Connect Gujarat
બ્લોગ

નિર્ણય

નિર્ણય
X

જેવી ડેલીની સાંકળ ખખડી કે હીંચકા પરથી ઉતરી કેસર દોડતી બારણા તરફ દોડી. બારણું ઉઘાડી બાપાના હાથમાંથી બે મોટા થેલા લઈ લીધા. બાપાએ ચંપલ કાઢી, ભંડકિયામાં મૂકી, કડી વાસી હીંચકા તરફ પ્રયાણ કર્યું. કેસર પાણીનો લોટો ભરીને ઉભી હતી.

“બેટા, હું જયારે બહારથી ઘરે આવું અને તું પાણીનો લોટો ભરીને આપે ત્યારે મને તારામાં તારી મા ના દર્શન થાય છે.” શિવશંકર બોલ્યા. શિવશંકર ગોરે કયારેય પણ યજમાનને દક્ષિણા આટલી થશે એમ કહ્યું ન હતું, કારણ શિવશંકરના પિતા તાપીશંકરે એમને કહ્યુ હતું કે, ગોરપદું એ કાંઈ સસ્તા અનાજની દુકાન નથી કે જેમાં દરેક વસ્તુ પર કિંમત લખવી પડે. સત્યનારાયણની કથા હોય કે રૂપિયો નાળિયેર કે લગ્ન કે ક્રિયાકર્મ પૂરી નિષ્ઠાથી કરાવજે, ધારવા કરતા યજમાન બે પૈસા દક્ષિણા વધારે જ આપશે. કેસર શિવશંકરની એક ની એક પુત્રી. પત્ની ગુજરી ગયાને કેટલા વર્ષો થયા એતો બરાબર યાદ નથી પણ એ દિવસે અગિયારસ હતી. દર વર્ષે શ્રાધ્ધ માસમાં , દસમને દિવસે કેસરને કાલે માલપૂડા, દૂધ પાક અને મેથીના ગોટા બનાવવાનું કહેતા અને બીજા દિવસે કાગવાસ નાખી, ભોજન કરતા, શિવશંકર ઘરમાં પૂજાપાઠ ,હોમહવન કરતા એટલે ચંડીપાઠ, ગીતાના શ્લોકો, દત્તબાવની , હનુમાન ચાલીસા, વારંવાર કેસરના કાને સંભળાતા. તાપીશંકર દાદાના વખતના ધાર્મિક પુસ્તકો એક કબાટ ભરીને હતા. સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાના પુસ્તકોના શીર્ષક કેસર વાંચતી,, રસપડે તો પાના ઉથલાવતી, એમાંથી એને કેટલું ક કંઠસ્થ પણ થયુ હતુ.

ઘડિયાળમાં એક ટકોરો પડ્યો. બાપાએ કેસરને પૂછ્યુ કે બેટા બપોરના દોઢ થયો કે પછી અઢી. કેસર બોલી , “બાપા સાડા ત્રણ થયા. આજે તમને કેટલું મોડું થયુ?” બેટા, શું કરું? બે થેલા હાથમાં લઈને સોસાયટીના નાકે ઊભો રહ્યો, એક પણ ખાલી રિક્ષા જ આવે નહીં આખરે એક રિક્ષા આવી , એમાં કોઈ બેઠું હતું તો પણ મેં બૂમ પાડી. રિક્ષા ઉભી ન રહી ,પણ એજ રિક્ષા ને મેં પાછી ફરતી જોઈ, એ મારી પાસે આવીને ઉભી રહી,એમાંથી બકુલ ઉતર્યો. આપણા પરાગજી બાપુજીનો નાનકો. એ કહે કાકા તમારે ઘરે જવું છે ને મેં કહ્યું “હા”. તમે બેસી જાવ, મારા બે થેલા પણ એણે રિક્ષામાં મુકી આપ્યા. ઘર પાસે ઉતર્યોને મેં રિક્ષા વાળાને પુછ્યું, “ભાઈ કેટલા પૈસા આપવાના"? એ કહે પેલા ભાઈ હતાને તેમણે મને ભાડું આપી દીધુ હતું, “બેટા, પરાગજીએ એના સંતાનોને શી મિલ્કત આપી હશે એની તો ખબર નથી પણ ખોબલે ખોબલા ભરીને સંસ્કાર જરૂર આપ્યા હશે.” શિવશંકર હીંચકા પર આડા પડ્યા. ઘડિયાળમાં પાંચ ટકોરા પડ્યા. બાપા તરફ જોઈ કેસરે વિચાર્યું, આજે બાપા ખરેખર ! થાકી ગયા છે. સવારે ધીરજલાલ શેઠને ત્યાં લક્ષ્મીપૂજન કરાવવા ગયા હતા. કેસરે બન્ને થેલામાંથી પૂજાની વસ્તુઓ બહાર કાઢી. ઘઉં, ચોખા, સોપારી, પાન ,કેળા, સફરજન. સૂકા મેવાનો દડિયો, ઘી-ગોળનો દડિયો, લાલ-સફેદ કાપડાના ટુકડા, બ્લાઉસ પીસ, જે તે યોગ્ય ઠેકાણે મૂક્યું , છ ના ટકોરા પડ્યા. કેસરે હીંચકા પર સુતેલા બાપાને ઢંઢોળ્યા. બાપાના જમણા હાથમાંથી માળા જમીન પર સરી પડી. શિવશંકર કૈલાશધામ પહોંચી ગયા હતા.

