Connect Gujarat
ગુજરાત

દેડીયાપાડા ખાતે યોજાયો કૃષિ મેળાની સાથે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ

દેડીયાપાડા ખાતે યોજાયો કૃષિ મેળાની સાથે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ
X

  • કૃષિ સંલગ્ન તમામ વિભાગોના સંપર્ક-માર્ગદર્શન થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન-આવક મેળવવાની સાથે સજીવ ખેતી તરફનો ઝોક વધારવા ધારાસભ્ય પી.ડી. વસાવાની હિમાયત.
  • નર્મદા જિલ્લામાં લાલ ચોખાનું વાવેતર વધારવા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવાનો અનુરોધ.
  • પાંચ ખેડૂતોને રૂા.૨૦ હજાર લેખે કુલ રૂા.૧ લાખના ઓર્ગેનાઇઝડ ગૃપ એવોર્ડ એનાયત.

નર્મદા જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા, ખેડૂત તાલીમ કેન્દ્ર તથા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના સંયુક્ત ઉપક્રમે દેડીયાપાડા તાલુકા મથકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા, દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ વગેરેની ઉપસ્થિતિમાં ગઇકાલથી યોજાયેલા બે દિવસીય કૃષિ મેળાને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવાએ તેમના ઉદબોધનમાં વૈજ્ઞાનિક ખેતપધ્ધતિનો અભિગમ અપનાવી આવકમાં વૃધ્ધિ કરવાનો ખાસ અનુરોધ કરી ખૂબ જ વિશાળ સંખ્યામાં વિવિધ વિભાગોના સ્ટોલ્સના માધ્યમથી ખેડૂતોને કૃષિલક્ષી મહત્તમ જાણકારી પૂરી પાડવાના પ્રયાસોને બિરદાવ્યા હતાં. તેમણે નર્મદા જિલ્લામાં લાલ ચોખાના વાવેતરનું પ્રમાણ વધારવા માટે પણ ખેડૂતપુત્રોને ખાસ અનુરોધ કર્યો હતો.

નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં વિશાળ ઉપસ્થિતિમાં કૃષિલક્ષી માહિતી મેળવવા માટેની ધરતીપુત્રોની તત્પરતાને બિરદાવી ખેતી સંલગ્ન તમામ વિભાગોનો સંપર્ક કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન – આવક મેળવવાની સાથે સજીવ ખેતી અપનાવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઇ વસાવાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં કૃષિ પ્રદર્શનની મુલાકાત લઇ ખેડૂતોને તેમના કૃષિલક્ષી વિવિધ પ્રશ્નોનું નિરાકરણ મેળવવા ઉપરાંત તડબુચની ખેતી સાથે પશુપાલન થકી પુરક આવક મેળવવાની સાથે સજીવ ખેતી અપનાવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે તેમના ઉદબોધનમાં વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની હિમાયત કરી હતી. જ્યારે દેડીયાપાડા પ્રાંત અધિકારી ડી.એન. ચૌધરીએ એક જ ગામમાંથી ૭-૧૦ થી વધુ વારસાઇના કેસ હોય તો કર્મચારી જે તે ગામમાં આવીને આવી કામગીરી પૂર્ણ કરશે, તેવી ખાત્રી તેમણે ઉચ્ચારી હતી.

આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક એન.કે. કુરેશી, જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ. નિલેશ ભટ્ટ, નાયબ ખેતી નિયામક એ.કે. ઢીમર સહિતના અન્ય કૃષિ તજજ્ઞોએ દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ લાભ લઇ પશુપાલન, ખેતીવાડી તથા રોગ જીવાતના નિયંત્રણ સંદર્ભે કૃષિલક્ષી ઉપયોગી જાણકારી મેળવવાની સાથે ઓછા ખર્ચે વધુ નફાકારક ખેત ઉત્પાદન મેળવવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ખેડૂત ભાઇઓને ઓર્ગેનાઇઝડ ગૃપ એવોર્ડ અંતર્ગત રૂા.૨૦ હજાર લેખે કુલ રૂા.૧ લાખના પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયાં હતાં. ખેડૂતોને હોન્ડા એન્જીન તથા સબમર્સિબલ પંપસેટની સહાયનું વિતરણ પણ કરાયું હતું. ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધાઓ ગોઠવીને ખેડૂતોને પ્રોત્સાહિત કરાયાં હતાં.

Next Story