Connect Gujarat
સમાચાર

“નાગરિકતા” બિલનો વિરોધ બન્યો હિંસક : “નાગરિકો”ના વેશમાં “તોફાનીઓ”એ ચાંપ્યો શાંતિને પલિતો

“નાગરિકતા” બિલનો વિરોધ બન્યો હિંસક : “નાગરિકો”ના વેશમાં “તોફાનીઓ”એ ચાંપ્યો શાંતિને પલિતો
X

ગુજરાતની સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં શુક્રવારના રોજ શાંતિને તોફાનીઓએ પલિતો ચાંપ્યો હતો. શુક્રવારની નમાઝ બાદ સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતાં પોલીસને નિશાન બનાવી પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

નાગરિક સંશોધન બિલના વિરોધમાં અમદાવાદ બાદ વડોદરામાં તોફાનીઓ તોફાન કરાવવામાં સફળ રહયાં છે. વડોદરામાં શુક્રવારની નમાઝ બાદ લઘુમતી સમાાજના લોકો બિલનો મૌન રીતે વિરોધ કરવા માટે ભેગા થયાં હતાં. તે દરમિયાન અસામાજીક તત્વોએ પોતાનું પોત પ્રકાશ્યું હતું. પોલીસની સાથે રહેલા વીડીયોગ્રાફરો વીડીયોગ્રાફી કરી રહયાં હતાં તે સમયે તોફાની તત્વોએ તેની સાથે ઝગડો કરી વાતાવરણ ડહોળી નાંખ્યું હતું. તોફાનીઓનું પુર્વ આયોજન હોય તેમ અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને તોફાનીઓના ટોળાએ પોલીસના વાહનોને તોડફોડ કરી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના 10થી વધારે સેલ છોડયાં હતાં. ટોળું હિંસક બની જતાં પોલીસને હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.

વડોદરાની ઘટનાના પડધા રાજયના અન્ય શહેરોમાં ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કલમ 37 (3) લાગુ કરી દીધી છે. આ કલમ હેઠળ ચારથી વધારે લોકોના ભેગા થવા ઉપર તેમજ રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ આવી ગયો છે. ભરૂચ, અંકલેશ્વર સહિતના અન્ય શહેરોમાં શાંતિપુર્ણ રીતે વિરોધ કાર્યક્રમ સંપન્ન થયો હતો. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજયની શાંતિપ્રિય પ્રજાને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

Next Story