Connect Gujarat
ગુજરાત

ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ તથા ગેરહાજર રહેલ વિદ્યાર્થીઑ પુરક પરીક્ષા આપી શકશે

ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ તથા ગેરહાજર રહેલ વિદ્યાર્થીઑ પુરક પરીક્ષા આપી શકશે
X

ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવનાર છે. ત્યારે બોર્ડે ગઇકાલે પરિપત્ર કરીને સ્પષ્ટ કર્યુ છે કે એક અને બે વિષયમા નાપાસ અથવા ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપી શકશે.અગાઉ વિદ્યાર્થીઓ-વાલીઓમા એવી મુંઝવણ હતી કે બોર્ડ દ્વારા એક જ વિષયમા નાપાસ માટે પુરક પરીક્ષા લેવાશે.

ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓમાં ૩૪૮૦૦ નાપાસ થયા છે. જ્યારે ગત વર્ષે નાપાસ થયેલા અને આ વર્ષે ફરી પરીક્ષા આપનારા રીપિટર વિદ્યાર્થીઓમાં ૧૭૧૬૦ વિદ્યાર્થી નાપાસ થયા છે. બોર્ડ દ્વારા દર વર્ષે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવે છે ત્યારે ધો.૧૨ સાયન્સમા સેમેસ્ટર સીસ્ટમ રદ થયા બાદ ગત વર્ષે પ્રથમવારનું વાર્ષિક પરીક્ષા પદ્ધતિનું પરિણામ જહેર કરવામા આવ્યુ હતુ અને ગત વર્ષે અગાઉ બોર્ડે એક જ વિષયની પુરક પરીક્ષા લેવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતોને પગલે બોર્ડે બે વિષયમા નાપાસ વિદ્યાર્થીઓને પુરક પરીક્ષાની તક આપી હતી. આ વર્ષે પણ બોર્ડે આજે પરિપત્ર કરીને સ્પષ્ટ કર્યુ છે કે બે વિષયમા નાપાસ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવાશે.

બોર્ડના પરિપત્ર મુજબ જુલાઈની પુરક પરીક્ષા એક કે બે વિષયમાં નાપાસ અને ગેરહાજર રહેવાના લીધે નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓ આપી શકશે. નાપાસ વિદ્યાર્થીઓએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે. શાળાઓએ ઉપસ્થિત થનાર ઉમેદવારોની સહી કોમ્પ્યુટર યાદીમાં લેવાની રહેશે અને તેની નિયત પરીક્ષા ફી ચલણથી ભરવાની રહેશે.બોર્ડ દ્વારા જુલાઈની પુરક પરીક્ષાનો કાર્યક્રમ હજુ જાહેર કરાયો નથી.

Next Story