Connect Gujarat
ગુજરાત

પાદરાની ફતેપુરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક કરી રહ્યા છે સુપર ૩૦ના મહાગુરુ જેવું કામ

પાદરાની ફતેપુરા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક કરી રહ્યા છે સુપર ૩૦ના મહાગુરુ જેવું કામ
X

કિશોર સિંહને ઉજળા શિક્ષણ કર્મ માટે પૂ.મોરારી બાપુએ ચિત્રકૂટ એવોર્ડ આપ્યો છે

સાવ સામાન્ય આર્થિક સ્થિતિના ગ્રામીણ પરિવારોના ચીંથરે વીંટયા રતન જેવા વિદ્યાર્થીઓનું હિર પારખીને, તેમને ખૂબ જ ઉચ્ચકક્ષાની અને અત્યંત અઘરી ગણાતી આઇ. આઈ.ટી. ની પરીક્ષા માટે તૈયાર કરવા અને ખાત્રીબદ્ધ સફળતા સાથે પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે બિહારના આનંદકુમારે ખૂબ ખ્યાતિ મેળવી છે અને તેમની આ યશસ્વી કામગીરીનું નિરૂપણ કરતી ફિલ્મ સુપર ૩૦એ પણ દેશમાં ડંકો વગાડ્યો છે.

પ્રાથમિક શિક્ષણના સ્તરે જ આનંદ કુમારના સુપર ૩૦ની યાદ આવી જાય એવું કામ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નાનકડા ગામ ફતેપુરાની પ્રાથમિક શાળાના શિક્ષક કિશોરસિંહ જાલમસિંહ ગોહિલ સાવ મુકપણે કરી રહ્યા છે. આ કામ છે વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણનો લાભ આપતી ભારત સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયની ખૂબ અઘરી ગણાતી પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું. યાદ રહે આ શાળા તેમજ આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં ખૂબ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોના સંતાનો શિક્ષણ મેળવે છે.

આ બાળકોને તેમના પરિવારો આવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરાવવાની કોઈ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા નથી કે તેને માટે વિશેષ શિક્ષણનો ખર્ચ કરવાની તેમની સ્થિતિ નથી.એ સંજોગોમાં કિશોરસિંહ ભાઈએ ગુણવત્તાવાળું પ્રાથમિક શિક્ષણ આપવાની મુખ્ય નૈતિક જવાબદારીની સાથે ઓજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને આ પ્રવેશ પરીક્ષામાં સફળ થવા માટે જરૂરી વિશેષ માર્ગદર્શન આપીને તૈયાર કરવાનું અભિયાન ઉપાડ્યું છે. અને તેમણે આ પ્રવૃત્તિને માત્ર પોતાની શાળા સુધી સીમિત ના રાખતા આસપાસના ધોબીકુંવા, જાસપુર, લખડીકૂઈ, રણું, મહુવડ, ટિમ્બિપુરા, લુણા, મહલી તલાવડી, પાદરા, શેરખી, રાયપુરા અને છાપરિયાપુરા જેવા ગામોની શાળાઓના હોશિયાર વિદ્યાર્થીઓને આ પ્રવેશ પરીક્ષાની વિશિષ્ઠ તૈયારીઓનું શિક્ષણ પોતાની શાળામાં બોલાવીને આપવાનું શરૂ કર્યું જેનું ખૂબ ઉજ્જવળ અને દાખલો બેસે તેવું પરિણામ મળ્યું છે.

કોઈ અપેક્ષા વગરના તેમના આ પરોપકારી ગુરુકાર્યને જ્વલંત સફળતા મળી છે. તેમનો આ સરસ્વતી સાધનાનો કર્મયોગ સામાન્ય પરિવારોના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયની અઘરી પ્રવેશ પરીક્ષાના કોઠા ભેદવામાં સફળતા અપાવી ગયો છે. અત્યાર સુધીમાં તેમની પોતાની ફતેપુરા શાળાના ૧૪ અને આસપાસની શાળાઓના ૧૬ મળીને પ્રાથમિક શિક્ષણના સ્તરે સુપર 30નું બિરુદ આપી શકાય એવા ૩૦ વિદ્યાર્થીઓ જે.એન.વી.માં પ્રવેશને પાત્ર ઠર્યા છે.

બીજી એક નોંધપાત્ર વાત એ છે કે આ ૩૦ સફળ વિદ્યાર્થિઓ મા ૧૦તો દિકરીઓ છે. અને તે પૈકીની ૩ દિકરીઓ એકજ પરિવારની છે. કદાચ પોતાના પરિવારના પીઠબળ થી આ વિદ્યાર્થીઓ શિક્ષણને ઝાઝું આગળ વધારવામાં સફળ ન થાત. પરંતુ જવાહર નવોદય વિદ્યાલયમાં વિના મૂલ્યે મળતી ઉત્તમ શિક્ષણની નિવાસી વ્યવસ્થાઓ આ વિદ્યાર્થીઓની શિક્ષણ યાત્રાને અવશ્ય નવી ઊંચાઈઓ સુધી લઈ જશે.

