Connect Gujarat
Featured

પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!

પ્રજાસત્તાક પર્વની શાનદાર તૈયારીઓ, એક તરફ જવાન તો બીજી તરફ કિસાન!
X

રાષ્ટ્રીય પ્રેમની ભાવના સાથે ઉજવાતા રાષ્ટ્રીય પર્વ, ગણતંત્ર દિવસને 24 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે. 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગે દેશ અને રાજ્યમાં વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નમસ્કાર હું, મુશ્તાક રાઠોડ કનેક્ટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. બતાવીશુ કેવી છે તૈયારીઓ કોરોના વચ્ચે ઉજવાય રહેલા રાષ્ટ્રીય પર્વની .. પરંતુ એ પહેલા પ્રજાસત્તાકનું મહત્વ આ રિપોર્ટમાં સમજીએ.

આઝાદી બાદ દેશના સંચાલન માટે ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં આપણા દેશનું બંધારણ લખવામાં અવ્યું હતું. જેને લખવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. આપણું બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશમાં લાગુ થયું અને તેના કારણે જ દર વર્ષે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન. 26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો.

બંધારણ અમલમાં આવ્યા પહેલા જ 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ હતું કારણ કે રાષ્ટ્રને સ્વતંત્ર બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં 1929માં યોજાયું હતું. આમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જો બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી 1930 સુધીમાં ભારતને ઉપનિવેશનું પદ નહીં આપે તો ભારત પોતાને સંપૂર્ણ સ્વતંત્ર બનાવશે. આ બાદ જ્યારે બ્રિટિશ સરકારે કંઇ કર્યું નહીં, ત્યારે કોંગ્રેસે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો નિર્ણય કર્યો.

આ બાદ આઝાદી માટે સક્રિય આંદોલન શરૂ થયું હતું. દર વર્ષે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત માતાના બહાદુર પુત્રોએ તેમની માતૃભૂમિના સન્માન અને સ્વતંત્રતા માટે બધુ બલિદાન આપ્યું હતું. આવા મહાન દેશભક્તોના સમર્પણ અને બલિદાનને લીધે માત્ર આપણો દેશ જ લોકશાહી દેશ બની શક્યો. આપણા દેશમાં બહાદુરીનો ઇતિહાસ દરેક પગલે લખાયેલો છે. ગણતંત્ર દિવસના પ્રસંગે વડા પ્રધાન અમર જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે દેશની આઝાદીમાં બલિદાન આપ્યું હતું. ગણતંત્રની ઉજવણીમાં પરેડ યોજવામાં આવે છે. પરેડમાં વિવિધ રાજ્યોનાં ટેબ્લો પણ પ્રદર્શિત કરાય છે. આ ટેબ્લોમાં દરેક રાજ્યનાં લોકોની વિશેષતા, તેમનાં લોકગીત અને કળાનું દૃશ્યચિત્ર રજૂ કરાય છે. દરેક પ્રદર્શનીમાં ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના દર્શન થાય છે.

દેશમાં પહેલી વાર કોરોના મહામારી અને ખેડૂત આંદોલન વચ્ચે પ્રજાસત્તાક પર્વ ઉજવાઇ રહ્યો છે. અને આ ઉજવણીના ભાગરૂપે રાજધાની દિલ્હીમાં બે પરેડ યોજાશે. એક તરફ રાજપથ પર પરંપરાગત પરેડ તો બીજી તરફ ખેડૂતો ટ્રેક્ટર પરેડ યોજશે. આ પરેડની તૈયારીઓ કેવી છે સૌ પ્રથમ રાજપથ પરના રિહર્સલનો જોઈએ આ રિપોર્ટ...

72 માં પ્રજાસત્તાક દિનની પરેડ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રજાસત્તાક દિને સવારે 9 વાગ્યાથી રાજપથ ખાતે પરેડ શરૂ થશે. સવારે 9.25 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્મારક ખાતે દેશના બહાદુર સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. લગભગ 9.45 વાગ્યે પ્રધાન મંત્રી, સંરક્ષણ મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના વડા રાજપથ પહોંચશે. ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનું ત્યાં સ્વાગત કરવામાં આવશે. રાષ્ટ્રપતિના કાફલામાં વાહનો સાથે સૈન્યના ઘોડા-યોદ્ધાઓ પણ હશે. પ્રજાસત્તાક દિનની પરેડ સવારે 10 કલાકે રાજપથ ખાતે ધ્વજવંદન સાથે પ્રારંભ થશે. રાષ્ટ્રગીત દરમિયાન 21 તોપોની સલામ પણ આપવામાં આવશે.

