Connect Gujarat
ગુજરાત

નવસારી પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અને ઉપનેતાના મુદ્દે પડી મડાગાંઠ

નવસારી પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અને ઉપનેતાના મુદ્દે પડી મડાગાંઠ
X

કોગ્રેંસમાં પ્રવર્તતી આંતરિક ખેંચતાણનો પડઘો ચેરમેનોની વરણી માટે મળેલી સામાન્ય સભામાં પડયો

નવસારી નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી ભાજપનું શાસન છે. શરૂઆતમાં પાલિકાની બોર્ડમાં કોંગ્રેસનું સંખ્યાબળ ખૂબ ઓછું રહેવાથી તેઓ સબળ વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી શકતા ન હતા. જો કે છેલ્લી ચૂંટણીમં ૪૪ સભ્યોમાંથી કોંગ્રેસ ૧૪ બેઠકો મેળવી પાછલા વર્ષોની સરખામણીમાં સારો દેખાવ કર્યો હતો. વર્તમાન બોર્ડમાં પ્રથમ અઢી વર્ષ દરમિયાન કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી હતી. જો કે છેલ્લા કેટલાક વખતથી કોગ્રેંસમાં પ્રવર્તતી આંતરિક ખેંચતાણનો પડઘો ચેરમેનોની વરણી માટે મળેલી સામાન્ય સભામાં પડયો હતો. હાલમાં પાલિકામાં કોંગ્રેસનાં ૧૩ સભ્યોમાંથી ૧૦ સભ્યો સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. આની પાછળનું મુખ્ય કારણ વિપક્ષનાં નેતાની વરણીનો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા તથા ઉપનેતાની જાહેરાત થવાની હતી. વિપક્ષના નેતા તરીકે મહંમદઅયાઝ શેખ તથા ઉપનેતા તરીકે હેમાબેન રાઠોડની વરણી નિવૃત મનાતી હતી. પણ છેલ્લી ઘડીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પટેલે પાલિકાના કોંગ્રેસી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પીયૂષ ઢીમ્મરના નામ ઉપર મંજૂરીની મહોર મારતા કોંગી સભ્યોમાં નારાજગી ફેલાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના આ મનસ્વી નિર્ણયનાં વિરોધમાં પાલિકાનાં ૧૩ કોંગી સભ્યો પૈકી ૧૦ સભ્યો ગેરહાજર રહેતા પાલિકાના વિપક્ષનાં નેતા અને ઉપનેતાના નામની જાહેરાત થઈ શકી ન હતી. સંભવતઃ બે દિવસ બાદ આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે એવી જાણકારી મળી છે.

કોંગ્રેસના દક્ષિણ ગુજરાતનાં પ્રભારી તરીકે સેવા આપી રહેલા મહેન્દ્ર સુરતીયા નથા નીરવ નાયક દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવામાં નિષ્ફળ ગયા હોવાનું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે રાજીનામું ધરી દીધું હતું. આજે નવસારી શહેર કોંગ્રેસ સંગઠન નધણિયાતી પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. નવસારી પાલિકામાં વિપક્ષનાં નેતા અને ઉપનેતાની પસંદગીની મડાગાંઠ કેવી રીતે ઉકેલાય છે એ તો આવનારા સમયમાં ખબર પડશે. હાલમાં કોંગ્રેસની પરિસ્થિતિ એક સાથે ત્યાં તેર તૂટે એવી થઈ ગઈ છે.

Next Story