Connect Gujarat
ગુજરાત

પંચમહાલ જિલ્લાના યોગ પ્રેમીઓ દ્વારા વિશ્વ યોગ દિવસની તૈયારીરૂપે યોગ નિદર્શનો યોજાયા

પંચમહાલ જિલ્લાના યોગ પ્રેમીઓ દ્વારા વિશ્વ યોગ દિવસની તૈયારીરૂપે યોગ નિદર્શનો યોજાયા
X

જિલ્લાના વિશ્વ વારસા સમા જામી મસ્જિદ, કબૂતર ખાના સહિતના સ્થળોએ યોગાભ્યાસ કર્યો

દેશભરમાં તારીખ ૨૧મી જૂન ૨૦૧૯ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ ભારે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. પંચમહાલ જિલ્લાના યોગ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે સજ્જ થઇ ગયા છે. સમગ્ર જિલ્લામાં ઉજવણીના દિવસે યોગ નિદર્શનમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રિહર્સલનો દૌર ચાલી રહ્યો છે તો કેટલાક સ્થળોએ યોગ પ્રેમીઓ યોગ નિદર્શન કરીને સામાન્ય લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવાનો સંદેશો પહોંચાડી રહ્યા છે. આ જ કેમ્પેઈનના ભાગરૂપે આજે મોરવા, શહેરા, ગોધરા, કાલોલ સહિત તમામ તાલુકાઓમાં અને જિલ્લામાં આવેલ વિશ્વ વારસા સમા જામી મસ્જિદ તેમજ કબૂતર ખાના ખાતે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો.

યોગ દિવસની ઉજવણીમાં વહીવટીતંત્રની સાથે પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ, સ્વામી વિવેકાનંદ મંડળો, બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર સહિતની વીસ જેટલી સંસ્થાઓ ઉત્સાહભેર જોડાઈ છે અને તેમના યોગ નિષ્ણાંતો ઉજવણીમાં સામેલ થનારા પ્રતિભાગીઓને માર્ગદર્શન આપીને તેમના આત્મ વિશ્વાસમાં વધારો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧મી જૂનના રોજ યોગ દિવસની ઉજવણીમાં પંચમહાલ જિલ્લામાં ૧૯૦૦ જેટલાં સ્થળોએ જિલ્લાના ૫ લાખ ૫૦ હજાર જેટલા નાગરિકો અને વિદ્યાર્થીઓ યોગ નિદર્શન કરશે. ગત વર્ષે પણ ૪,૦૦,૦૯૭ વધારે નાગરીકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જિલ્લાના નાગરિકોને યોગ સાધનાની ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.

Next Story