કોવિડ-પ્રોટોકોલને કારણે, આ વખતે પ્રેક્ષકોની મર્યાદા ઘટાડવામાં આવી છે. આ વર્ષે ફક્ત 25 હજાર લોકોને જોવાની મંજૂરી છે. બેઠક વ્યવસ્થામાં સામાજિક અંતર માટે વિશેષ કાળજી લેવામાં આવશે. સેનિટાઇઝર, માસ્કને એન્ટ્રી-પોઇન્ટ પર મૂકવામાં આવશે.

પરેડની શરૂઆત આકાશમાં એરફોર્સના ચાર મી -17 વી 5 હેલિકોપ્ટરથી થશે. એક હેલિકોપ્ટર પર ત્રિરંગો હશે અને બાકીના ત્રણ પર સૈન્ય, વાયુસેના અને નૌકાદળના ધ્વજ હશે. રાજપથ પર પહેલી ટુકડી પડોશી અને મિત્ર-દેશ બાંગ્લાદેશની હશે. આ વખતે, બાંગ્લાદેશ સૈન્યના 122 સભ્યો ખાસ કરીને પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લઈ રહ્યાં છે, કારણ કે ભારત 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન ઉપર વિજયના 50 વર્ષ પૂર્ણ થવા પર સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરી રહ્યો છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ઝાંકીઓની વાત કરીશું, તો રાજપથ પર કુલ 32 રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયોના ઝાંકીઓ જોવા મળશે. રાજ્યોમાં સૌથી પહેલી ઝાંકી લદ્દાખની છે, જે પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રવેશ કરી રહી છે.

પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે ન વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે.વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે. આ પ્રસંગ દરમિયાન વિદેશી મહેમાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. વર્તમાનમાં પણ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોંસનને આમંત્રણ અપાયું હતું અને તેઓ હાજરી પણ આપવાના હતા. પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી વધી રહેલા સંક્રમણ અને જોખમને લઈને તેમણે ભારત આવવા ટાળ્યું છે. અત્યાર સુધી 1951, 1952, 1953, 1956, 1957, 1959, 1962, 1964, 1966,1967, 1970 ના વર્ષમાં કોઈ વિદેશી મહેમાનો આવ્યા ન હતા. આ વર્ષે 2021માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહેશે નહીં.

આ વર્ષે દિલ્લીમાં માત્ર રાજપથ પર પરેડ જોવા નહીં મળે, દિલ્લીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂતો પણ ટ્રેક્ટર રેલી સ્વરૂપે પરેડ યોજવાની તૈયારી કરી ચૂક્યા છે. પંજાબ, હરિયાણા સહિતના પાડોશી રાજ્યોમાંથી સેંકડો ખેડૂતો ટ્રેકટર લઈને પહોંચી ચૂક્યા છે. જે આંદોલન સાથે ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થશે.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ કરી રહેલા ખેડૂતો ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર રેલી યોજવા જઇરહ્યા છે. આ રેલીમાં જોડાવા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન સહિત દેશના અન્ય પ્રાંતોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પહોંચી ચૂક્યા છે. દિલ્હી બોર્ડર પરના ખેડૂતોએ તૈયારીઓમાં જોર પકડ્યું છે. સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ચીલા બોર્ડર પર ટ્રેકટરોની સંખ્યા વધવા માંડી છે. પંજાબમાં વેપારીઓએ મંડીઓને બંધ રાખીને ખેડૂતોને ટેકો આપ્યો છે. આ આંદોલનમાં જોડાવા માટે નાના શહેરો અને ગામોના ખેડુતો દિલ્હી બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે.ટ્રેક્ટર પરેડને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ટ્રેકટરમાં ઈંધણ ભરવા સહિત રેલીમાં બતાવવામાં આવનાર કરતબોની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે માત્ર થોડા જ કલાકો બાકી રહી ગયા છે.

દિલ્લીમાં પ્રથમ વખત ઐતિહાસિક નજારો જોવા મળશે... જ્યાં એક તરફ જવાન હશે તો બીજી તરફ કિસાન.એક તરફ જવાનો આસમાનમાં તેમની સાહસિકતા પ્રદર્શિત કરશે તો બીજી તરફ કિસાનો જમીન પર ટ્રેક્ટર દ્વારા કરતબો બતાવી પોતાના હક્ક માટે શક્તિ પ્રદર્શન કરશે ત્યારે આ વખતનું પ્રજાસત્તાક પર્વ ઈતિહાસમાં અંકિત થશે ..આવી જ રસપ્રદ બાબતો જાણવા જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે

Next Story