ગામના નવનિર્મિત સ્મશાન ગૃહમાં શિવશંકરની ચિતાને કેસરે અગ્નિદાહ આપ્યો. આખું ગામ ડુસકે ચઢ્યું. જોતજોતામાં શિવશંકરનો દેહ પંચ મહાભૂતોમાં વિલિન થઈ ગયો. સ્મશાન નર્મદા કિનારે હતું એટલે અસ્થિવિસર્જન કરી કેસર ડેલીએ આવી. સ્મશાનમાં આવેલ ડાઘુઓના મનમાં એક વાત ચકરાવો લેતી કે જુવાનજોધ કેસર એકલી કેવી રીતે રહેશે?

શિવશંકરની ડેલીની બારશાખ પર ચોકથી લખેલું વાક્ય કેસર રોજ વાંચતી.આ સમય પણ વહી જશે.

શિવશંકરના બેસણામાં કીડાયારૂ ઉભરાયું. ઉતરક્રિયા પત્યા પછી કેસરે બકુલકાકાને સંદેશો મોકલ્યો કે સમય કાઢીને તમે અને ચેતના કાકી ડેલીએ આવજો.

“મેં એવો નિર્ણય લીધો છે કે હું મારા બાપાની યજમાન વૃતિ જાળવી રાખીશ. એકએક યજમાનને રૂબરૂ મળી એમને એટલી ખાતરી આપીશ કે આપને ત્યાં આવતા શુભ અશુભ પ્રસંગે મને બોલાવજો. બાપા જે નિષ્ઠાથી ક્રિયાકર્મ કરાવતા હતા તે બધું જ મેં શીખી લીધું છે.” કેસરે ચેતનાકાકી અને બકુલકાકા પાસે પોતાનો નિર્ણય જાહેર કરતા કહ્યું ચેતનાકાકીએ કેસરને કહ્યું કે આવતા રવિવારે નિધિનું રિઝલ્ટ છે. એ પાસ તો થવાની જ છે, કયો ગ્રેડ આવે છે તે જ જોવાનું છે, એની ખુશાલીમાં અમારા બંગલે સત્યનારાયણની કથા તારે જ વાંચવાની,

ઈતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે, સત્યનારયણ કથાયાં પંચમોધ્યાય:

અચ્યુતમ્ કેશવમ્ રામ નારાયણમ્

કૃષ્ણદામોદરં વાસુદેવં હરિમ્

શ્રીધરં માધવંગોપિકા વલ્લભમ્

શ્રી જાનકી નાયકં રામચંદ્રંભજે.

સત્યનારાયણની કથા પૂરી થઈ. પંચામૃત અને શીરાનો પ્રસાદ વહેંચાયો. કથા પુરી થાય એટલે પાટલે બેસનાર અને યજમાન પરિવાર કથા શ્રવણ કરાવાનાર મહારાજને પગે લાગે અને દક્ષિણા આપે એવી પ્રથા હોય છે. આજે ઉલ્ટું બન્યું કેસર આસન પરથી ઊભી થઈ અને ચેતનાકાકી અને બકુલકાકાને પગે લાગતા બોલી,”મને આશીર્વાદ આપો કે હું મારા નિર્ણયમાં સફળ થાઉં” “અમે તારી સાથે જ છીએ” એમ કહી ચેતનાકાકીએ કેસરના હાથમાં દક્ષિણાનું કવર મૂક્યું

