Connect Gujarat

નિયમિત યોગ કરવાથી થશે ફાયદો, માત્ર 14 વાતોનું રાખવું ધ્યાન

નિયમિત યોગ કરવાથી થશે ફાયદો, માત્ર 14 વાતોનું રાખવું ધ્યાન
X

વિશ્વ યોગ દિવસની જાહેરાત પછી આબાલ વૃધ્ધ સૌ પોતાના સ્વાસ્થ્યને જાળવવા યોગ તરફ વળ્યા છે

આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે આ દિવસને લઈને દેશભરમાં ભારે તૈયારીએ થઈ રહી છે. ભારત ઉપરાંત વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવે છે. આ યોગ દિવસને લઈ વાચકો માટે કેટલીક રસપ્રદ બાબતો અહીં પ્રસ્તુત છે. યોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે આપને જણાવીશું.

જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવ માટે યોગ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. પરંતુ તેને કરતી વખતે કેટલીક સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. હાલમાં યોગ એ ફિટનેસનું સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓ પણ રોજ યોગ કરતાં થઈ ગયા છે. આવા સંજોગોમાં ગમે તેમ યોગ કરવા સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા.

યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડેનું માનીએ તો, યોગના ખરાં લાભ મેળવવા માટે કેટલીક કબાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થવાની શક્યતા રહેલી છે. જેથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે એવી 14 વાતો જેનું યોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એક્સપર્ટની સલાહ લઈને જ યોગ કરવા જોઈએ

કોઈ ચોપડીમાં વાંચીને કે પછી સીડી જોઈને યોગ કરવાથી નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેલી છે. બીજા લોકોને જોઈને પણ યોગ ન કરવા. હંમેશાં એક્સપર્ટની સલાહ લીધા પછી જ યોગ કરવા જોઈએ.

યોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું

જ્યારે પણ યોગ કરો ત્યારે શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી આ સમયે ઠંડુ પાણી પીવાથી શરદી-ખાંસી, એલર્જી, કફ જેવી તકલીફો થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટે યોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.

ભોજન પછી તરત યોગ કરવા નહીં

એક વજ્રાસન જ ભોજન કર્યાના તરત બાદ કરી શકાય છે. આ સિવાય તમામ યોગ અને ભોજન વચ્ચે ઓછામાં ઓછો 4 કલાકનો સમય રાખો. સારાં પરિણામ માટે સવારે ખાલી પેટ યોગ કરો.

બીમારીમાં યોગ કરવા હિતાવહ નથી

કોઈપણ પ્રકારની બીમારી દરમિયાન યોગ કરવાથી દીર રહેવું. જો યોગ કરવા માંગતા હો તો ડોક્ટર કે યોગ એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. તેઓ જે સૂચન કરે તેનું પાલન કરવું.

યોગ કર્યા પછી તરત સ્નાન કરવું નહીં

યોગ કરવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી યોગના એક કલાક બાદ જ સ્નાન કરવું જોઈએ. નહીંતર શરદી-ખાંસી કે પછી શરીરમાં દુઃખાવાની સમસ્યાઓ થઈ શકે છે.

યોગ કરતી વખતે જ્વેલરી ન પહેરો

યોગ કરતી વખતે જ્વેલરી, કડા, હાર વગેરે પહેરવાથી યોગ કરવામાં પરેશાની થઈ શકે છે, તેનાથી વાગી પણ શકે છે.

મુશ્કેલ આસનથી શરૂઆત ન કરો

પહેલાં સરળ અને પછી મુશ્કેલ આસન કરો. શરૂઆતમાં જ મુશ્કેલ આસન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે અને તમે જલ્દી થાકી પણ શકો છો.

યોગ કરતાં પહેલાં શરીરને તૈયાર કરો

યોગ કરતાં પહેલાં થોડું વોર્મઅપ કરો. ત્યારબાદ પ્રાણાયામ અને પછી યોગ કરો. છેલ્લે શવાસન અવશ્ય કરો.

યોગ હમેશાં ખુલ્લા અને સાફ વાતાવરણમાં કરો

યોગ સાફ અને ખુલ્લી જગ્યામાં કરો. પ્રાણાયામ તો હમેશાં ખુલ્લી હવામાં જ કરવા. જેથી તાજી હવા ફેફસાને મળતી રહે.

પીઠ, ઘૂંટણ કે મસલ્સની પ્રોબ્લેમ હોય તો યોગ ન કરો

જો તમને પીઠમાં દર્દ કે માંસપેશીઓ સંબંધી કોઈ તકલીફ હોય તો યોગ કરતાં પહેલાં યોગ એક્સપર્ટની સલાહ જરૂર લો.

ખોટાં યોગ ન કરો

યોગ એક્સપર્ટ દ્વારા બતાવેલા યોગ જ કરો. ખોટાં આસન કરવાથી કમર દર્દ, ઘૂંટણમાં તકલીફ અથવા મસલ્સમાં પેઈન થઈ શકે છે.

આસન પાથરી, કમ્ફર્ટેબલ કપડાં પહેરી કરો યોગ

યોગ સમતળ જમીન પર આસન પાથરીને કરો. સિઝન પ્રમાણે એવા કપડાં પહેરો જે વધુ ટાઈટ કે વધુ પડતાં ઢીલાં ન હોય.

યોગ કરવામાં જોર ન લગાવવું

બધી જ યૌગિક ક્રિયાઓનો અભ્યાસ વિધિસર અને સમયસર મધ્યમ ગતિ અને શારીરિક ક્ષમતા અનુસાર કરો. વધુ પડતું જોર લગાવવું નહીં.

આવા રોગોમાં યોગ ન કરવા

કોઈ ઈજા થઈ હોય, હાર્ટ પ્રોબ્લેમ અથવા અલ્સર જેવા રોગોથી પીડાતી વ્યક્તિએ પાછળ ઝુકવાના અને પેટ અને હાર્ટ પર દબાણ પડે એવા યોગ ન કરવા.

Next Story