Connect Gujarat
બ્લોગ

બીજી મા : સિનેમા, "શશિકપૂર એક ઉત્સવ"

બીજી મા : સિનેમા, શશિકપૂર એક ઉત્સવ
X

સર્વ ભાષાની જનની સંસ્કૃત છે. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ કહેલું, “સંસ્કૃતનો ત્યાગ એટલે સંસ્કારનો ત્યાગ”. આજે સંસ્કૃત ક્યાં છે ? ગરવી ગુજરાતમાં શાળાકીય અને કોલેજ માંથી એનો છેદ ઉડી રહ્યો. સંલગ્ન પાઠશાળાઓમાં સંસ્કૃતનો વિધિવતનો અભ્યાસ ચાલી રહ્યો છે. ઋષિકુમારો સંસ્કૃતમાં Åલોકોનું પઠન અને ગાન કેવી રીતે કરવું એ ગુરુજીઓ કે જેઓ મહાવિદ્યાલયે નક્કી કરેલા માપદંડ અને કક્ષા પ્રમાણે ક્વોલિફાઈડ છે. વેદોક્ત અભ્યાસ કરી આ ઋષિકુમારો શિક્ષક થી માંડી પ્રધ્યાપક અને આચાર્ય બની શકે છે. યજમાનવૃત્તિ કરી બે પૈસે પરિવારને બીજાને સુખી કરે છે. હવે સત્યનારાયણની કથામાં આવતો “એક ગરીબ બ્રાહ્મણ હતો” આ વાક્ય વર્તમાન બ્રાહ્મણો માટે દંતકથા બની રહ્યો છે.

સંસ્કૃતની ભાષાની દિશા અને દશા માટે આટલી પ્રસ્તાવના લખવાનું કારણ શશિકપૂર છે. શશિ પૃથવીરાજ કપૂર, વિચાર કરો હિન્દી ફિલ્મ સર્જકોમાં કોઈનામાં એટલી હિમ્મત ન હતી કે નાટ્યલેખક શુદ્રકના ક્લાસિક નાટક મૃચ્છકટિકમ (સોનાનું ગાડું) પરથી ફિલ્મ બનાવે. શશિકપૂરે આ બીડુ ઝડપેલું ફિલ્મને નામ આપ્યું “ઉત્સવ”. રેખાજીએ એમાં વસંતસેના પાત્ર ભજવી એવૉર્ડ મેળવેલો. “ઉત્સવ”માં વિલનનું પાત્ર સંસ્થાનક શશિકપૂરે ભજવેલું.

શશિકપૂરે એક ઈન્ટરવ્યુમાં કહેલું કે ફિલ્મ મનોરંજનનું માધ્યમ છે. આ લાઈનમાં અઢળક પૈસો, દર્શકો હિરો હિરોઈનને ભગવાન માનવા લાગે એટલી તાકાત છે. આમ છતાં વિશ્વ સાહિત્યમાં જે કૃતિઓમાં દમ છે, વજન છે તેને રૂપેરી પડદે લાવવાની જવાબદારી ફિલમ સર્જકોની છે. ગાંઠનું ગોપીચંદન કરીને પણ ફિલ્મોની કમાણી માંથી થોડાક રૂપિયા એવી ફિલ્મો બનાવવા પાછળ ખર્ચવા જોઈએ કે બોલીવુડ એના પર ગર્વ લઈ શકે. પેઢી દર પેઢીએ જુએ તો ક્લાસિક ફિલ્મ કોને કહેવાય ? એની ખબર પડે. શશિકપૂરે જુનૂન, ૩૬ ચૌરંગી લેન, વિજેતા, ઉત્સવ અને અજૂબા બનાવી હતી. અજૂબા ફ્લોપ ગઈ હતી.

ત્રિભોવનદાસ ભીમજી ટી.બી.જ્વેલર્સએ પગથી માથા સુધી નખશિશ રેખાને સોનાના શણગારથી મઢીને ઘરેણાં બનાવેલા. એક ર્દ્શ્યમાં ફિલ્મનો હિરો ચારુદત્ત (શેખર સુમન) રેખા સાથેના પ્રણય ર્દશ્યમાં એ ઘરેણાં ઉતારવા પ્રયત્નો કરે છે પણ નિષ્ફળ જાય છે, ત્યારે રેખા વક્ષસ્થલ પર આવેલું એક જ હૂંક ખોલે છે અને સોને મઢેલા શણગાર એક પછી એક જમીન પર પડે છે, ને ફિલ્મના પડદા પર અંધકાર થાય છે. શશિકપૂરની વિદાયથી આ અંધકાર ક્યારે દૂર થશે એ તો “ મેરે પાસ મા હૈ ” કહેનારો ખાખી વર્દીવારો ઈન્સપેક્ટર જ જાણે. અલવિદા શશિકપૂર. સલામ !

Next Story