Connect Gujarat
ગુજરાત

નાગપુરમાં એક જ પરિવારનાં 5 સભ્યોની હત્યા, બે બાળકીઓ નો બચાવ

નાગપુરમાં એક જ પરિવારનાં 5 સભ્યોની હત્યા, બે બાળકીઓ નો બચાવ
X

ભાજપનાં કાર્યકર કમલાકર પોહણકરના પરિવારના પાંચ સભ્યોની ક્રૂરતા પૂર્વક હત્યા

મહારાષ્ટ્રનાં નાગપુરમાં આરાધના નગર વિસ્તારમાં પાંચ લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. માત્ર એટલું જ નહીં પણ મહારાષ્ટ્ર સરકરમાં આ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે. પરિવારના પાંચ સભ્યોની થયેલી હત્યામાં બીજેપી કાર્યકર્તા કમલાકર પોહણકરનો પણ સમાવેશ થાય છે. ઘટના રવિવારે મોડી રાત્રો બની હોવાનું અનુમાન સ્થાનિક પોલીસે લગાવ્યું છે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં હોમટાઉન એવા નાગપુરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સામૂહિક હત્યાની ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વિશે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. પરિવારનાં પાંચ લોકોની થયેલી હત્યામાં ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજેપી કાર્યકર કમલાકરની નાની દીકરી અને ભત્રીજી અન્ય રૂમમાં ઉંઘી હોવાથી બન્ને સુરક્ષિત છે. હત્યાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું.

પોલીસ ઘરમાં દાખલ થઈ તો જોયું કે બેડરૂમથી કિચન અને બાથરુમ સુધી લાશો વિખેરાયેલી પડી હતી. પોલીસે આ હત્યાકાંડમાં પરિવારની નજીકના વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી છે. સાથોસાથ ભાજપનાં કાર્યકર્તા હોવાથી પેલીસે રાજકીય શત્રુતાના એંગલથી પણ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ હત્યારા બે કે બેથી વધુ હોઈ શકે છે.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે, કમલાકર તેમની પત્ની અર્ચના, દીકરી વેદાંતી, માતા મીરાબાઈ અને ભત્રીજા કૃષ્ણાની હત્યા કરી દેવામાં આવી છે. કમલાકારની નાની દીકરી મિતાલી અને ભત્રીજી વૈષ્ણવી બીજા રૂમમાં સૂઈ ગઈ હતી જેના કારણે તે બન્ને બચી ગઈ છે. કમલાકરની દીકરી અને ભત્રીજીએ સવારે પડોશીઓને આ ઘટનાની જાણ કરી હતી.

Next Story