“પપ્પા વસરામ ગોર આવ્યા છે.” નિધિ બોલી. “બેસાડ એમને, પ્રસાદનો દડિયો આપ, હું આવું છું” “બકુલ આટલું બોલી રહે ત્યાં તો વસરામ ગોર સામે આવીને ઊભા અને બોલ્યા.”, “બકુલ, તે આ ખોટુ કર્યુ.હજી તો હું જીવતો છું હરતો ફરતો છું, વર્ષોથી તમારો ગોર છું અને તેં આ નવી નવેલી વ્હેંત જેવડી છોકરી પાસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી. શિવ, શિવ, શિવ. સામે ચાલીને પાપ વહોરી રહ્યો છે. આજે પરાગજી હોત તો ! આ ઘરમાં મારા સિવાય બીજા કોઈએ પગ મુકવાની હિંમત કરી ન હોત !

“ગોર મહારાજ આપ બેસો તો ખરા!” બકુલે બે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું, “ તે તો મારૂ પત્તુ જ કાપી નાખ્યું, ને હવે મને શાંતિથી બેસવા કહે છે અને કયાં છે એ છોરી, બોલાવ એને મારે જ ધમકાવીને કહેવું પડશે.” વસરામ ઉકળ્યા.

ડ્રોઈંગ રૂમના ખૂણામાં ઉભેલી કેસર વસરામ ગોરે કરેલો તમાશો જોઈ રહી હતી. જરા પણ ડર્યા વગર કેસર વસરામ ગોરની સામે આવી ,વાંકા વળીને પગે લાગી અને બોલી , “ હું કેસર, શિવશંકર ત્રિવેદીની દીકરી.” તને કંઈ ભાનબાન છે? તું શું કરી રહી છે? સ્ત્રીઓ યજમાન વૃત્તિ કરી શકે નહિં, જેણે યજ્ઞોપવિત ધારણ કર્યુ હોય તેમને જ યજમાન વૃત્તિ કરવાનો અધિકાર મળે. સ્ત્રીઓને યજ્ઞોપવિત ધારણ કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે. તારાથી જાણ બહાર ભુલ થઈ હોય એવું લાગે છે. બ્રહ્મમુહુર્તમાં પ્રાયશ્ચિત કરી લેજે, નહિં તો નરકમાં જશે અને કાન ખોલીને સાંભળી લે યજમાનવૃત્તિ કરવાનો તારા મગજમાં જે કીડો સળવળ્યો છે ને તેને અબઘડીએ જ પગ તળે કચડી નાંખ” વસરામ ગોર અંદરખાનેથી ગભરાતા હતા પણ બને તેટલા જોરથી ઘાટા પાડીને બોલતા બોલી ગયા. બકુલને લાગ્યુ કે હવે વાત વણસી રહી છે. બે હાથ જોડીને વસરામ ગોર પાસે જઈ એણે કહ્યું, “ગોર મહારાજ આપ અમારા સૌના વડીલ છો. તમે શાંતિથી બેસો, વાત કરો, આ વાતનો કોઈક તો ઉકેલ હશે!” એજ વખતે નિધિ શિરાનો દડિયો લઈને વસરામ ગોર ગુસ્સામાં દડિયાને હાથ મારી ઉછાળ્યો. મારે આ શિરો ખાયને મારો જન્મારો ભ્રષ્ટ નથી કરવો. ઘોર પાપમાં નથી સબડવું હવે બકુલભાઈ અકળાયા.

“શું બોલ્યા તમે? પાપમાં પડવું નથી. અરે! તમે શું? અમને પાપ અને પુણ્યની વ્યાખ્યા સમજાવવાના અને પરાગજી બાપુ હોતતો તમારા સિવાય બીજા કોઈનો પગ પણ આ ઘરમાં પડ્યો ન હોત એવુ બોલ્યાતાને ... મહારાજ મેં મારી પચાસ વર્ષની ઉંમરમાં બાપુજીને કદી પણ સત્યનારાયણની કથા કરાવતા જોયા નથી. તેઓ તો કહેતા સત્ય મારી જીભે છે ને નારાયણ દિલમાં. હા! ક્યાંકથી પ્રસાદનો દડિયો આવે તો પ્રેમથી ખાતા. મને બતાવો કે કયા શાસ્ત્રમાં એવું લખ્યુ છે કે , સ્ત્રીઓથી યજમાનવૃત્તિ ન થાય.” “મારે તમારી જોડે જીભાજોડી કરવી નથી. ઓઈ છોરી , મારું દાપુ મને આપી દે,અને આજ પછી આ ધંધામાં ટાંગ અડાવતી નહિ.” વસરામ તાડૂક્યા. “દાપુ! એ વળી શું? કેસરે પૂછ્યું. “દાપુ એટલે મારા યજમાનને ત્યાં જે તે કોઈ વિધીવિધાન. કર્મકાંડ, કથા વાર્તા કરી અને તને જે દક્ષિણા મળી તેમાંથી અડધી રકમ મને આપવાની. ઘઉં, ચોખા, અબીલ,ગુલાલ, પાન, સોપારી, ફળફળાદિ, વસ્ત્ર ભેટ તારે રાખી લેવાના. એવી આપણામાં રૂઢિગત પરંપરા છે.” વસરામ બોલ્યા “અને હું દાપુ નહિં આપુ તો, તમે પોલીસમાં ફરિયાદ કરશો?, મારી સામે કોર્ટ કેસ કરશો?” કેસર બોલી. “બેશરમ, લાજ વિનાની , તારામાં શરમનો છાંટો પણ નથી બચ્યો કે તું આવું એલફેલ બોલે છે?” વસરામ મહારાજ લાલઘૂમ થઈ ગયા.

