Connect Gujarat
ગુજરાત

ફાકી-તમાકુનું સેવન યુવાનોને બનાવી રહ્યું છે નપુંસક

ફાકી-તમાકુનું સેવન યુવાનોને બનાવી રહ્યું છે નપુંસક
X

કેન્સરની બીક ન હોવાની શેખી મારનારા નિ:સંતાનપણાથી રિબાય છે

રાજકોટની ઘણી વસ્તુઓ વખણાય છે, તેમાં ‘માવો- મસાલો’ કે પછી ‘ફાકી’ના નામનું અનિષ્ટ પણ આવી જાય. તમાકું, ચૂનો, સોપારીના ઝેરી મિશ્રણ વેચવાનો ધંધો શહેરના ખૂણે ખૂણામાં ચાલી રહ્યો છે. સિગારેટ અને તમાકુના પેકેટ પર કેન્સરગ્રસ્ત દર્દીઓના વિચલિત કરી દે તેવા ફોટા હોય છે છતાં તેની કોઇ અસર યુવાનો પર પડતી નથી. તમાકુથી થતા કેન્સરની કોઇને પણ બીક નથી. તમાકુની એક બીજી અસર ઘણા યુવાનો અનુભવે છે, પણ તેઓ આ બાબતથી સાવ અજાણ હોય છે.

રાજકોટમાં મેલ ઈન્ફર્ટિલિટી એટલે કે નપુંસકતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ કેસોમાં 70 ટકા તો માત્રને માત્ર તમાકુને લીધે થાય છે તેવુ સ્પષ્ટપણે તબીબો જણાવે છે. સંતતિ પ્રાપ્ત ન થાય અને પછી કારણો જાણવા હોસ્પિટલના ધક્કા થાય છે ત્યારે યુવાનોને તેમની ભૂલ સમજાય છે. ફાકીની આ કુટેવને કારણે અનેક યુવાનોમાં રહેતો ધાતુ નાશ પામી રહ્યો છે. મોતથી ન બીવાની શેખી મારતા યુવાનો હોંશે હોંશે તમાકુ ખાય છે પછી જ્યારે નિ:સંતાનપણાથી ઝઝૂમે ત્યારે તેમને ભૂલનો પસ્તાવો થાય છે.

PDUમાં ચાલે છે વ્યસન મુક્તિ કેન્દ્ર, 322 વ્યસનીઓમાંથી માત્ર 8ની સતત કાઉન્સેલિંગથી આદત છૂટી

સિવિલ હોસ્પિટલમાં રૂમ નં. 23 cમાં વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્યાં તમાકુના સેવનથી કંટાળી 322 લોકો આવ્યા છે. તેમનું સતત કાઉન્સેલિંગ થઈ રહ્યું છે આમ છતાં માત્ર 8 લોકો વ્યસનમુક્ત થયાં છે. જેના પરથી સ્પષ્ટ થાય કે તમાકુની આદત કેટલી હદ સુધી વળગી જાય છે. આદત છોડવા માટે 10થી 25 વર્ષ સુધીના 37, 26થી 35ના 83, 36થી 45 વર્ષના 73 તેમજ 45થી 55 વર્ષના 24 પુરુષો આવી રહ્યા છે. મહિલા વ્યસનીઓની સંખ્યા 13 છે.

શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા ઘટી જાય છે

તમાકુ માનવ શરીર માટે ઝેર સમાન છે. - ડો. સંજય દેસાઇ, એમ.ડી ગાયનેક અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ

કેન્સર સિવાયની બીજી અસરોમાં નપુંસકતા ખાસ આવે છે. તમાકુમાં રહેલા નિકોટીનને લીધે વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે અને જેટલા શુક્રાણુ વધે તેની પણ કાર્યક્ષમતા ઓછી થઇ જાય છે. બહેનોમાં નિકોટીનને લીધે ગર્ભને પોષણ આપવાની તાકાત ઘટી જાય છે જેથી પ્રેગનન્સી રહેતી નથી. વંધ્યત્વના ઘણા કારણો છે તેમાં તમાકુનું સેવન ખાસ હોય છે. રાજકોટમાં જેટલા નિ:સંતાન દંપતીઓ સંતાન સુખ માટે આવે છે તેમાંથી 70 ટકા કરતા પણ વધુ તમાકુનું સેવન કરતા હોય છે.

Next Story