Connect Gujarat
બ્લોગ

"બાળકો દૂર ગયાં? ચલો ગુનગુનાતે હૈ : दो दीवाने शहर में....इक आशियाना ढूँढते हैं"

બાળકો દૂર ગયાં? ચલો ગુનગુનાતે હૈ : दो दीवाने शहर में....इक आशियाना ढूँढते हैं
X

जब तारे ज़मीं पर चलते हैं

आकाश ज़मीं हो जाता है

उस रात नहीं फिर घर जाता,

वो चांद यहीं सो जाता है

पल भर के लिये इन आँखों में

हम एक ज़माना ढूंढते हैं,

ढूंढते हैं आबोदाना ढूंढते हैं...

दो दीवाने शहर में...

रात में और दोपहर में

आब-ओ-दाना ढूँढते हैं

इक आशियाना ढूँढते हैं....

મૌસમ છે, ઘરના બાળકોનું વિદેશ જવાનું કે શહેર બહાર જવાનો સમય...શહેર બહાર નોકરી કરવા કે અભ્યાસ કરવા જવા માટે નો સમય. એરપોર્ટ પરથી જતી ફ્લાઇટ તો જાણે યુવાન કોલેજિયન થઈ ગઇ હોય...પણ એ ફ્લાઈટમાં બાળકોને છોડીને આવતાં પેરેન્ટ્સ અચાનક કશુંક ગુમાવ્યા સાથે બાળકોને ઉજ્જવળ ભાવિ થશે એ બંને ભાવ અનુભવે છે....જૂની વાર્તામાં વેકેશનમાં ઘર ખાલી થતાં બા ઉંબરે બેસી જાય છે, બસ આ જ....ગુમાવ્યા અને મેળવ્યાનો દ્વંદ્વ એકસાથે....

સાંજ પડે એટલે સમય કેવી રીતે પસાર કરવો, એ ઘણાં વયસ્ક દંપતિઓનો સવાલ હોય છે. અચાનક દુનિયા ખાલી થઈ ગઈ હોય એવું લાગે છે. શહેરમાં મોડી સાંજે ફરતી જાણે દર બીજી ગાડીમાં જતું વયસ્ક દંપતિ જોઈ લો..... નવી જનરેશનનો સાથ ગુમાવવા સાથે તેમના બહેતર ભવિષ્ય આપ્યાનો આનંદ સાથે

જીવનનું બીજું હનીમૂન શરૂ થાય છે. યુવાનીમાં એક હનીમૂન તો લગ્ન બાદ વડીલોની હાજરીમાં મનથી ઉજવેલું.... નવી જનરેશન આગમન સાથે ધીમે ધીમે વડીલો ઘટવા લાગ્યા અથવા ઘરના ખૂણામાં સમાવા લાગ્યાં. જિંદગીની ખરી મજા હવે હતી, ચાલીસ પિસ્તાલીસ ઉંમરે થોડું બેલેન્સ છે, ફરવું છે...ગાડી છે, હોટલમાં પેટભરીને જમવાની કેપેસીટી છે. પણ જેની સાથે ફરવું છે, એ જનરેશન તો નથી. એ જનરેશન તેમની કરિયર બનાવવા કે અભ્યાસ માટે ઘરબહાર છે, જે પંખીડાં હવે માળામાં આવવાના નથી....

અહીંના માળામાં રહ્યા છે એમના માટે જીવનમાં બીજા હનીમૂનનો તબક્કો શરૂ થયો. એકલા એકલા દો દિવાને ફરજિયાત રાત પડેને શહેરમાં આંટો મારવા નીકળે ને....દો દિવાને શહરમેં રાત મેં ઔર દોપહરમેં, આબ ઓ દાના ઢૂંઢતે હૈ....ઇક આશિયાના ઢૂંઢતે હૈ...

કોરી એકલતા વચ્ચે જિંદગી માણી લેવાનો દ્વંદ્વ.....બીજું સમયની એકલતા સાથે ફરજિયાત હનીમૂન. આમ તો છે મજાનો સમય છે.... બાકી રહી ગયેલા શોખ પૂરો કરવાનો સમય...મનગમતી પ્રવૃત્તિ કરો, ફિલ્મો જુઓ, દોસ્તો સાથે મજા માણો, બીજાના બાળકોને વિદેશ કેવી રીતે મોકલી શકાય તે માટે વણમાગી સલાહ આપવાનો સમય....સંબંધીઓની પંચાત કરવાનો સમય, સમાજમાં આગેવાન બનવાના રહી ગયેલા કીડાને ઉછેરવાનો સમય...ખાઉં પીવું અને રખડવું.... યહી તો દો દિવાને...પણ પછી...