૧૯૮૬માં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનારા કિશોરસિંહભાઈ ગણિત, વિજ્ઞાન અને હિન્દીના વિષયોમાં સારી પ્રવિણતા ધરાવે છે. તેઓ ગણિતના વિષયની પોતાની પકડ થી બહુધા વિદ્યાર્થીઓ જેના થી ખૂબ ડરે છે, એવા આ વિષયમાં વિદ્યાર્થીઓ નો રસ કેળવી શક્યા છે. તેના પગલે તેમની શાળા અત્યાર સુધીમાં ૧૦ વાર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં, ૧વાર ઝોન કક્ષાના અને ૬ વાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવા સક્ષમ બની છે. તેમણે ૨૦૧૫માં પ્રથમ જિલ્લા કક્ષાના અને તે પછી રાજયકક્ષાના ઇનોવેશન ફેર-અભિનવતા મેળામાં પોતાની કૃતિ રજૂ કરીને પ્રસંશા મેળવી છે. તેમણે ગણિતના વિષયની વિશેષ તાલીમો લીધી છે અને માસ્ટર ટ્રેનર તરીકે સાથી શિક્ષકોને તેની તાલીમ આપી છે.

કિશોરસિંહભાઈ માને છે કે અભ્યાસક્રમ પ્રમાણેનું શિક્ષણ કાર્ય કરવા સુધી શિક્ષકના કર્મયોગનો દાયરો સીમિત નથી. શિક્ષકે વિદ્યાર્થીઓની સાથે સમાજના ઘડતરમાં યોગદાન આપવાનું છે. તેને માટે એ પગાર થી નહીં પણ નૈતિક જવાબદારી થી બંધાયેલો છે. આવું સામાજિક દાયિત્વ તેઓ બેટી બચાવો-બેટી પઢાવો, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ, વ્યસન મુક્તિ, સાક્ષરતા અને અંધશ્રદ્ધા નિવારણની પ્રવૃતિઓ કરીને સુપેરે અદા કરી રહ્યા છે. તેમની આ પ્રવૃત્તિઓની સુખ્યાતી એ તેમને સામાજિક આદરને પાત્ર બનાવ્યા છે. તેમના ગામની આસપાસ ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમની આ કર્મનિષ્ઠા થી પ્રભાવિત થઈને આસપાસના એકમો તેમની શાળાને નાણાકીય મદદ બેઝિઝક આપે છે જેની મદદથી તેઓ વિદ્યાર્થીઓ માટે સોમનાથ,બેટ દ્વારિકા, લોથલ, ધોલેરા, ચોટીલા જેવા ઐતિહાસિક -ધાર્મિક સ્થળોનો અને વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે કરાવી શક્યા છે.

આ કર્મયોગી શિક્ષકની સંનિષ્ઠાની સૌરભ રામાયણના મર્મગ્ય અને વર્તમાન યુગના તુલસીદાસ જેવા પૂજ્ય મોરારીબાપુ સુધી પહોંચી છે અને તાજેતરમાં જ બાપુએ તેમને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કર્યા છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં ગુણવત્તાસભર શિક્ષણની શ્રેષ્ઠ સગવડો ઉપલબ્ધ કરાવી

રહી છે. શિક્ષક તાલીમ શાળાઓમાં મોખરે રહેનારા તેજસ્વી શિક્ષકોની નિમણુંક કરે છે. રાજ્યના અંદાજપત્રમાં શિક્ષણ માટે કોઈ કસરના રહે એવી અને એટલી જોગવાઈ કરે છે. ત્યારે શિક્ષકો માત્ર પાઠ્ય પુસ્તકિયું શિક્ષણ આપીને પગારનું ઋણ અદા.

કર્યાનો સંતોષ ના માણી શકે એવી કિશોરસિંહભાઈ ની ઉમદા લાગણી છે. તેઓ કહે છે શિક્ષકો અંતર્મુખી નહીં બહુમુખી બને તો જ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે એ ખર્ચ એક સારું વળતરયુક્ત મૂડીરોકાણ પુરવાર થઈ શકે.

વિદ્યાર્થીઓ રો મટીરીયલ એટલે કે કાચો માલ છે, અણઘડ પાષાણ છે. રાજ્ય સરકારે આપેલી શિક્ષણની સાધન સુવિધાઓનો ટાંકણા તરીકે વિનિયોગ કરી એમાં થી પ્રાણવાન શિલ્પ કંડારવાનું કામ કિશોરસિંહ જેવા ઉર્જાવાન શિક્ષકો જ કરી શકે છે. અને આ પ્રાણવાન વિદ્યાર્થીઓ જ રાજ્ય, દેશ અને સમાજની તાકાત બને છે. શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓ આપવામાં રાજ્ય સરકાર કોઈ કચાશ રાખતી નથી ત્યારે વિદ્યાર્થીઓમાં ચેતનાના સીંચનમાં આપણે કોઈ કચાશ ના રાખીએ એવો બોધપાઠ પ્રાથમિક શિક્ષણમાં સુપર ૩૦ના ઘડવૈયા આ શિક્ષકના કર્મયોગમાંથી સહુએ લેવો જ રહયો.

Next Story