Connect Gujarat
દેશ

પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા

પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા
X

ગોવામાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી મનોહર પારિકરને અશ્રુભરી અંતિમ વિદાય આપવાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય સંકટ વધુ ઘેરું ન બને તેનું ધ્યાન રાખીને તાત્કાલિક નવા મુખ્યમંત્રીની નિમણુક કરી દીધી છે. ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીઓ તરીકે ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા વિજય સરદેસાઈ અને મહારાષ્ટ્ર ગોમાંતકવાદી પાર્ટી(એમજીપી)ના ધારાસભ્ય સુદિન ધવલિકરની પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે ૪૦ સભ્યોની વિધાનસભામાં સૌથી વધુ ૧૪ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલ મૃદુલા સિંહા સમક્ષ સરકારની રચના માટે સોમવારે પણ રજૂઆત કરી હતી. પારિકરના અવસાન સાથે ગોવા ધારાસભામાં ભાજપ પાસે ફક્ત ૧૨ સભ્યો રહ્યા છે અને ગૃહનું કુલ સંખ્યાબળ ઘટીને ૩૬ થઈ ગયું છે. થોડા વખત પહેલાં ભાજપના નાયબ મુખ્યમંત્રી ફ્રાન્સિસ ડિ’સોઝાનું અવસાન થયું હતું.

સાથીપક્ષો સાથે ભાજપને થયેલા સમાધાન પ્રમાણે વિધાનસભામાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. સાથીપક્ષો સાથે છેલ્લાં બે દિવસથી ચાલી રહેલી લાંબી વાટાઘાટો પછી ભાજપ અંતે, સોમવારે સાંજે સમાધાનની ફોર્મ્યુલા ઘડવામાં સફળ રહ્યો હતો અને તેણે નાયબ મુખ્યમંત્રી અંગેની તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી.

Next Story