“આપની ઉંમર અને વિદ્વતા પર અમને સૈને જે માન હતું તે ભાંગીને ભૂક્કો થઈ ગયું જે ક્ષણે સત્યનારાયણની કથાના પ્રસાદના દડિયાને ઉછાળીને ફેંકી દીધો, મહારાજ આ આપને શોભાસ્પદ નથી. આ એકવીસમી સદી છે. ક્યાં સુધી પોતડી, બંડી પહેરી, લાલઘુમછો ખભે નાખી હાંકે રાખશો? સ્ત્રીસશક્તિકરણનો યુગ આવી ગયો છે હવે તમારે વાણી, વર્તન અને વિચારોમાં બદલાવ લાવવો પડશે. કર્મકાંડ કરવા કરાવવા પર માત્ર પુરૂષોનો જ અધિકાર છે. એ રૂઢિ પરંપરા છોડવી પડશે. તમે જે કરો છો એમાં આજની પેઢીને લગીરે રસ પડતો નથી. અમારા જેવી સ્ત્રીઓ કે જેમને પિયરમાં કે સાસરામાં જે સંસ્કાર મળે છે ને અને તેમાંથી મારા જેવી યજમાનવૃતિ કરવાનું સ્વીકારે છે એમાં ઈશ્વરનું રટણ અને પરિવારનું જતન કરી શકાય છે. આ દુનિયામાં એક પણ વ્યવસાય એવો બતાવો કે જેમાં વ્યક્તિ તમને ચાંલ્લો કરે, ચોખા ચડાવે, પગે લાગે , દાન-દક્ષિણા આપે. જન્મથી મૃત્યુ સુધી ડગલેને પગલે ગોર મહારાજની જરૂર પડે. આવા સત્કાર્યો માટે ગોર મહારાજો મળતાં નથી ત્યારે જે મહિલાઓને આ પવિત્ર કાર્ય કરવું છે, એમનો નિષેધ શા માટે? હું કાંઈ તમારા પેગડામાં પગ ઘાલવાં સામે ચાલીને અહીં સત્યનારાયણની કથા કરવા આવી નથી, ચેતનાકાકી અને બકુલકાકાને મેં યજમાનવૃત્તિ કરવાનો નિર્ણય જણાવ્યો અને એમણે મને બોલાવી. રહ્યો તમારા દાપુનો સવાલ, લો! આ કવર તમે રાખી લો મને આશીર્વાદ આપો કે હું મારા નિર્ણયમાં સફળ બનું.” એક શ્વાસે કેસર બોલી ગઈ.

ઘાણી ફુટે એમ કેસરને બોલતી સાંભળીને વસરામ ગોરને પરસેવો છૂટી ગયો. શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું માફ કરજે દીકરી તે મારી આંખો ખોલી છે. તારા બાપા શિવશંકર નખશિખ ભગવાનના માણસ હતા. મને એની સારપની ઈર્ષ્યા આવતી, આજે ઈર્ષ્યાની આગમાં મારો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો અને હું ન બોલવાનું અને ન કરવાનુ કરી બેઠો. ચાલ ! મને હાથ પકડીને લઈ જા સત્યનારાયણના સ્થાપન પાસે, હું બે હાથ જોડીને માફી માંગી લઉં, નહી તો નરકમાં જઈશ. કેસરે ‘સત્યનારાયણ ભગવાનનો જય હો’ બોલી જયઘોષ કર્યો.

Next Story