Connect Gujarat
બ્લોગ

બીજી માં : સિનેમા

બીજી માં : સિનેમા
X

હમ તો ખાનદાની ગરીબ હૈ :

હિન્દી મિડિયમ

ફિલ્મ જે ભાષામાં બની હોય, એ ભાષા જે રાજ્યમાં બોલાતી હોય, હિમાલય જેટલી ભારેખમ વાત, સંદેશને હળવોફૂલ બનાવી હાસ્ય, વેધક કટાક્ષ સાથે ફિલ્મના પડદે રજૂ કેવી રીતે થાય એ જોવા, શીખવા, માણવા, મરક મરક નહી ખડખડાટ હસવું હોય તો ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ જોવી જ પડે. પહેલા દિવસથી ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે કરમુક્ત કરીને શિક્ષણની જે ઘોર ખોદાય ગઈ છે, એમાં મનોરંજન ક્ષેત્રે થોડા ઘણા આશાના કિરણ બચ્યા છે એવું સાબિત કરવાનો ગણત્રીપૂર્વકનો પ્રયાસ છે. જેને બિરદાવવો જ પડે. ત્રણ તાળીનું માન આપવું જ ઘટે.

મલયાલમ ફિલ્મ ‘સોલ્ટ મેંગો ટ્રી’ બની, બંગાળી ફિલ્મ ‘રામઘેનું’ બની એની આ રીમેક છે. રૂપિયા 15 કરોડના બજેટમાં બનેલી હિન્દી મિડિયમના દિગ્દર્શક છે : સાકેટ ચૌધરી, દિનેશ વિજય, કીશનકુમાર અને ભૂષણકુમાર પ્રોડ્યુસર છે. ઝીનત લાખાણી અને સાકેટ ચૌધરી સ્ટોરી રાઈટર અને સ્ક્રીનપ્લેયર છે. એ. સરકાર પ્રસાદનું લાજવાબ એડીટીંગ છે. ટી-સીરીઝ અને મેડોક ફિલ્મ પ્રોડકશન કું.ને ભેટ છે. ૧૩૩ મિનિટની ફિલ્મમાં ૧૩૩ વાર મગજના જ્ઞાનતંતુઓ જાગૃત થઈને દર્શકોને વારંવાર યાદ દેવાડે છે, અંગ્રેજી મિડિયમનો મોહભંગ કરો, રાષ્ટ્રભાષા હિન્દીને પુનઃ જીવિત કરો. પહેલા દિવસે ૧૨.૫૬ કરોડનું બોક્ષ ઓફિસ કલેક્શન તા.૧૯ મી મે, ૨૦૧૭ ની રાતે થયું હતું.

દિલ્હી ચાંદની ચોકમાં એક લેડીઝ ટેલર. એના ગ્રાહકની દીકરી મીતા (સબા ક્યુમર: પાકિસ્તાની અભિનેત્રી) ના પ્રેમમાં પડે. રાજ બત્રા (ઇરફાન ખાન) બન્ને સરકારી હિન્દી મિડિયમમાં સાથે ભણેલા. એમની દીકરી પ્રિયાને ઓનલુકર મેગેઝીનના સર્વે પ્રમાણે દિલ્હીની ટોપ પાંચ સ્કુલમાં ભણાવવી એવા બત્રા દંપતીના સપના સાથે ફિલ્મની શરૂઆત થાય. પપ્પા રાજ બત્રા કરતા મમ્મી મીતાનું અંગ્રેજી ચઢિયાતું. પપ્પા જે શબ્દ અંગ્રેજીમાં બોલે, મમ્મી તરત જ એનો સ્પેલિંગ આવડે છે એમ પૂછે? અને પપ્પાનો જવાબ દર વખતે રમૂજ પેદા કરે. મમ્મી ધાણી ફૂટે એમ ટેન્શનયુક્ત બોલે અને છેલ્લું વાક્ય તકિયા કલામ આવે : અને પછી આપણી દીકરી પ્રિયા ડિપ્રેશનમાં આવીને ડ્રગ્સના રવાડે ચઢી જશે તો?

દિલ્હીની શ્રેષ્ઠ સ્કૂલ ‘પ્રકૃતિ’ માં પ્રવેશ એને જ મળે જેનું ઘર સ્કૂલથી ૩ કિ.મી.ના અંતરે હોય. દીકરીની ઉચ્ચ કારકિર્દી માટે ચાંદની ચોક છોડી, નવા ઘરમાં ભારે હ્રદયે રાજ બત્રા પત્નીની જીદ સંતોષવા જાય. પ્રવેશ માટે વાલીનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે એટલે ટ્યુટર રાખે, છતાં ઇન્ટરવ્યુમાં નબળો દેખાવ થતા પ્રવેશથી વંચિત રહે.પત્ની નાસીપાસ થાય, પતિ એને ચાંદની ચોકમાં મીઠુના હુલામણા નામે બોલાવતો તે હાઈ-સોસાયટીમાં રોફ જમાવવા, દંભી શ્રીમંતો સાથે એડજસ્ટ થવા માટે ‘હની’ કહેતો થાય. રાજ બત્રા એના વિસ્તારના રાજકીય નેતાને મળે - પ્રિન્સીપાલને ડોનેશનના નામે લાંચ આપવા જાય, બધે જ થી કારમી નિષ્ફળતા મળે. ઘરે આવે ત્યારે એની દુકાન જે હવે રેડીમેઈડ ગારમેન્ટ શોપ થઇ ગઈ હતી. એનો નોકર મીઠાઈનું બોક્ષ લઈને સાહેબના ઘરે આવે, કારણ એના પુત્રને ‘પ્રકૃતિ’ સ્કુલમાં એડમિશન મળી ગયું હતું. એડમિશન રાઈટ ટુ એડમિશન (આર.ટી.આઈ.) કવોટાના કારણે મળેલું. રાજ બત્રા જે ઓછું અંગ્રેજી જાણનારો શ્રીમંત હતો તે દીકરી પ્રિયાના પ્રકૃતિ સ્કુલના પ્રવેશ માટે પત્નીની એકમાત્ર ઈચ્છા પૂરી કરવા ગરીબ બનવાનું પસંદ કરે, મધ્યાંતર.

હે ! મારા બ્લોગના માનવંતા વાચક, બ્લોગમાં શબ્દમર્યાદા ત્રણસોથી પાંચસો શબ્દો હોય છે. આપને જો ખરેખર મધ્યાંતર સુધી ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ વિષે વાંચવામાં રસ પડ્યો હોય તો રૂ.એકસોને એકત્રીસ ખર્ચી નાંખો. પૈસા વસૂલ થશે એની ઋષિ દવે ખાતરી આપે છે. છેલ્લે બેક ટાઈટલમાં પાત્રવરણી વાંચી લેશો. શ્યામ પ્રકાશનું પાત્ર આપને ગમશે. તુલસી ગમશે. એમના મૂળનામ જાણી જોઇને લખતો નથી. “હમ તો ખાનદાની ગરીબ હૈ” કેટલું વેધક બ્લોગનું ટાઈટલ છે, એ શ્યામ પ્રકાશના મુખેથી બોલાયેલા વાક્યોમાંનું એક છે. કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. હવે તો ઓનલાઈન ટીકિટ બુક થઇ શકે. પરિવાર અને મિત્રો સાથે જજો. ડોન્ટ મીસ ‘હિન્દી મિડિયમ’.

Next Story