટ્રીયકક્ષાએ કરાટેમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવવા બદલ ભરૂચમાં યોજાયેલ ગુજરાત ગૌરવદિનની ઉજવણી નિમિત્તે રાજ્યપાલના હસ્તે ઇમરાનનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.

Next Story