Connect Gujarat
ગુજરાત

પ્રાથમિક શાળાઓમાં 6-7 નાં વર્ગો બંધ કરવાના પરિપત્ર સામે હાંસોટ તાલુકા શિક્ષક સંઘે ઉઠાવ્યો વાંધો

પ્રાથમિક શાળાઓમાં 6-7 નાં વર્ગો બંધ કરવાના પરિપત્ર સામે હાંસોટ તાલુકા શિક્ષક સંઘે ઉઠાવ્યો વાંધો
X

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા ભરૂચ પહોંચ્યા શિક્ષકો

ભરૂચ જિલ્લાની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6-7 માં 17 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓનાં વર્ગો બંધ કરી અન્ય શાળઆોમાં મર્જ કરવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનાં તારીખ વગરનાં પરિપત્ર સામે શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં સૌથી વધુ અસર હાંસોટ તાલુકાનાં શિક્ષકો અને શાળાઓને થવાની હોવાથી આજે તે સંદર્ભે રજૂઆત કરવા માટે હાંસોટ તાલુકા શિક્ષક સંઘનાં સભ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા.

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગત એપ્રિલ મહિનામાં એક પરિપત્ર જારી કરી આરટીઈ એક્ટ અંતર્ગત જે શાળાઓમાં ધોરણ 6-7માં 17 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાનાં વર્ગો બંધ કરવા જણાવ્યું હતું. બાદમાં મે મહિનામાં ફરિથી બીજો પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. પરંતુ બન્ને પરિવત્ર વચ્ચે કેટલીક વિસંગતતાઓ જોવા મળી હતી. જેમાં શાળાનાં વર્ગો બંધ કરવાથી શિક્ષકોની વધનો પ્રશ્ન ઉપસ્થિત થવાની સાથે વિદ્યાર્થીઓનાં ભાવિ ઉપર પણ મોટો સવાલ ઉપસ્થિત થાય તેમ છે. કારણકે હાંસોટ તાલુકાની જે શાળાઓમાં વર્ગો બંધ કરવાની વાત આવે છે તેવા તમામ ગામોનાં 90 ટકા વિદ્યાર્થીઓ બીપીએલ કુટુંબોમાંથી આવતા હોવાથી અન્ય ગામો સુધી અપ-ડાઉન કરીને અભ્યાસ કરી શકે તેમ નથી. તેથી ડ્રોપઆઉટ રેશિયો વધવાની પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

હાંસોટ તાલુકાનાં શિક્ષક સંઘનાં સભ્યો આ બાબતને લઈને આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી તમામ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે માત્ર હાંસોટ તાલુકાનાં શિક્ષકોને આરટીઈની અમલવારીના ઓથા હેઠળ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જેથી તેમની માંગણી છે કે શાળાના વર્ગો બંધ નહીં કરવામાં આવે. જો વર્ગો બંધ કરવામાં આવશે તો ગામડાનાં વિદ્યાર્થીઓનાં ભાવિ શિક્ષણમાં અંધકાર ફેલાશે તેવું નિશ્ચિત હોવાનો ઉલ્લેખ કર્યો છે.

Next Story