ઘરે આવીને એ જ મોબાઈલના સ્ક્રીનનો સહારો. સ્કાઇપ કરો અને પહેલો સવાલ એક જ હોય કે આજે શું ખાધું?..મૂળ તો ગુજરાતી જ ને? કશું પણ ભૂખ્યા પેટે હજમ જ ન થાય.... બે ચાર વાતો સાથે સલાહ આપવા તો જોઈએ, તમારી સલાહ ન ગમે તો સામે સ્કાઇપ બંધ....બે દિવસના રિસામણા અને મનામણાં....વળી હવે એ ચર્ચા નહીં કરીએ એની પ્રોમિસ... પણ વચનમ કિમ દરિદ્રતા.... પાછું એ જ .... એ જ વિવાદમાં પત્ની પણ ઠપકો આપે છે કે હવે તો સુધરો....તમારામાં તમારી માતાનો જ વારસો છે, સાસુની ગેરહાજરી તમારે લીધે લાગતી જ નથી. કચકચ કરવાનો સ્વભાવ બદલો.....હશે, દૂર ગયેલા બાળકો છે...વાદ છે, વિવાદ છે અને વિયોગ પણ છે....છતાં મજા છે.... અબોલા થાય છે તો વાત કરીને આટલી સ્પષ્ટતા તો કરી જ દઇશ... આખરે બાળક તો તમારું જ ને? તમારો ઇગો તમારા બાળકમાં હોય જ ને?...છેલ્લા દાયકામાં નવા પ્રકારની સમસ્યા છે, આમેય આપણે ગુજરાતી ભાવનાત્મક પ્રજા...વહી જવામાં કોમ્યુનિકેશન વિષયમાં થોડા નબળા... હશે...

આજે તો એકલા છીએ અને રખડવા જવું છે, મિત્રોને મળવું છે...ફાલતું જોક પર છાતી દુખે એટલું હસવું છે. નવી અને રહી ગયેલી જગા ફરવાના પ્રોગ્રામ કરવા છે, હવે ક્યાં બાળકોનો સમય સાચવવાનો છે?....ચાલો, ફરી સાંજે જલદી જલદી જમીને રખડવા નીકળી પડીએ. તમે ઘર તરફ ગાડી લઇને નીકળી પડ્યા છો. બહાર ઝરમર ઝરમર વરસાદ પડે છે, અંદર રોમેન્ટિક સોંગ વાગે છે.....ઘર પાસે મસ્ત મૂડમાં વળી રહ્યા છો. વળતી વેળાએ સિગ્નલ આપવાનું ભૂલી ગયાં છો અને અચાનક બાઇક સવાર જોરથી બૂમ પાડે છે....અંકલ, જોઇને તો ચલાવો. ગાડી ચલાવતા ન આવડતું હોય તો બહાર શું કામ નીકળો છો.....તમને અચાનક યાદ આવે છે, જ્યારે તમારું બાળક ગાડી ચલાવતું હતું ત્યારે તમે સતત સલાહો આપતાં હતાં. જો જો, બમ્પ નથી દેખાતો? આવી ગાડી ચલાવાય?....જરા ગંભીર થા....સિગ્નલ જોવાની આદત પાડ...

આ બાઇકસવાર મને ખખડાવી ગયો?....એને શું ખબર મારામાં કેટલો દમ છે?....આ દેખે જરા, કીસમેં કીતના હૈ દમ કે દમ મારો દમ વગાડ એટલે ખબર પડે કે થાક્યા વગર કોણ નાચી શકે છે? એની વે, જવાનીના જુસ્સા સાથે ઘરમાં પ્રવેશ કરો છો, ને ધર્મપત્ની કહે છે કે હવે ઉંમર થઈ, થાક ખૂબ લાગે છે....પત્નીને લેટ નાઇટ શોમાં સેક્સી કોમેડી વીરા દી શાદી જોવા તૈયાર કરો છો, ખબર પણ છે કે એ ફિલ્મમાં ઉંઘી જ જવાની છે, પણ યે જવાની કો ચેલેન્જ?...તમે ટિકીટ લેવા ઉભા છે ને પેલી ચુલબુલી તમને કહે છે, કોર્નર પર ચાલશે....ઓહથી આહ બોલવા જોવ છો ને પેલી પાછી કહે છે કે....અંકલ ચેન્જ છે?.... તારી ભલી થાય....

તારા વિખરાયા વાળને સમાર નહીં

સહેજ મને જોવા દે થાક આ સવારનો

સૂરજનું રૂપ ઓર નીખરે છે, દેખ એનો

ચહેરો વાદળની આરપારનો.

સાંજના જે કોરો હતો શેઢો સવારે

જેમ લીલા અંગરખાને પહેરે !

વરસાદી નેહ આખી રાત ઝીલી લીધો,

એની ભીની સુવાસ હજી ચહેરે,

આવનારી ભરતીનો કેફ એમાં છલકે છે,

હોયને ભલે આ સમો ઝારનો…

આખી રાત હેત તણા પડદા વચાળે

થયું મોસૂંઝણું સૂતરનો ધાગો,

મટકું માર્યું ન સારી રાત છતાં અડકીને

કિરણો કહે છે હવે જાગો,

સાવ રે સપૂચા જિતાઈ,

જાંણીજોઈ

ખેલી જુઓને દાવ હારનો….

– હરીન્દ્ર દવે

Next Story