Connect Gujarat
ગુજરાત

નાંદિડા ગામે ગેરકાયદે તળાવ ખોદકામ અટકાવવા ગ્રામજનો ધરણા પર ઉતર્યા

નાંદિડા ગામે ગેરકાયદે તળાવ ખોદકામ અટકાવવા ગ્રામજનો ધરણા પર ઉતર્યા
X

ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં, મંજૂરી કરતા વધુ ખોદકામ કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ

વાગરા તાલુકાના નાંદિડા ગામે ગેરકાયદે ખોદાઈ રહેલા તળાવનું ખોદકામ અટકાવવા ગ્રામજનો ધરણા પર બેઠા હતા.તળાવમાં ચાલી રહેલા અનઅધિકૃત ખોદકામથી માનવ સહિત પશુ-પક્ષીઓને જીવનું જોખમ રહેલું હોવાની આશંકા સાથે તાત્કાલિત ખોદાણ અટકાવવાની માંગ કરવામાં આવી હતી. સાથેજ તંત્ર દ્વારા કોઈ પગલાં નહિ ભરાય તો આવનાર સમયમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચરાઈ હતી.

નાંદિડા ગામે છેલ્લા કેટલાક સમયથી ભુમાફિયાઓ દ્વારા તળાવ અને કાંસમાં કરાઈ રહેલા ખોદકામને અટકાવવા ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી તળાવ ખોદકામને અટકાવવા તા.૨ એપ્રિલના રોજ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ઘટતી કાર્યવાહી હાથ ના ધરતા નાંદિડાના ગામલોકો ધરણા પર બેસી ગયા હતા.ગેરકાયદેસર રીતે ખૂબ જ ઊંડા ખોદકામથી માનવ તેમજ પશુ પંખીઓના જીવને જોખમની દહેશત વ્યક્ત કરવા સાથે ખેડૂતોની મહામૂલી જમીનનો નાક નકશો બદલાઈ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. વધુમાં ખેતરાળું રસ્તો બંધ થઈ જશે. તળાવને ઊંડું કરવાથી પાળ પર આવેલ કાચા મકાનો, મંદિર અને ઓવારો તેમજ પ્રાથમિક શાળાના અસ્તિત્વ સામે જોખમની આશંકાનો ઉલ્લેખ ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ધરણા પર બેઠેલા લોકોએ તળાવની પાળથી ૧૦૦ મીટર ની જગ્યા છોડી દીધા બાદ તથા ૫ ફૂટથી ઊંડું ખોદકામ ના કરાય તેવી માંગ ઉચ્ચારવામા આવી હતી.જો કે ખેતરમાલિકોની બોગસ સહીઓ કરી ખોટા દસ્તાવેજો અને પંચકયાસ દ્વારા સદર માટીખોદકામ અંગે ખોટી રીતે મેળવાયેલ પરવાનગી અંગેની તપાસ થાય તેવી માંગણી ધરણા પર ઉતરેલા લોકોએ કરી હતી.સદર માંગણીઓ સંદર્ભે તત્કાળ પગલાં નહિ ભરાય તો આવનારા દિવસોમાં વિવિધ જલદ કાર્યક્રમો આપવાની જાહેરાત નાંદિડાના ગામલોકોએ કરી હતી.

ન્યાય ન મળે ત્યાં સુધી આમરણ ઉપવાસ કરીશું :(બળવંતસિંહ પરમાર,ગામ આગ્રણી)

ભરૂચના જીતુભાઇ પટેલ નામના ભુમાફિયા દ્વારા પરમિશન કરતા વધારે તળાવનું ખોદકામ કરાયું છે.ખરેખર ૨૦ હજાર મેટ્રિક ટન ખોદકામની મંજૂરી મળેલ છે.પરંતુ ૪૦ હજાર કરતા વધારે મેટ્રિક ટન માટીનું ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે.સાથેજ પાતાળમાંથી પાણી નીકળી જાય તેટલું ઊંડું ખોદાણ કરાયું છે.તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી હાથ ધરી સદર બાબતે પગલાં નહિ લેવાય તો આવનારા દિવસોમાં આમરણ ઉપવાસનું શસ્ત્ર ઉગામીશુનો રણટંકાર નાંદિડાના બળવંતસિંહ પરમારે કર્યો હતો.

ધરણા પર બેઠેલા લોકોને પોલીસે ઉઠાડી દીધા

નાંદિડા ગામે ચાલી રહેલા ગેરકાયદે અને જોખમી ખોદકામ સામે જંગે ચઢેલા ગ્રામજનોએ તા.૨ એપ્રિલના રોજ ભરૂચ કલેકટરને આવેદન પાઠવી માટીખનન અટકાવવા માંગ કરવામાં આવી હતી. પરંતુ કલેકટરાલય તરફથી કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા નાંદિડાના ગ્રામજનો ધરણા પર બેઠા હતા. જો કે વિના મંજૂરીએ ધરણા કરી રહેલા લોકોને વાગરા પોલીસે ધરણા સમેટી લેવા જણાવાતા ધરણાનો અંત આવી ગયો હતો.

નાંદિડા ગામના લોકો તળાવમાં ભુમાફિયાઓ દ્વારા કરાઈ રહેલા ગેરકાયદે ખોદકામને અટકાવવા ધરણા પર બેઠા હતા.

Next Story